Friday, October 18News That Matters

મકાન વિહોણી ચાલતી આંગણવાડી કેન્દ્ર અંગેના અહેવાલ બાદ ICDS વિભાગ જાગ્યું, મકાનની વ્યવસ્થા માટે CDPOનો આદેશ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 50થી વધુ આંગણવાડીઓનું મકાન સંકલનના અભાવે કે વિવાદમાં બન્યા નથી. આવા સંજોગોમાં બાળકોને વૃક્ષ નીચે કે કોઈક બીજાના મકાનના ઓટલે અભ્યાસ કરાવાય છે. આ વર્ષોથી દયાજનક સ્થિતિમાં ચાલતી આંગણવાડી કેન્દ્રનો અહેવાલ ઔરંગા ટાઈમ્સ અને સ્થાનિક દૈનિક અખબારમાં છપાયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે.

ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના ગામો સહિત અનેક ગામોમાં સામાન્ય કારણોથી આંગણવાડી કેન્દ્રના મકાન નહિ બનતા વૃક્ષના નીચે આંગણવાડીના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. કેટલીક આંગણવાડી 15 વર્ષથી પણ વધુ સમયથી બીજાના ઓટલે ચલાવવામાં આવી રહી છે. તો કેટલીક આંગણવાડી કેન્દ્ર ભાડેના મકાનમાં આંગણવાડી વર્કરો સ્વખર્ચે ચલાવવા માટે મજબુર બન્યા છે.

સંજાણ જેવા ગામોમાં પણ સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. લાખોના ખર્ચે મકાન નિર્માણ થયા બાદ પણ સામાન્ય વિવાદના કારણે મકાનનો ઉપયોગ થયો નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પંથકમાં અનેક આંગણવાડીઓ ભાડાના મકાનમાં પણ ચાલી રહી છે જેનું ભાડું આંગણવાડી કાર્યકર બહેનો પોતે ભોગવે છે.

સમગ્ર ઉમરગામ તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીના મકાનનું કામ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. સામાન્ય જમીનનો વિવાદ ઉકેલવામાં નિષ્ફળ રહેલા સ્થાનિક નેતાઓ, સરપંચો, ધારાસભ્ય તેમજ તાલુકા પંચાયત અને તાલુકા પંચાયતનું icds વિભાગના કારણે હજારો નાના બાળકોને વૃક્ષો નીચે કે પારકા ઓટલે ખુલ્લામાં બેસાડી અભ્યાસ કરાવાય છે.

આંગણવાડી કેન્દ્રના અભાવે આંગણવાડીના બાળકોને સરકારશ્રીના કાર્યક્રમ મુજબનું શિક્ષણ, ઇત્તર પ્રવૃત્તિ તેમજ પીરસાતો અલ્પાહાર અસામાન્ય રીતે મળી રહ્યો છે. આજનું બાળક કાલનું ભવિષ્ય કહેવામાં આવે છે પરંતુ ઉમરગામ તાલુકામાં અમીરોના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય જેઓના બાળકો આંગણવાડીના કેન્દ્રોને બદલે ખાનગી સિનિયર જુનિયર KGમાં ભણે છે જ્યારે મજૂરી કામ કરતા, ખેતી કામ કરતા ગરીબ પરિવારના નાના ભૂલકાઓને છેલ્લા દસ પંદર વર્ષોથી પડી રહેલી મુશ્કેલી ઉપર કોઈને દયા ભાવના શુદ્ધ આવતી નથી.

આવા નિર્દોષ બાળકો પરિસ્થિતિને આધીન મજબૂરીમાં દૈન્ય સ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે. આવા ગરીબ પરિવારના બાળકોનો ભવિષ્ય ઉમરગામ તાલુકામાં ઝાખું જોવા મળી રહ્યું છે. આ બાબતનો અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર એ ઝડપી નિકાલ કરવાના બદલે ટૂંકો રસ્તો અપનાવવાના ભાગરૂપે ICDS વિભાગના CDPO એ વૃક્ષ નીચે બેસતા બાળકોને કોઈકના ઓટલા ઉપર અને કોઈકના ઓટલા પર બેસતા બાળકોને કોઈકના મકાનમાં બેસાડવાની સોશિયલ મીડિયાના માધ્યમથી સૂચના આપી છે. આ સૂચના બાદ આંગણવાડી કાર્યકર બહેનોમાં ભારે હિલચાલ જોવા મળી રહી છે. અનેક આંગણવાડી કાર્યકર બહેનો સ્વખર્ચે ભાડાના મકાનમાં આંગણવાડી કેન્દ્ર ચલાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઉમરગામ તાલુકામાં આવેલ 400 થી વધુ આંગણવાડી કેન્દ્રો પૈકી 50 થી વધુ આંગણવાડી કેન્દ્રના મકાનો જમીનની સામાન્ય સમસ્યા કે વિવાદના કારણે નહિ બનતા આંગણવાડી કેન્દ્ર ચલાવવા માટે કાર્યકર બહેનોને ભારે મુશ્કેલી વેચવી પડી રહી છે. કેટલીક આંગણવાડી સ્વખર્ચે ભાડું ચૂકવી કેન્દ્રો ચલાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *