વાપી ટાઉન વિસ્તારમાં શુક્રવારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા વાપીમાં ઘરમાં ચાલતા દારૂના અડ્ડા પર રેઇડ કરવામાંં આવી હતી. જેમાં 5 બુટલેગરોને ઝડપી પાડી કુલ 5,33,110 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 4 ને વોન્ટેડ જાહેર કર્યા છે.
વાપીમાં વાપી ટાઉન પોલીસ હદ વિસ્તારમાં આવતા ગીતાનગર, ટાંકી ફળિયા, હળપતિવાસ અને ભીંડી બજારમાં બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં મોટી માત્રામાં દારૂ, બિયર અને વ્હિસ્કીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે હળપતિવાસમાંથી કિરણ બાબુ પટેલના ઘરેથી 3,57,580 રૂપિયાની કિંમતનો દારૂ-બિયર અને વ્હિસ્કીનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથે પોલીસે 40 હજારની કિંમતના 6 મોબાઈલ ફોન 5890 રૂપિયા રોકડા, 1,20,000ની 4 બાઇક, 9640નો અન્ય મુદ્દામાલ મળી કુલ 5,33,110 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેકટર એ. ડી. ચાવડા અને તેની ટીમે રેઇડ દરમ્યાન બુટલેગર કિરણ બાબુ પટેલ, મનોજ બાબુ પટેલ, બિપીન શિવનારાયણ ઝા, જીતેશ જયેશ હળપતિ અને મિત રાજેશ સોલંકીની ધરપકડ કરી હતી. જ્યારે તેઓને દારૂનું વેચાણ કરવા તથા દમણથી દારૂ લાવી આપનાર હિરલ કોળી પટેલ, સુરજ ભૈયો, દાદીબેન હળપતિ, પ્રકાશ હરીશ હળપતિને વોન્ટેડ જાહેર કર્યા છે.
આ અંગે વધુ તપાસ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકના PSI જે.જે. ડાભી કરી રહ્યા છે. જ્યારે અન્ય ગુનાઓમાં દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો પરંતુ આરોપીઓ ભાગી ગયા હતા. તે અંગેનો ગુનો વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધી વધુ તપાસ ડુંગરા પોલીસને સોંપી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટા ભાગના વિસ્તારોમાં જાહેર સ્થળોએ દારૂનું દૂષણ દુર થતું નથી અને વધુને વધુ વેચાણ થતું જોવા મળી રહ્યું છે. યુવાનો નશામાં ડૂબી રહ્યા છે. ત્યારે, વાપી ટાઉન વિસ્તારમાં સ્ટેટ મિનિટરિંગ સેલના 5 સ્થળો પર દરોડા પડતા વાપીના બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.