વાપીમાં સામાજિક કાર્યો માટે જાણીતા ટ્રસ્ટ એવા ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદ વાપીના 2 વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ સહિત કારોબારી સભ્યોની વરણી કરાઈ હતી. આ પ્રસંગે વાપીના ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલમાં ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદના નવા વરાયેલ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્યો નો શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો. જેમાં ટ્રસ્ટ દ્વારા પાછલા વર્ષમાં પૂર્વ પ્રમુખ, પૂર્વ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ કરેલી સામાજિક પ્રવૃત્તિની સરાહના કરવામાં આવી હતી. તેમજ વ્યક્તિગત મતભેદ દુર કરી સમાજને મજબૂત બનાવવા સૂચન કરાયું હતું.
વાપીમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે જાહેર માર્ગો, સ્થળો પર પાણીની પરબ ઉભી કરવી, સમાજના યુવાનોને રોજગારી ની તકો ઉપલબ્ધ કરાવવી, બીમાર ગરીબ દર્દીઓને સારવારના ખર્ચમાં મદદરૂપ થવું, સમાજના યુવાનોને શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવું જેવા અનેક સેવાકીય કાર્યો ની સુવાસ ફેલાવતા ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદ વાપીના 2 વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ સહિત કારોબારી સભ્યોની વરણી કરાઈ હતી.
આ પ્રસંગે પૂર્વ પ્રમુખ સુનિલ સાંગવાને તેમના 2 વર્ષના કાર્યકાળ દરમ્યાન કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિ ની રૂપરેખા આપી હતી. જ્યારે નવા વરણી પામેલા પ્રમુખ ઓમપ્રકાશ ચૌધરીએ ટ્રસ્ટ દ્વારા થયેલા સામાજિક કાર્યો ને વધુ વેગ આપી નવા પ્લાનિંગ સાથે વધુ સારા કાર્યો કરવાની ખાતરી આપી હતી. તેમજ આગામી દિવસમાં જયપુરમાં યોજાનાર જાટ સંસદ પરિષદમાં સહભાગી થવાનો કોલ આપ્યો હતો.
નવી કાર્યકારીણીમાં પ્રમુખ તરીકે ઓમપ્રકાશ ચૌધરીની સર્વાનુમતે વરણી કરાઈ હતી. જે બાદ ઉપપ્રમુખ તરીકે કુલદીપ લાંબા, ઓમપ્રકાશ કવા, મહાવીર પ્રસાદ ધીવા, અને શ્રીમતી નીલમ તોમર, વિજય પહલ, ઉપાધ્યક્ષ, રવિન્દ્ર લાઠર મહાસચિવ, કૃષ્ણ યોરાણ સહસચિવ, રાજુ મહલા ઉપાધ્યક્ષ અને ઈશ્વર ચૌધરીને સહઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તમામને સમાજના પૂર્વ પ્રમુખ સુનિલ સાંગવાન, સભ્યો, સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ કરાવી સમાજ સેવા માટે સંકલ્પ લેવડાવી શુભેચ્છા પાઠવી હતી. શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ પ્રમુખ રામસિંહ સહારણ, રામકિશન પિલાનિયા, ફૂલચંદ ચૌધરી સહિત મોટી સંખ્યામાં જાટ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.