વાયરલ વીડિઓ………
સંઘપ્રદેશ દમણના કચીગામ વિસ્તારમાં આવેલી બોલપેન બનાવતી ફ્લેર કંપનીમાં દિવાળીના દિવસે કર્મચારીઓએ બોનસ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો, અને દિવાળી બોનસ રૂપે આપેલી તકલાદી ગિફ્ટને કંપની કમ્પાઉન્ડમાં ફેંકી રોષ પ્રગટ કર્યો હતો. જે અંગેનો વીડિઓ પણ વાયરલ થતા ચકચાર મચી ગઇ છે.
મળતી માહિતી મુજબ કંપનીમાં કામ કરતા હજારો કામદારોને નક્કી કરેલા બોનસ અને પગારને બદલે નાની ગિફ્ટ આપી દેવાતા કામદારોએ કંપનીના ગેટ પર ગિફ્ટને ફેંકીને ચાલતી પકડી હતી, આમ પણ કચીગામની ફ્લેર કંપની આખું વર્ષ વિવાદમાં રહેતી આવી છે, કંપનીમાં પગાર વધારા અને કોન્ટ્રાકટ કર્મચારીઓને કાયમી કરવા મુદ્દે વારે તહેવારો હડતાળો પડતી જ રહે છે,
જમાં આ વખતે દિવાળી ટાણે પણ કંપની સંચાલકોએ કર્મચારીઓને હડધૂત કરી દેતા કામદારોએ વગર બોનસની દિવાળી ઉજવવાનો વારો આવ્યો હતો, જો કે આ બાબતે કંપની સંચાલકો સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આજ કાલ કોરોનાની મહામારી ચાલતી હોય એટલે મીઠાઈ વહેંચવાને બદલે તેઓએ દિવાળીની ભેંટ સ્વરૂપે કામદારોને થર્મોસના બોક્સ અને ચોકલેટ આપી હતી, જેનું માઠું લાગતા કામદારોએ કંપની તરફથી મળેલી ભેંટ કંમ્પનીના ગેટ પર જ ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો,
જો કે એક રીતે જોવા જઇએ તો કોરોના અને મીઠાઈને બાર ગાઉનું છેટું છે, અને આખા દેશમાં મીઠાઈઓ વહેંચાઈ જ રહી છે, અને મીઠાઈ વહેંચવાથી કોરોના વધી નથી જવાનો, એટલે કામદારોના વિરોધ પ્રકરણમાં કંપની સંચાલકો જવાબદાર હોય તેવું લાગી રાહ્યુ છે,
આ સાથે આજથી દિવાળીનું મીની વેકેશન પૂર્ણ થઇ રહ્યું હોય દમણની તમામ કંપનીઓ ચાલુ થઇ ગઈ છે, પરંતુ ફ્લેર કંપનીમાં દિવાળીનો ખાર ખાઈને બેસેલા કામદારો ફરી હડતાળનું શસ્ત્ર ઉગામશે એવા ડરથી કંપની સંચાલકોએ કામદારોને લાવતી બસો બંધ કરીને રજા પાળી મૂકી છે, ત્યારે હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી ફ્લેર કંપની દ્વારા કામદારોનું શોષણ થયું હોય રોષ પ્રગટ કરતા કામદારો નો વીડિઓ વાયરલ થતા હવે આ મામલે વહીવટી તંત્ર દખલગીરી કરીને કામદારોની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ કંપનીના કર્મચારીઓમાં ઉઠવા પામી છે.