Sunday, December 22News That Matters

વાપી, સરીગામ, ઉમરગામ GIDCની કંપનીઓ દ્વારા સફાઈ અભિયાન ક્યારે?

વાપી, વલસાડ, ઉમરગામ, પારડીમાં હાલમાં જ પાલિકા દ્વારા સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જો કે, વલસાડ જિલ્લો ઔદ્યોગિક નગરી તરીકે જાણીતો છે. અહીં વાપી, સરીગામ, ઉમરગામ જેવી GIDC આવેલી છે. જેમાં અંદાજિત 10,000 એકમો કાર્યરત છે. વાર તહેવારે કંપની સંચાલકોની જન્મ-મરણ તિથિએ રક્તદાન કેમ્પનું આયોજન કરતા કે, પર્યાવરણ જેવા દિવસોએ વૃક્ષારોપણ કરતા ઉદ્યોગકારો કંપની આસપાસની ગંદકી હટાવવા કોઈ સફાઈ અભિયાન હાથ ધરતા નથી. આવા સંચાલકો સ્વચ્છતા મિશનમાં એક કલાકનું જો શ્રમદાન કરે તો દરેક GIDCમાં પણ સ્વચ્છતા જળવાય રહે. પરંતુ તે શુભ કાર્યમાં કોણ આગળ આવશે તે સવાલ છે.
સમગ્ર ભારતમાં સ્વચ્છતા મિશન અભિયાન હેઠળ સામુહિક સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતના દરેક ગામડે ગામડે, શહેરમાં સફાઈ ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ગામડા અને શહેરો સ્વચ્છ બની રહ્યા છે. ત્યારે, વલસાડ જિલ્લાની વાપી, સરીગામ, ઉમરગામ GIDC ગંદકીથી ખદબદી રહી છે. આ GIDC માં આવેલી કંપનીઓના સંચાલકો CSR ફંડ હેઠળ આરોગ્ય કેમ્પ કરી ને, (કેટલાક વળી દુરદરાજના ગામડાઓમાં જઈ ને) મેડિકલ સેવા પુરી પાડી હોવાના તાયફા કરે છે. (જે તપાસ નો વિષય છે. જે અંગે ફરી ક્યારેક આ પોર્ટલ પર સંપૂર્ણ વિગતો સાથે પ્રકાશિત કરવામાં આવશે) 

 

હાલ, નો વિષય સ્વચ્છતા ને લઈને હોય એમાં આગળ વધીએ તો, આવા કંપની સંચાલકો એ બાબતમાં સદાય ઉણા ઉતર્યા છે. કંપની સંચાલકોના માલિકો ની મરણ તિથિએ રક્તદાન કેમ્પ કરવા, સ્થાપના દિવસે વૃક્ષારોપણ કરવું, યોગ ડે ના દિવસે યોગ કરવા જેવી પ્રવૃતિઓ કરી તેમાં નેતાઓ અધિકારીઓને બોલાવી કંપનીની જાહેરાતો કરવામાં મશગુલ ઉદ્યોગકારો એમની કંપની આસપાસ ની ગંદકી હટાવવા, સ્વચ્છતા જાળવવા આગળ આવતા નથી.
સ્વચ્છતા અભિયાનનો ઠેકો જાણે ગ્રામ પંચાયત અને નગરપાલિકાએ જ લીધો હોય તેમ આવા અભિયાનમાં સામેલ થતા રાજકીય આગેવાનો, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ના હોદ્દેદારો, GIDC, નોટિફાઇડ, GPCB કે અન્ય સરકારી-ખાનગી સંસ્થાઓના અધિકારીઓ ઉદ્યોગકારો ના વિવિધ સમારંભોમાં સહયોગ આપી રહ્યા છે. જેઓએ આવા ઉદ્યોગકારોને સ્વચ્છતા જાળવવા તેના માટે કમ સે કમ એક કલાકનું શ્રમદાન કરવા પણ આદેશ આપવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, GIDC માં કાર્યરત એકમોમાં ગણ્યાગાંઠ્યા એકમો જ એવા છે જે કદાચ કંપની પરિસરમાં સ્વચ્છતા જાળવે છે. મોટેભાગે તો કંપની પરિસર અને તેમની સામેના મુખ્ય માર્ગ પર ગંદકીનો ઢગ ખડકાયેલો જ જોવા મળે છે. આશા રાખીએ કે હાલમાં ચાલી રહેલા સફાઇ અભિયાન અંતર્ગત આવા કંપની સંચાલકો તેમની કંપની અને તેની સામેના મુખ્ય માર્ગ પૂરતી પણ સફાઈ કરશે તો સ્વચ્છતા ના નામે પાલિકા વિસ્તાર ની કે ગ્રામ્ય વિસ્તારની જેમ GIDC નો પણ ડંકો વગાડી સ્વચ્છતામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *