Saturday, December 21News That Matters

ભિલાડમાં જૈન સમાજે આચાર્ય મહાશ્રમણજીનું ભવ્ય સ્વાગત કરી આશીર્વચનનો લ્હાવો લીધો

તીર્થંકરના પ્રતિનિધિ, મહાન તપસ્વી, અહિંસા યાત્રા બાદ દેશભરમાં વ્યસન મુક્તિ, નૈતિકતા, સામાજિક સદભાવનાના સંદેશ સાથે અણુંવ્રત યાત્રાના પ્રણેતા એવા યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી તેમની ધવલસેના સાથે ઔદ્યોગિક નગરી વાપીથી મુંબઈ તરફ પોતાની યાત્રા આગળ વધારી રહ્યા છે. ત્યારે તેમની આ યાત્રાનું ભિલાડ ખાતે તેરાપંથ જૈન સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ ભિલાડ ખાતે આવેલ સ્વામિનારાયણ હોલમાં પ્રવચનનો લ્હાવો લીધો હતો.


વલસાડ જિલ્લાના વાપી બાદ ભિલાડ ખાતે યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભિલાડ ખાતે જાણીતા ઉદ્યોગકારો એવા પવનકુમાર બૈડ અને તેમના પરિવાર દ્વારા આ માટે વિશેષ અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પવનકુમાર બૈડ સહિત તેમના પરિવારજનોએ અને જૈન સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આધ્યાત્મિક સ્વાગત કરી ઉમળકાભેર અણુંવ્રત રેલીમાં જોડાયા હતાં. ભિલાડ રેલવે ગરનાળાથી સ્વામિનારાયણ હોલ સુધી આયોજિત રેલી બાદ મહાશ્રમણજીએ પ્રવચન સ્થળ પર પોતાનું પ્રવચન આપી સૌને આશીર્વચન પાઠવ્યા હતાં.

કાળઝાળ ગરમીમાં મહાશ્રમણજીનો યાત્રા સંઘ ભિલાડ પહોંચ્યો હતો. ત્યારે અહીં સ્થાનિક ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, જૈન સમાજના આગેવાનો, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો અને મુખ્ય આયોજક પરિવાર એવા બૈડ પરિવારના પવનકુમાર બૈડ અને તેમના પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો, અણુંવ્રત યાત્રાના પ્રણેતા મહાશ્રમણજીના આશીર્વચન મેળવવા સુરતથી મુંબઈ સુધીના જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, આચાર્ય શ્રી મહાશ્રમણજી દ્વારા આ બીજી યાત્રા છે. આ પહેલા તેઓએ અંહિંસા યાત્રા યોજી દેશભરમાં અંહિંસાનો સંદેશ આપ્યો હતો. આ વખતની યાત્રા અણુંવ્રત યાત્રા છે. દેશભરમાં દરેક સમાજના લોકો નશા મુક્ત બને, નૈતિકતા, સામાજિક સદભાવના કેળવે તેવા સંદેશ સાથે આ યાત્રા મુંબઈમાં વિરામ પામવાની છે. જેનું ઠેરઠેર તેરાપંથ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભિલાડ ખાતે બૈડ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત સાથે પ્રવચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય શ્રી મહાશ્રમણજીએ યુવાનોને વ્યસન મુક્તિના શપથ લેવડાવી સામાજિક સદભાવના કેળવવા આહવાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *