મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા તમામ વીજ ગ્રાહકોને ઉત્તમ વીજ સેવા અને સુવિધાઓ વધુને વધુ નજીકના સ્થળેથી સુનિશ્ચિત થાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ રાજ્ય સરકાર દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યક્ષેત્રમાં ધરમપુર, કીમ અને વઘઇ એમ ત્રણ નવીન વિભાગીય કચેરીઓ (ડિવિઝન) બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
આ અંગે વધુ વિગતો આપતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે તાજેતરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યક્ષેત્ર હેઠળની વાપી ગ્રામ્ય વિભાગીય કચેરીનું વિભાજન કરીને નવીન ધરમપુર વિભાગીય કચેરી, કડોદરા વિભાગીય કચેરીનું વિભાજન કરીને નવીન કીમ વિભાગીય કચેરી અને નવસારી ગ્રામ્ય વિભાગીય કચેરીનું વિભાજન કરીને નવી વઘઇ વિભાગીય કચેરી એમ ત્રણ નવી વિભાગીય કચેરીઓ (ડિવિઝન) બનાવવામાં આવશે.
નવી ધરમપુર વિભાગીય કચેરી વલસાડ જિલ્લામાં, કીમ વિભાગીય કચેરી સુરત જિલ્લામાં અને વઘઇ વિભાગીય કચેરી ડાંગ જિલ્લામાં બનશે. કીમ વિભાગીય કચેરી બનવાને કારણે કરંજ, મોટા વરાછા, કીમ વિગેરે વિસ્તારોના વીજ ગ્રાહકોને વિભાગીય કચેરીને લગતા કામ માટે કડોદરા જવું પડતું હતું, જેને બદલે હવેથી કીમ ખાતે મંજૂર થયેલ કચેરીથી વીજ ગ્રાહકોને વીજ સેવાઓ મળશે.
વાપીથી કપરાડા સુથારપાડા નાનાપોંઢા, ધરમપુર વગેરે વિસ્તારો વાપીથી 70 કી.મી.થી વધુ દૂર હોવાને કારણે ગ્રાહકોને અગવડ પડતી હતી જેથી સરકાર દ્વારા ભૌગોલિક અનુકૂળતા રાખવા માટે ધરમપુર વિભાગીય કચેરી મંજૂર કરવામાં આવેલ છે.
નવસારી ગ્રામ્ય વિભાગીય કચેરી હેઠળના વાંસદા, પીપલખેડ, વઘઈ, આહવા, સાપુતારા, અનાવલ વિસ્તારો નવસારીથી 100 કી.મી.થી વધુ દૂર હોવાને કારણે ગ્રાહકોને નજીકના સ્થળેથી વીજ સેવાઓ મળી રહે તે માટે વઘઇ વિભાગીય કચેરી મંજૂર કરવામાં આવેલ છે. ધરમપુર વિભાગીય કચેરી અને વઘઇ વિભાગીય કચેરીને કારણે આદિવાસી તેમજ જંગલ વિસ્તારોમાં રહેતા વીજ ગ્રાહકોને પણ ખૂબ મોટો લાભ મળશે.
રાજ્યના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ મળે તે માટે બનાવવામાં આવેલ પેટા વિભાગીય કચેરીઓ અંગે માહિતી આપતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં સમગ્ર રાજયમાં 16 પેટાવિભાગીય કચેરીઓ બનાવવામાં આવી છે જે પૈકી દક્ષિણ ગુજરાતમાં 6, ઉત્તર ગુજરાતમાં 5, મધ્ય ગુજરાતમાં 3 અને પશ્ચિમ ગુજરાતમાં 2 નવી કચેરીઓ બનાવવામાં આવી છે.
રાજ્યના વીજ ગ્રાહકોને સારી વીજ સેવાઓ ઉપરાંત ગુણવત્તા યુક્ત અને સાતત્ય પૂર્ણ વીજ પુરવઠો પણ મળી રહે તે માટે છેલ્લા એક વર્ષમાં 106 નવા સબ સ્ટેશન બનાવવામાં આવેલ છે તથા વર્ષ 2022-23-માં 110 નવા સબ સ્ટેશન બનાવવાનું આયોજન છે. તેમ જણાવ્યુ હતું.
આ નવી કચેરીઓ અને સબ સ્ટેશન બનવાને કારણે વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવા અને સુવિધાઓ મળવાની સાથે સાથે ગુણવત્તા યુક્ત અને સાતત્ય પૂર્ણ વીજ પુરવઠો મળશે તેમ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ ઉમેર્યું હતું.