Friday, January 31News That Matters

વલસાડ જિલ્લામાં પાણીની અછત ધરાવતા તાલુકાના 8 થી 10 ગામ વચ્ચે નાના ડેમ બનાવી ઉનાળામાં પડતી પાણીની તંગી દૂર કરશે ગુજરાત સરકાર :- નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ

રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોને પાકમાં થયેલ નુકસાન અંગે સરકારે સર્વે હાથ ધર્યો છે. આગામી દિવસોમાં સરકાર પોઝિટિવ નિર્ણય લઈ સહાય કરશે. વલસાડ જિલ્લા પાણીની તંગી ધરાવતા તાલુકાના ગામો વચ્ચે નાના ડેમ બનાવી પાણીની તંગી દૂર કરશે. તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં જેમ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે તેવી ઝુંબેશ વાપી પાલિકા વિસ્તારમાં હાથ ધરવામાં આવશે તેવી વિગતો રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વાપીમાં એક તળાવના વિકાસના ખાતમુહૂર્ત પ્રસંગે આપી હતી.

 


આ પ્રસંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, હાલ ગુજરાતના દ્વારકા સહિતના જિલ્લાઓમાં સરકારે અનધિકૃત દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. આવા અનધિકૃત દબાણ હટાવવામાં સરકારની નીતિ સ્પષ્ટ છે. જે રીતે દબાણ હટાવવાનું કામ ચાલુ કર્યું છે એ પ્રશંસનીય છે અને એ માટે સમગ્ર અધિકારીઓ, ચૂંટાયેલા સભ્યોને બધાને અભિનંદન આપ્યા હતાં. નાણાપ્રધાને વાપી નગરપાલિકાના સત્તાધીશોને ટકોર કરી વાપીમાં પણ આ જ રીતે જે વિસ્તારમાં અનધિકૃત દબાણ છે તેને દૂર કરવાની કામગીરી થશે એવી ખાતરી આપી હતી.


તો, એક સમયે ગત બજેટમાં રિવરલીન્ક પ્રોજેકટ હેઠળ દમણગંગા-પાર-તાપી-નર્મદા નદીઓનું જોડાણ કરી ચોમાસા દરમ્યાન વહી જતું પાણી એકત્ર કરી ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પહોંચાડવાની યોજનાની જાહેરાત બાદ સ્થાનિક સ્તરે વધેલા વિવાદમાં આ પ્રોજેકટ પડતો મુક્યો છે. હવે પાણીના તર ઊંચા લાવવા રિવરલીન્ક પ્રોજેકટનો પ્રશ્ન કોઈ સ્થળે ચાલતો નથી. તેવું જણાવી નાણાપ્રધાને જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લો પાણીથી સમૃદ્ધ જિલ્લો છે. વલસાડને ગુજરાતનું ચેરાપુંજી કહી શકાય એટલો વરસાદ પડે છે. ત્યારે આ વિસ્તારમાં નાના નાના ડેમો બનાવીને આઠ-દસ ગામોને પાણી મળે એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. અને એમાં ઘણી બધી સફળતા મળી રહી છે.


નાણાપ્રધાને હાલમાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદ બાદ દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતો સહિત સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતોને પાકમાં જે નુકસાન ગયું છે. તે અંગે સરકાર સહાય આપશે તેવું જણાવી તે અંગે સર્વે હાથ ધર્યો હોવાનું જણાવ્યું હતું. માવઠાના નુકસાન અંગેનો સર્વે એકાદ અઠવાડિયામાં પૂર્ણ થાય તે બાદ સહાયની રકમ અંગે પોઝિટિવ નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી પર નાણાપ્રધાને આપી હતી.

વાપી નગરપાલિકા હસ્તકના ડુંગરા વિસ્તારમાં આવેલ પીરમોરાના ઘાંચીયા તળાવનો 4.40 કરોડના ખર્ચે વિકાસ કરવાની પાલિકાએ પહેલ કરી છે. જેનું શનિવારે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને ઉમરગામના ધારાસભ્ય તેમજ પૂર્વ વનપ્રધાન રમણલાલ પાટકરના હસ્તે ખાતમુહરત કરવામાં આવ્યું હતું. તળાવના વિકાસ કાર્યના ખાતમુહરતમાં વાપી નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, ચેરમેન, વિવિધ સમિતિના અને વોર્ડના સભ્યો સહિત સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *