Tuesday, October 22News That Matters

દમણગંગા કિનારે 233 જેટલી દોઢ દિવસની ગણેશ પ્રતિમાનું કરાયું વિસર્જન, ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું કૃત્રિમ કુંડમાં વિસર્જન

બુધવારે દોઢ દિવસના શ્રીજી વિસર્જનની નાની મોટી મળી કુલ 233 ગણેશ પ્રતિમાઓનું દમણગંગા નદીમાં અને કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વાપી શહેર, GIDC અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાપિત દોઢ દિવસના ગણેશજીની બુધવારે બપોર બાદ ગણેશ ભક્તો, આયોજકો દ્વારા ધામધૂમથી બાપાની વિસર્જન યાત્રા કાઢવામા આવી હતી. Dj ના તાલે અને ઢોલ નગારાના ધબકારે નાચગાન સાથે નીકળેલી યાત્રામાં ગણપતિ બાપા મોરિયા નો નાદ ગુંજયો હતો. વિસર્જન યાત્રા દમણગંગા નદી કિનારે પહોંચી હતી. જ્યાં અંતિમ આરતી કરી ભાવવિભોર બની ભક્તોએ ગણેશ પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. 

દમણ ગંગા નદી કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને NGO સંસ્થાની મદદથી તેમજ ફાયર વિભાગની મદદથી મોડી રાત્રી સુધીમાં 233 દોઢ દિવસની પ્રતિમાનું દમણગંગા નદીમાં અને અહીં બનાવેલ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતુઁ.

વાપી વિસ્તારમાં ગણેશોત્સવના પ્રારંભ સાથે ગણેશમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ દમણગંગા નદીમાં પ્રદુષણ ન વધે તે માટે વાપી ગ્રીન એન્વાયરો કંપની લિ., GPCB, નોટિફાઇડ અને VIA દ્વારા કૃત્રિમ તળા‌વનું નિર્માણ કરવામાં આવ્યું છે. બુધવારે મોટી સંખ્યામાં આવેલ દોઢ દિવસના શ્રીજીઓનું વિસર્જન આ કૃત્રિમ તળાવમાં કરવામાં આવ્યું હતું.

દર વર્ષે વાપી દમણગંગા નદી કિનારે ગણેશ મહોત્સવમાં 1500થી વધુ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન થાય છે. વાપી દમણગંગા નદી કિનારે કુત્રીમ તળાવ તૈયાર કરવામાં આવે છે. જેના કારણે નદીમાં થતાં પ્રદુષણને અટકાવી શકાય. બુધવારે દોઢ દિવસના શ્રીજી વિસર્જનની નાની મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં અને મોટી મૂર્તિનું દમણગંગા નદીના પ્રવાહમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. રાત્રીના 8 વાગ્યા સુધીમાં નાની મોટી મળી કુલ 233 ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

દમણગંગા નદી કિનારે ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરતી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. PSI, પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ, GRD સહિતના જવાનો તૈનાત કર્યા છે. તો, દરેક ગણેશ મૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ તળાવમાં અને નદીમાં ફાયરના જવાનોને મૂર્તિનું વિસર્જન કરવાની જવાબદારી સોંપાઈ છે. સુરક્ષા સાધનો સાથે ફાયરના જવાનો દરેક મૂર્તિનું ધાર્મિક વિધિ સાથે વિસર્જન કરે છે.

વિસર્જન દરમ્યાન કાયદો વ્યવસ્થા સાથે અન્ય કોઈ તકલીફ વિસર્જન યાત્રા કરવા આવેલા ગણેશ ભક્તોને પડે નહીં તે માટે પોલીસ સમન્વય ની ટીમ પણ વ્યવસ્થા જાળવવામાં ખડેપગે રહી છે. નદીમાં કે નદી કાંઠે કોઈપણ પ્રકારનો કચરો ફેંકવામાં આવે નહિ, માત્ર મૂર્તિનું જ વિસર્જન કરવામાં આવે તેવી તકેદારી સાથે આગામી અનંત ચૌદશ સુધી સાવચેતી રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *