વાપીમાં કાર્યરત ઇન્ડિયા જીલેટિન એન્ડ કેમિકલ લિમિટેડની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયા છે. એક કંપનીએ તેમના કર્મચારીઓના સહયોગથી 50 વર્ષ પૂર્ણ કર્યા હોય એ ખુશીમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ના હસ્તે કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
વાપીમાં આવેલ IGCL કંપનીએ 50 વર્ષ પૂર્ણ કર્યા છે. સતત 50 વરસથી કાર્યરત કંપનીની પ્રોડકટ આજે અનેક દેશોમાં એક્સપોર્ટ થાય છે. ત્યારે, 50 વર્ષની સફરમાં કંપની સાથે રહી મહત્વનું યોગદાન આપનાર કંપનીના કર્મચારીઓનું સન્માન કરી આભાર પ્રગટ કરવા શુક્રવારે કંપનીમાં સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર વીરેન મીરાની ના આમંત્રણ ને માન આપી ડેરી, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના કેબિનેટ પ્રધાન પરષોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમના હસ્તે કંપનીમાં 30 થી 50 વર્ષ સુધી સેવા આપનાર કર્મચારીઓનું સન્માન કરી કંપનીને ઊંચાઈ પર લઈ જવા આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રૂપાલાએ જણાવ્યું હતું કે, આ કંપની પશુઓના હાડકા ને ગાળી એમાંથી જીલેટિન બનાવે છે. કંપનીએ 50 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે તેના સુવર્ણ અવસરનો સાક્ષી થવાનો અવસર મળ્યો છે. વાપી એ આપણા ગુજરાત રાજ્યના ઔદ્યોગિક જગત માટેનું મુખ્ય હબ છે. ગુજરાતનું ગૌરવ છે અને રાષ્ટ્રીય સ્તરે પણ વાપી ઉદ્યોગ જગતની એક આગવી ઓળખ છે. એમાંની એક કંપની IGCL જીલેટિન નું ઉત્પાદન કરી એક્સપોર્ટ કરે છે. અને અમેરિકા, ફ્રાંસ, જર્મની, જાપાન, ઇંગ્લેન્ડ, કોરિયા એમના ગ્રાહકો છે. એ આપણા માટે, કંપની માટે, રાજ્ય માટે અને દેશ માટે ગૌરવનો વિષય છે. કંપનીએ 50 વર્ષ પૂર્ણ કર્યા એમની સાથે સંકળાયેલા કર્મયોગીઓનું સન્માન કર્યું છે. જે કંપનીનો સૌથી યાદગાર કાર્યક્રમ કહી શકાય.
તો, કંપનીના મેનેજીંગ ડિરેકટર અને ચેરમેન એવા વીરેન મીરાનીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કંપનીની સ્થાપના થઈ ત્યારે એવી કલ્પના જ નહોતી કે આટલા આગળ વધીશું. પરંતુ, કર્મચારીઓ, સરકાર સૌના સપોર્ટથી આજે કંપની 90 ટકા ઉત્પાદન એક્સપોર્ટ કરે છે. કંપની હવે જીલેટિન સિવાય અન્ય ઉત્પાદન દ્વારા વધુ ઉંચાઈ પ્રાપ્ત કરે તેવી નેમ છે. કંપનીમાં કામ કરતા કર્મચારીઓ નું પણ સન્માન કરવામાં આવતા તેઓએ પણ આભારની લાગણી પ્રગટ કરી હતી.
સુવર્ણ જયંતિ મહોત્સવના કાર્યક્રમ પ્રસંગે કંપનીના ફોરેન ડેલીગેટ્સ, કંપની ના ચેરમેન સહિત તેમનો પરિવાર, કંપનીમાં કામ કરતા કર્મચારીઓ, વાપી VIA ના પ્રમુખ, સભ્યો અને અગ્રણી ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.