Friday, March 14News That Matters

બલિઠામાં પંચાયતના સત્તાધીશોએ અને વહીવટી તંત્રના અધિકારીઓએ પોતાના વિકાસ માટે બિલ્ડરો સાથે સાંઠગાંઠ રચી હાઇરાઈઝ ઇમારતોને મંજૂરી આપી દીધી?

વલસાડ જિલ્લાનો વાપી તાલુકો ઔદ્યોગિક ક્ષેત્રે જાણીતો તાલુકો છે. આ તાલુકામાં વાપી શહેરની સરહદને અડીને આવેલુ બલિઠા ગામ આજે પણ અનેક પાયાની સુવિધાઓથી વંચિત છે. ગામની મધ્યમાથી હાઇવે નંબર 48 અને પશ્ચિમ રેલવે લાઇન પસાર થતી હોય ગામના અનેક લોકોએ રેલવેમાં તેમજ હાઇવે પર વાહનોની અડફેટે જીવ ગુમાવ્યા છે. 
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે. જેને લઈને અહીં રેલવે લાઇન પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી સાથે હાઇવે પર પણ ફોરલેન ઓવરબ્રિજ બનાવવાની માંગ ઉઠતા ઓવરબ્રિજની મંજૂરી મળી છે. જો કે એક સમયે રેલવે ઓવર બ્રિજ સાથે હાઇવે ઓવરબ્રિજ બનાવવા તેના નકશા તૈયાર કરી રેલવે ઓવરબ્રિજ ની કામગીરી શરૂ કર્યા બાદ તે હજુ પણ પૂર્ણ થઈ નથી. જ્યારે બીજી તરફ હાઇવે પરના બ્રિજ માટે જમીન સંપાદન ની નોટિસ આપ્યા બાદ અને 90 ટકાને વળતર ચૂકવ્યા બાદ અચાનક આ પ્રોજેકટ સ્થાનિક મોટા જમીનદારોને બચાવવા પડતો મુક્યો છે.
ગામલોકોમાં બિલ્ડરો પ્રત્યે ભભૂકતો આક્રોશનો ચરુ…….
અહીં હાઇવે નજીક જમીન ધરાવતા બિલ્ડરોએ 10 માળ ના હાઇરાઈઝ બિલ્ડીંગોના પ્લાન પાસ કરાવી લીધા છે. આ માટે બલિઠા પંચાયત, જિલ્લા-તાલુકા પંચાયતના સત્તાધીશો તેમજ DLR, વહીવટીતંત્ર ના અધિકારીઓ સાથે બિલ્ડરોએ મોટી સાંઠગાંઠ રચી છે. જો અહીં ઓવરબ્રિજ બનાવવાને બદલે આવા હાઇરાઈઝ બિલ્ડીંગ બનશે તો બલિઠાથી વાપી તરફ આવાગમન માટે ભારે ટ્રાફિક જામની સમસ્યા ઉદભવશે. જેનો સામનો ગામલોકોએ કરવો પડશે. તેવી ચિંતા સેવી ગામલોકોમાં આ બિલ્ડરો પ્રત્યે તેમજ પંચાયતના સત્તાધીશો સામે આક્રોશનો ચરુ ભભૂકી રહ્યો છે.
ભવિષ્યમાં ફરી ઓવરબ્રિજ નો ટલ્લે ચડેલો પ્રોજેકટ પાસ થશે તો, અથવા વધારાનો સર્વિસ રોડ બનાવવાની નોબત આવશે તો ત્યારે, બિલ્ડરો 1 ના 4 ગણા પૈસા લઈ માલામાલ થઈ જશે. બિલ્ડરોના આ મનસૂબા પુરા ના થાય, અહીં ટ્રાફિકના નિરાકરણ માટે વહેલી તકે હાઈવે પર ઓવરબ્રિજ બને અથવા તો વધારાનો સર્વિસ રોડ બને તે સમયની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *