Friday, October 18News That Matters

વલસાડ જિલ્લામાં સૌથી વધુ આકરો તાપ, તો, નલિયા, ભુજ, અમરેલીમાં ઠંડીનો પ્રકોપ, વાપીમાં AQI અમદાવાદ-અંકલેશ્વર કરતા પણ વધુ……!

ચોમાસાની ઋતુ બાદ અને કારતક મહિનો શરૂ થતાં જ નલિયા, ભુજ, અમરેલી જેવા વિસ્તારમાં તાપમાનનો મારો ગગડતા ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. ત્યારે, વલસાડ અને સુરત 20મી નવેમ્બર સોમવારે રાજ્યના સૌથી વધુ ગરમ પ્રદેશ રહ્યા હતાં. વલસાડ જિલ્લામાં આકરા તાપ વચ્ચે હવાની ગુણવત્તા નું પ્રમાણ આપતો AQI પણ 181 પર રહ્યો હતો.

દિવાળી પર્વ વીત્યા બાદ વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી-દમણમાં શિયાળો હજુ જામ્યો નથી. સતત ગરમ વાતાવરણ વચ્ચે સોમવારે વલસાડ, સુરતમાં તાપમાનનો પારો 35 ડિગ્રીએ રહેતા ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ધરાવતા પ્રદેશ રહ્યા હતાં. વલસાડમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી, તો, સુરતમાં લઘુતમ તાપમાન 24 ડીગ્રી રહ્યું હતું. દમણમાં મહત્તમ તાપમાન 33 ડીગ્રી તો લઘુતમ તાપમાન 23 ડીગ્રી રહ્યું હતું.

આ વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર છે. અહીં સતત ભેજવાળું વાતાવરણ રહેતું હોય સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના હવા પ્રદુષણ અંગે રોજેરોજના આવતા આંકડા મુજબ વાપીમાં 20મી નવેમ્બરે AQI (એર ક્વોલીટી ઇન્ડેક્સ) 181 રહ્યો હતો. હવાની અતિ ખરાબ ગુણવત્તા મામલે ગુજરાતમાં વાપીએ પહેલો નંબર પ્રાપ્ત કર્યો હતો. ગુજરાતમાં અમદાવાદનો AQI 126, અંકલેશ્વરનો AQI 120 જ્યારે સુરત-વાપીનો AQI 181 રહ્યો હતો.

વલસાડ જિલ્લાના વાતાવરણમાં હાલ કોઈ જ પલ્ટો જોવા મળ્યો નથી. તેમ છતાં વલસાડ જિલ્લામાં આકરો તાપ વર્તાઈ રહ્યો છે. વલસાડ સોમવારે 35 ડીગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ મથક બન્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 20 ડીગ્રી રહ્યું હતું. વાપી ઔદ્યોગિક વસાહત હોય ઉદ્યોગોમાં કામ કરતા કામદારો છેલ્લા 4 દિવસથી આકરા તાપનો અનુભવ કરી રહ્યા છે.

સંઘપ્રદેશ દામણની વાત કરીએ તો દમણમાં મહત્તમ તાપમાન 33 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડીગ્રી રહ્યું હતું. દરિયા કિનારાને કારણે દમણમાં હવાનું જોર વધ્યું હતું. તેમ છતાં આ પ્રવાસન સ્થળે હાલમાં દિવાળી વેકેશન માટે આવેલા પ્રવાસીઓને ઠંડકનો એહસાસ ઓછો અને બફારા સાથેના બળબળતા તાપનો એહસાસ વધુ કરાવ્યો હતો. રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, અમદાવાદમાં લઘુતમ તાપમાન 21 ડીગ્રી, ગાંધીનગર, ડીસા, મહુવા, કેશોદમાં 19 ડીગ્રી, ભુજ, કંડલામાં 18 ડીગ્રી, અમરેલીમાં 17 ડીગ્રી, બરોડામાં 20 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સોમવારે ગુજરાતના વલસાડ, સુરત, વડોદરા અને સંઘપ્રદેશના દાદરા નગર હવેલી-દમણ મથક સતત ગરમ પ્રદેશો બન્યા હતાં. જ્યારે ગુજરાતના ભુજ, નલિયા, અમરેલી, કંડલામાં તાપમાનનો પારો ગગડતા લોકોએ ઠંડીનો એહસાસ કર્યો હતો. રાજ્યમાં નલિયામાં સૌથી નીચું તાપમાન 13 ડીગ્રી રહ્યું હતું. અન્ય મુખ્ય શહેરોમાં પણ લઘુતમ તાપમાન 17 ડિગ્રીથી 24 ડીગ્રી વચ્ચે રહ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન 30 થી 33 ડીગ્રી વચ્ચે રહ્યું હતું. હાલમાં હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ અગામી 5 દિવસ સુધી વાતાવરણમાં કોઈ બદલાવ આવવાનો ના હોય વલસાડ જિલ્લાવાસીઓએ બળબળતા તાપ વચ્ચે પરસેવે રેબઝેબ થતું રહેવું પડશે. એવામાં જો AQI પણ વધશે તો લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડશે અને સ્વસ્થ લોકો ગંભીર રોગના શિકાર બનશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *