Friday, October 18News That Matters

વાપી નજીક કુંતા ગામની આંબાવાડીમાં પરપ્રાંતીય યુવકે ગળે ફાંસો ખાધો, 2 દિવસમાં 2 કમકમાટીભર્યા મોતથી પંથકમાં અરેરાટી

વાપી નેશનલ હાઇવે નંબર 48 પર 25મી એપ્રિલે એક યુવક પર કોઈ અજાણ્યું વાહન ભરી વળતા તેના કમકમાટીભર્યા ક્ષત વિક્ષત મૃતદેહે પંથકમાં કમકમાટી જન્માવી હતી. જે હજુ શમી નથી ત્યાં જ 26મી એપ્રિલે વાપી નજીક કુંતા ગામની આંબા વાડીમાં ઝાડને ડાળે ગળે ફાંસો ખાધેલી હાલતમાં વધુ એક યુવકનો મૃતદેહ મળી આવતા પંથકમાં અરેરાટી ફેલાઈ છે.

વાપીમાં બિનવારસી મૃતદેહ ઉપાડતા તેમજ અકસ્માતે કે અન્ય કોઈ કારણસર મોતને ભેટતા અજાણ્યા મૃતદેહો માટે નિઃશુલ્ક સેવા બજાવતા જમીયત ઉલમાએ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને તેની ટીમને સવારે પોલીસ વિભાગમાંથી ફોન આવ્યો હતો કે, વાપી નજીક કુંતા ગામની એક આંબાવાડીમાં એક યુવક ઝાડની ડાળી સાથે ગળેફાંસો ખાઈ મૃત્યુ પામેલ છે. જેના મૃતદેહને એમ્બ્યુલન્સમાં વાપી ચલાના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાનો છે.


આ જાણકારી મળતા ઇન્તેખાબ ખાન અને તેની ટીમ એમ્બ્યુલન્સ સાથે કુંતા ગામની આંબા વાડીમાં પહોંચ્યા હતા અને પોતાની સેવા આપી હતી. મૃત્યુ પામેલા યુવક અંગે ટાઉન પોલીસે અને સરકારી હોસ્પિટલ ના તબીબ તરફથી વિગતો મળી હતી કે, કુંતા ગામે મંદિર ફળિયામાં દોઢ એકરની આંબાવાડી ધરાવતા અશ્વિનભાઈ પટેલ 26મી એપ્રિલે વહેલી સવારે તેમની વાડીમાં આંબા પરની કેરીઓ અને વાડીમાં ઉગાડેલ શાકભાજી જોવા ગયા હતાં. ત્યારે તેમણે આંબા ના ઝાડની ડાળ સાથે લટકતો મૃતદેહ જોયો હતો. જેની જાણકારી વાપી ટાઉન પોલીસને કરી હતી.


વાપી ટાઉન પોલીસના કરમસિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જ્યાં આંબાની ડાળ સાથે એક યુવકનો મૃતદેહ લટકતો હતો. અજાણ્યા મૃતદેહની ઓળખ મેળવવા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક 22 વર્ષીય છે. અને તેનું નામ સિકંદર અચ્છેલાલ ચમાર છે. જે વાપી નજીક મોરાઈ ખાતે આવેલ વ્રજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં વિગાર્ડ કંપનીમાં નોકરી કરે છે. મૂળ યુપીનો આ યુવક કંપની નજીકમાં જ તેના કુટુંબી ભાઈ અને મિત્ર લાલવિન્દ કુમાર સાથે રહેતો હતો.

જો કે તેમણે કોઈ અગમ્ય કારણોસર પોતાના શર્ટ અને બનીયાન નો એક છેડો આંબા ની ડાળે બાંધી બીજો છેડો ગળે ભરાવી ફાંસો ખાઈ લીધો હતો. મૃતકની ઓળખ થયા બાદ તેના મૃતદેહને સેવાભાવી ઇન્તેખાબ ખાન ના ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો જતો. જ્યાં તબીબોએ તેનું પોસ્ટમોર્ટમ કરી મૃતક યુવકના મૃતદેહની અંતિમ વિધિ કરવા તેના કુટુંબી ભાઈ લાલવિન્દ કુમારને સોંપ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, વાપી નેશનલ હાઇવે નંબર 48 પર 25મી એપ્રિલે એક યુવક પર કોઈ અજાણ્યું વાહન ભરી વળતા તેના કમકમાટીભર્યા ક્ષત વિક્ષત મૃતદેહે પંથકમાં કમકમાટી જન્માવી હતી. જે હજુ શમી નથી ત્યાં જ 26મી એપ્રિલે વાપી નજીક કુંતા ગામના મંદિર ફળિયામાં આવેલ આંબા વાડીમાં ઝાડને ડાળે ગળે ફાંસો ખાધેલી હાલતમાં વધુ એક યુવકનો મૃતદેહ મળી આવતા પંથકમાં અરેરાટી ફેલાઈ છે. જ્યારે સેવાભાવી ઇન્તેખાબ ખાને કોઈપણ પ્રકારના ધાર્મિક ભેદભાવ વિના પોતાની સેવા પૂરી પાડી માનવતાનું વધુ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *