Friday, October 18News That Matters

ગુજરાત સરકારના પાલિકા અધિનિયમ પરિપત્રનો ભળતો અર્થ કાઢી વાપી નગરપાલિકાના સત્તાધીશોનો અનોખો ખેલ, મિલકત ધારકો પાસેથી ઉઘરાવી રહ્યા છે કરોડોનો મિલકત વેરો

 

નગરપાલિકા એ શહેર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકાને ચોક્કસ હદ હોય છે અને તેમાં રહેતા લોકો તે સ્થાનિક સંચાલનની હદ નીચે આવે છે. નગરપાલિકા દ્વારા મુખ્યત્વે શહેરના વિકાસથી માંડીને લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવે છે, બદલામાં નગરપાલિકા લોકો પાસેથી વિવિધ પ્રકારના વેરા ઉઘરાવે છે. નગરપાલિકા દ્વારા એરીયાબેઇઝ મિલકતની આકારણી કરીને મિલકત વેરો, પાણી વેરો, દીવાબત્તી વેરો, વ્યવસાય વેરો વગેરે કરવેરા ઉઘરાવવામાં આવે છે. જો કે આ વેરામાં સરકારના પરિપત્ર મુજબ વાત કરીએ તો વાપી નગરપાલિકા ના સત્તાધીશો મિલ્કતધારકો ને રીતસરના મૂરખ બનાવી રહ્યા છે. કેમ કે વિવિધ વેરા અને તેના નિયમોની આંટીઘૂંટી ખુદ પાલિકાના સત્તાધીશો કે કર્મચારીઓ ને પલે નથી પડતી તો, આમ નાગરિકોને ક્યાંથી પડવાની?

 

 

 

 

 

વાપી નગરપાલિકામાં પણ કંઈક એવો જ તાલ સર્જાયો છે. વાપી નગરપાલિકા દ્વારા મિલકત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, સામાન્ય દિવાબત્તી વેરો, સામાન્ય સફાઈ વેરો શિક્ષણ ઉપકર, નોટિસ ફી, ડ્રેનેજ વેરો વગેરે સ્લોટ માં વેરો વસુલવામાં આવી રહ્યો છે. જે દરેક મિલકત ધારકોની મિલકતના બીલ્ટ અપ એરિયા મુજબ નિયત નક્કી કરેલા ચોરસ ફૂટ ના દર આધારે વસુલવામાં આવે છે. મિલ્કત ધારક પાસે તે કોમર્શિયલ, રેસિડેન્સીયલ આધારે વસુલવામાં આવે છે. કોઈ પાસે મિલકત વેરો 896 રૂપિયા, તો કોઈ પાસે 1128 રૂપિયા કે 2221 રૂપિયા કે તેનાથી ઓછાવત્તા રકમ હોઈ શકે છે. એ જ રીતે ખાસ પાણી વેરો 600 રૂપિયા 1200 રૂપિયા નક્કી કરાયા છે. જો કે આ જ માળખામાં એવા કેટલાય મિલકત ધારકો છે કે જેઓ તેની દુકાનમાં પાણીનો કોઈ જ ઉપયોગ કરતા નથી. દુકાનમાં કોઈ જ પાણી નું કનેક્શન નથી. તેમ છતાં 1200 રૂપિયા લેખે ટેક્સ આપવો પડે છે. કેટલાક પાસે એવા કોઈ જ વેરાની રકમ ઉઘરાવવામાં આવતી નથી. આ એક રીતે જોઈએ તો મિલકત ધારકો પાસેથી પાલિકાની ઉઘાડી લૂંટ છે. જેની સામે અવાજ ઉઠાવનારા ને પાલિકાના સત્તાધીશો ગુજરાત સરકારના પરિપત્રની દુહાઈ આપી છટકી જાય છે. અને આવા એકલા વાપીના મિલ્કતધારકો ની વાત કરીએ તો 20 ટકા જેટલા છે. જેઓ પાસેથી નગરપાલિકા ટેક્સ પેટે 2 કરોડથી વધુની રકમ ખંખેરી રહી છે.

 

 

 

સામાન્ય રીતે નગરપાલિકાના ટેક્સની વિગતો જોઈએ તો જેમ મિલકત વેરા પેટની રકમ બીલ્ટ અપ આધારે નક્કી કરાય છે. તેવી જ રીતે સામાન્ય પાણી વેરો, સામાન્ય દિવાબત્તી વેરો પણ 134 રૂપિયા, 333 રૂપિયા કે 169 રૂપિયા મુજબ અલગ અલગ એમાઉન્ટ માં ઉઘરાવાય છે. શિક્ષણ ઉપકર પણ કોઈ પાસે 63 રૂપિયા, 224 રૂપિયા, 124 રૂપિયા મુજબ ઉઘરાવાય છે. નગરપાલિકા દ્વારા સામાન્ય વેરો ઉઘરાવ્યાં બાદ તે સરકારની તિજોરીમાં જમા કરાય છે. જ્યારે મિલકત વેરા પેટે, ખાસ પાણી વેરા પેટે, ડ્રેનેજ વેરા પેટેની રકમ પાલિકા દ્વારા શહેરીજનોના વિકાસ માટે ખર્ચવામાં આવે છે. 

 

 

 

એ ખર્ચ માટે પાલિકા પોતાનો બોજો મિલ્કતધારકો પર નાખી જે સુવિધાનો ઉપયોગ તેઓ કરતા જ નથી. તે સુવિધાના નામે ઉઘરાવી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. ત્યારે આ અંગે મિલ્કતધારકો જાગૃત બને અને તે જે રકમ મિલકત વેરા પેટે ચૂકવે છે. તે સુવિધા ખરેખર તેમને મળે છે કે કેમ તે અંગે જાગૃત બની પાલિકા પાસે જવાબ માંગે તે જરૂરી છે. જો કે આવી વિગતોની જાણકારી નગરપાલિકાના સત્તાધીશો ગોળગોળ જવાબ આપી અરજદાર પર જ ઓળીયોઘોળીયો નાખી દેશે એ ચોક્કસ છે કેમ કે આખરે તો ખેલ ટેક્સની ઉઘાડી લૂંટ નો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *