Friday, October 18News That Matters

નારગોલ ગામે વર્ષો બાદ પેટ્રોલ પમ્પ ખુલ્લો મુકાતા લોકોમાં આનંદની લાગણી

ગુજરાત સરકારના પેટ્રોલિયમ વિભાગ દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ ઇન્ડિયન ઓઇલ દ્વારા નારગોલ ખાતે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ફાળવવામાં આવ્યો હતો. જે પેટ્રોલ પંપનું ઈન્ડિયન ઓઈલના વાપી રિજનલ સેલ્સ હેડ અજેન્દ્ર મીના તેમજ નારગોલ ગામના સરપંચ સ્વીટી ભંડારીના વરદ હસ્તે રિબીન કાપી પેટ્રોલ પંપને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 
ઉમરગામ તાલુકાના નારગોલ ગામે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ શરૂ થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં નારગોલથી મરોલી સુધી એક પણ પેટ્રોલ પંપ ન હોવાના કારણે વાહનચાલકો તેમજ કાંઠા વિસ્તારનાં લોકો ને ડીઝલ પેટ્રોલ લેવા માટે લાંબા અંતર સુધી જવું પડતું હતું. થોડા સમય પહેલા મરોલી પંથકમાં એક પેટ્રોલ પંપ ની શરૂઆત થતાં તે વિસ્તારની પ્રજા એ રાહત અનુભવી હતી. પરંતુ, નારગોલ સરોંડા તડગામ આહું જેવા ગામોમાં પેટ્રોલ પંપનો
અભાવ અને વધી રહેલા વાહનોની સંખ્યાના કારણે પેટ્રોલ પંપ શરુ થાય તેવી લોક માંગ હતી.
આ પ્રસંગે પેટ્રોલ પંપના માલિક સુરેન્દ્રભાઈ મુનિયા તેમનો પરિવાર, પંપ સંચાલક ઇન્દ્રકાંત ઉર્ફે લાલાભાઈ, જમીનના માલિક છગનભાઈ ભંડારી, તુષાર ભાઈ, યતીનભાઈ તથા ગામના વરિષ્ઠ આગેવાનોની હાજરી જોવા મળી હતી આ વિસ્તારમાં લાંબા સમયથી પેટ્રોલ પંપની માંગ રહી હતી એવા સંજોગોમાં નવો પેટ્રોલ પંપ શરૂ થતાની સાથે જ સ્થાનિક લોકો પોતાના વાહન લઈ પેટ્રોલ પુરાવવા માટે કતારમાં જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *