Friday, October 18News That Matters

જમીયત ઉલમાં ટ્રસ્ટ વાપી દ્વારા બેરોજગાર યુવાનો માટે જોબ ફેર નું આયોજન કરાયું

વાપીમાં બિન વારસી મૃતદેહોને તેની અંતિમ મંઝીલે પહોંચાડવાનું સેવાકીય કાર્ય કરતા જમીયત ઉલમાં વાપી ટ્રસ્ટ દ્વારા બેરોજગાર યુવાનો માટે Free Entry Job Drive નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70 જેટલા યુવાનો પોતાના બાયોડેટા સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

વાપીમાં ગોદાલ નગરમાં આવેલ જમાત ખાના ઘાંચી હોલમાં જમીયત ઉલમાં ટ્રસ્ટ વાપી દ્વારા free Entry Job Drive નું આયોજન કર્યું હતું. વાપીમાં વસતા દરેક સમાજના પરિવારોના યુવાનોને રોજગાર મળે તે માટે આયોજિત આ જોબ ફેર અંગે ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે, આજકાલ અનેક પરિવારના દીકરા દીકરીઓ આત્મહત્યા જેવું પગલું ભરી લેતા હોય છે. વાપીમાં છેલ્લા 2 દિવસમાં 9 અપમૃત્યુના કેસ બન્યા છે. જેમાં 4 આપઘાત ના કેસ હતાં. જેઓ રોજગારી નહિ મળતા ચિંતાગ્રસ્ત હતાં.

આવા અનેક કેસ તેમની સામે આવતા હોય અમદાવાદની સંસ્થા સાથે મળી આ રોજગાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10 થી ગ્રેજ્યુએશન સુધીના અને 18 વરસથી 35 વર્ષના યુવાનોને બેન્કિંગ ક્ષેત્રમાં, FMCC, Retails, BPO, Facility management, finance & entry level જોબ વગેરે ક્ષેત્રમાં પોતાના અનુભવ અને કાબેલિયત મુજબ નોકરી મેળવી શકે તે ઉદેશ્ય છે. કેમ્પમાં અંદાજિત 70 જેટલા ઉમેદવારોએ પોતાનું નામાંકન કરાવ્યું છે. જે તમામના બાયોડેટા અને જરૂરી દસ્તાવેજ લઈ વહેલામાં વહેલી તકે યોગ્ય નોકરી અપાવી રોજગારીની તક પુરી પડાશે.

રોજગાર મેળામાં મુસ્લિમ સમાજની યુવતીઓ પણ ઉપસ્થિત રહી હતી. જેમાંની ખલિફા સાયનાએ જણાવ્યું હતું કે, તે અહીં નોકરી માટે આવી છે. હાલમાં તે ધોરણ 12માં અભ્યાસ કરે છે. જો તેને અહીંથી કોઈ સારી નોકરી મળશે તો તેનાથી તે તેના આગળના અભ્યાસનો ખર્ચ જાતે ઉપાડી શકશે. પરિવારને આર્થિક મદદરૂપ બની શકશે. એ ઉદેશયથી આ કેમ્પમાં આવી છે. તેમની સાથે તેમની અન્ય બહેનપણીઓ પણ છે. જેઓએ પણ પોતાના બાયોડેટા રજૂ કરી ઇન્ટરવ્યૂ આપ્યા છે.

એજ રીતે યુવાનોમાં ઉપસ્થિત રહેલા અન્સારી તારીક નામના યુવાને જણાવ્યું હતું કે, તેમણે હાલમાં જ BBA નો માર્કેટિંગ સ્પેશ્યલાઈઝેશન નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. નોકરી માટે તેમની શોધ ચાલુ હતી તે દરમ્યાન આ કેમ્પ અંગેની જાણકારી મળતા અહીં માર્કેટિંગ ની નોકરી માટે બાયોડેટા સાથે ઉપસ્થિત રહ્યો છે. ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને તેમના જેવા યુવાનોને એક પ્લેટફોર્મ આપી રોજગારની તક પુરી પાડી છે.

ઉલ્લેખનીય છે કે, જમીયત ઉલમાં ટ્રસ્ટ વાપીના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને તેમની સંસ્થાના સભ્યો વાપી સહિત વલસાડ જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે. બીન વારસી મૃતદેહોને તેમની અંતિમ મંઝીલે પહોંચાડવા ઉપરાંત પોલીસ પ્રશાસન સાથે રહી પુર, મહામારી જેવી કુદરતી હોનારતોમાં બનતી સેવા પૂરી પાડે છે. જેમાં તેમણે હવે બેરોજગાર યુવાનોને રોજગાર મળી રહે, દરેક યુવાન પગભર થઈ શકે. બેરોજગારીને કારણે બનતા આપઘાતના બનાવો અટકે તેવા ઉદેશથી આ નવું અભિયાન શરૂ કર્યું છે. જેમાં દરેક સમાજના લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *