વલસાડ જિલ્લો કેરીના ઉત્પાદન અને તેની મીઠાસ માટે જાણીતો છે. પરંતુ, હાલમાં વાતાવરણમાં આવતા પલટા ને કારણે આ જિલ્લામાં ખેડૂતોને મોટેપાયે નુકસાન ગયું છે. તેમ છતાં સરકારે પાક નુક્સાનીની સહાયમાં વલસાડ જિલ્લાના ખેડૂતોને બાકાત રાખ્યા છે. જ્યારે બીજી તરફ મોટાભાગની કેરી કેનિંગમાં મોકલવાની નોબત આવી છે.
વલસાડ જિલ્લાની વિવિધ કેરી માર્કેટમાં હાલ કેરીની ડિમાન્ડ વધી છે. ખેડૂતો પોતાની આંબાવાડીમાંથી વેપારીઓને ત્યાં કેરી વેંચાણ માટે લાવી રહ્યા છે. એક સમયે તાલુકાની વિવિધ માર્કેટમાં દૈનિક 1500 ટન કેરીની આવક થતી હતી જેની સામે હાલ માત્ર 400 ટન આસપાસ જ કેરીની આવક થઈ રહી છે. જે અંગે વેપારીઓ-ખેડૂતો ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી વરસાદને નુક્સાનીનું મુખ્ય કારણ માની રહ્યા છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનાં જાણીતા કેરીના વેપારી એવા આશાપુરા ફ્રુટ કંપનીના ધર્મેન્દ્રસિંહ ચૌહાણે આ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કેરીનું સૌથી વધુ ઉત્પાદન ધરાવતા વલસાડ જિલ્લાના ખેડૂતો સાથે સરકારે અન્યાય કર્યો છે. વાતાવરણમાં આવેલા પલટા બાદ ગુજરાતના અન્ય જિલ્લાના ખેડૂતોને સરકારે પાક સહાય આપી છે. પરંતુ વલસાડ જિલ્લાના કેરી ઉત્પાદન લેતા ખેડૂતોને નુક્સાનીના વળતર માં બાકાત રાખી દીધા છે. એટલે ઓછા ઉત્પાદન અને દવા સહિતના ખર્ચને કારણે ખેડૂતોને મોટું નુકસાન ગયું છે.
વલસાડ જિલ્લામાં આજ થી 10-15 વર્ષ પહેલાં સરેરાશ 70 થી 75 ટકા કેરીનું ઉત્પાદન થતું હતું. જે હાલમાં દર વર્ષે પડતા કમોસમી વરસાદ, કાળઝાળ ગરમી, તેજ પવનને કારણે હવે માત્ર 20થી 30 ટકા જ રહ્યું છે. અને એ તમામ કેરીમાંથી મોટાભાગની કેરીનું ફળ યોગ્ય ના હોય તેનું ગ્રેડિંગ કરી ગુજરાત મહારાષ્ટ્રની કેનિંગ ફેકટરીમાં મોકલવી પડે છે. જ્યારે સ્થાનિક માર્કેટમાં ખૂબ ઓછી કેરી જાય છે. કેનિંગમાં હાલ 1050 રૂપિયા મણ નો ભાવ છે. રિટેલ માર્કેટમાં ગ્રાહકોને પુરી પડાતી કેરીની ભાવ 1100 થી 1300 છે. જે ખેડૂતોએ કરેલી મહેનત અને મજૂરી-દવા ના ખર્ચ સામે ખૂબ જ નજીવી કિંમત છે.
વલસાડ જિલ્લામાં હાફૂસ, કેસર, લંગડો, દશેરી જેવી વિવિધ વેરાયટીની કેરીનું સ્થાનિક ખેડૂતો ઉત્પાદન લેતા આવ્યા છે. જેમાં માવઠા સહિતના માર ને કારણે ઉત્પાદન ઘટ્યું છે. એ ઉપરાંત મોટા ભાગની કેરી ઝાડ પર જ પાકીને ખરી પડે છે. એટલે ખરેલી આવી કેરીમાં થતી જીવાત અન્ય સારી કેરીને પણ બગાડે છે. આવો બગાડ થતો અટકાવવા ખેડૂતોએ મજૂરોનો વધારાનો ખર્ચ કરવો પડે છે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કેરી વેપારીઓને ત્યાં ઉમરગામ તાલુકા ઉપરાંત, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમજ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી ખેડૂતો કેરી લઈને આવે છે. જે કેરી સ્થાનિક વેપારીઓ ગ્રાહકોને વેંચવા ખરીદી કરે છે. કેનિંગમાં મોકલે છે. તો, સારી ક્વોલિટીની કેરી એક્સપોર્ટ થાય છે. પરંતુ આ વર્ષે ઓછું ઉત્પાદન અને નબળી ક્વોલિટીના ફળ ને કારણે ખેડૂતો-વેપારીઓને નુકસાન ગયું છે. જેના વળતરની એક આશા સરકાર હતી. પરન્તુ રાજકીય ખટપટમાં વલસાડ જિલ્લાને જ બાકાત કરી દેતા તે આશા પર પણ પાણી ફેરવાઈ ગયું છે