Friday, October 18News That Matters

દમણની સેલો કંપનીમાં ગાર્ડે ગોળી મારતા સુપરવાઈઝર તરફડતો હતો પણ કંપનીનો એકપણ કર્મચારી નજીક જવાની હિંમત ના કરી શક્યો

દરેક કંપનીઓમાં કંપની સંચાલકો સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ રાખે છે. આ સુરક્ષા ગાર્ડ પુરા પાડવા માટે પ્રાઇવેટ એજન્સીઓને કોન્ટ્રાકટ આપે છે. જો કે તેમને પૂરતો પગાર નહિ મળતા આવા ગાર્ડ જ્યારે વિફરે ત્યારે કેવી ગંભીર ઘટના બને તેનું તાજું ઉદાહરણ દમણની સેલો પ્લાસ્ટ નામની કંપનીમાં બન્યું છે.   
દમણના સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી સેલો પ્લાસ્ટ કંપનીમાં રવિવારે બપોરે અઢી વાગ્યા આસપાસ 2 મહિનાનો બાકી પગાર લેવા આવેલા લાખનસિંગ નામના સિક્યુરિટી ગાર્ડે કંપનીના સુપરવાઈઝર અતુલ ગુપ્તા પર દેશી પિસ્તોલ થી ફાયરિંગ કરી ઘાયલ કરી મુક્યો હતો.
બંદૂકની ગોળી સીધી અતુલ ગુપ્તાની છાતીના નીચેના ભાગે વાગતા તે ત્યાં જ ઢાળી પડ્યો હતો, આ સમયે લાખનસિંગના હાથમાં હથિયાર જોઈને ઓફિસની બહાર ઉભેલા બધા સિક્યુરિટી ગાર્ડ સુપરવાઈઝરને ત્યાં જ લોહીલુહાણ હાલતમાં તરફડતો મૂકીને રફુચક્કર થઈ ગયા હતા, નિ:સહાય અતુલ ગુપ્તા 10થી 15 મિનિટ સુધી ઓફિસમાં જ તરફડ્યાં મારતો રહ્યો હતો, કંપનીના ગેટ પર જ એક સુપરવાઈઝરની હત્યાનો પ્રયાસ અને બંદૂકની ગોળીનો અવાજ સાંભળવા છતાં કંપનીનો એકપણ કર્મચારી કે અધિકારી બહાર જોવા પણ નહોતો આવ્યો,
સુપરવાઈઝરને ગોળી માર્યા બાદ આરોપી લાખનસિંહ ઘણો સમય સુધી કંપનીના કમ્પાઉન્ડમાં એકલો જ ફરતો રહ્યો હતો, અંતે કોઈએ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુલન્સના કર્મચારીઓ તાત્કાલિક કંપનીના ગેટ પર દોડી આવ્યા હતા, અને ઘાયલ અતુલ ગુપ્તાને ઓફિસમાંથી બહાર કાઢીને સારવાર અર્થે દમણ સરકારી હોસ્પિટલમાં લઇ ગઈ હતી,
મળતી માહિતી મુજબ સેલો પ્લાસ્ટ કંપનીમાં AVS સિક્યુરિટી સર્વિસ નામની એજન્સી હેઠળ કામ કરતા લાખનસિંહ નામના સિક્યુરિટી ગાર્ડ અને અતુલ ગુપ્તા નામના સુપરવાઈઝર સાથે પગાર બાબતે રકજક થઇ હતી, જેમાં મામલો વધુ બિચકતા લાખનસિંહે સુપરવાઈઝર પર બંદુકથી ફાયરિંગ કરી દીધું હતું, ઘટના બાદ આરોપી લાખનસિંહે બંદૂક સાથે પોતાને પોલીસને હવાલે કરી દીધો હતો, સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આરોપી સિક્યુરિટી ગાર્ડ પીધેલી હાલતમાં આવ્યો હતો. હાલ સમગ્ર ઘટના અંગે દમણ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *