ગુજરાતમાં 5 વરહ હુધી પુર, વાવાઝોડા, દાક્તરો, માસ્તરોની હળતાળો, કોરોના મહામારી હામે ઝીંક ઝીલી સરકાર ટકાવી રાખ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલની સરકારનું હાઇકમાન્ડ ના આદેશથી ઉઠમણું કયરૂ અને નવા નિહાળીયા એવા ભુપાદાદાને અચાનક જ મુખ્યમંત્રી પદ અપાઈ દીધું. આ રાજકારણ હજુ ગુજરાતની જનતાને હમજાયું નથી. એવામાં વરી નવા મુખ્યપ્રધાન બનેલા ભુપેન્દ્ર પટેલે બીજો આંચકો વલસાડ જિલ્લાના બે-બે MLA જે એકેયવાર મંત્રી નહોતા બઈના, અને એમાં પણ વરી એક તો કોંગ્રેસમાંથી આવેલ બારાતું હતો. એને મંત્રી મંડળમાં બેહાડી લીધા.
આ આંચકો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના પટેલો, કોળીઓ, ઠાકોરો અને બીજી કોમને ખાટલામાંથી ઉભા કરી દીધા જેવો હતો. પણ બંધાય ને ખબર સે કે આવું કાંઈ થાય એટલે ખણખોદિયા પત્રકારોને એના જેવા રાજકારણીઓ ખણખોદ કરવા ધંધે લગાડી મૂકે અને મૂળ હોધી ને રીયે. બસ આવી જ ખણખોદ કરીને ભુપેન્દ્ર પટેલનું મૂળ હોધી વલહાડ ને કેમ વધુ અપાયું એનો તાળો મેળવી લીધો છે.

મૂળ જાણે વાત એવી સે કે આ ભુપેન્દ્ર પટેલ ઉર્ફે દાદા ભલે અમદાવાદમાં ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હોય અને એ પછી મુખ્યમંત્રી બનેલા હોય પણ એ પહેલાં એટલે કે જ્યારે 10 વરહના ટેણીયા હતા તિયારથી લઈને પંદર વરહના થયા ટાં હુધી વલહાડમાં એમના બાપા રજનીકાંત જોડે રહેતા હતાં. અને આમેય જેનું બાળપણ જ્યાં વિતે એ ગામ કે શહેર માણહને કાયમ યાદ રય જાય છે. એટલે ભુપેન્દ્ર પટેલને પણ પોતાનું એ બાળપણનું શેર વલહાડ યાદ રય ગયું સે અને જેવા મુખ્યમંત્રી બઈના કે ભેગા ભેગ વલહાડના 2 MLA ને પણ મહત્વના ખાતા હોંપી દીધા સે.

આ બેય MLA એમાં એક કનું દેહાઈ અને બીજા જીતુ ચૌધરી છે. જેને ખાતું મળ્યા બાદ હજુ તો 15 દી પુરા નથી થયા તાં હુધિમાં વલસાડ જિલ્લાના મોટા ભાગના ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, વેપારીઓ, સમાજના આગેવાનો વાપી-ઉમરગામ થી સેક ગાંધીનગર માં જઇ ને ફુલના ગુલદસ્તા આપી ને શુભેચ્છા આપી આયા છે. આ સિલસિલો હજુ પણ શરૂ છે.

પણ આપણી મૂળ વાત સે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની તો હવે આગળ વાંચો આ ભુપેન્દ્ર પટેલ ગુજરાતના બીજા એવા મુખ્યપ્રધાન છે કે જેણે વલસાડની “બાઈ આવા બાઈ” શાળામાં અભ્યાસ કર્યો હોય અને તે બાદ મુખ્યપ્રધાન બન્યા હોય. તેમની પહેલા મોરારજી દેસાઈ એવા માણહ હતાં જેણે આ જ શાળામાં અભ્યાસ કયરો હતો અને એ બાદ મુખ્યપ્રધાન અને વડાપ્રધાન બનેલા. હવે આ વાત બહાર આવતા ભાજપના ખેમામાં ખલબલી હી ખલબલી મચી ગઇ છે.

એમાં વરી જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડના કપરાડા-ધરમપુરમાં ભટકેલા અને એ પછી જેવા ગુજરાતના મુખ્યમંત્રી બઇના ત્યારથી અતતાર હુધી એના કઈ કેટલાય દોસ્તારો પોતાની હાંકે રાખે સે કે ઇ નરેન્દ્ર મોદીને ઓળખે છે. એવી હવા હવે આ ભુપેન્દ્ર પટેલના વલસાડ કનેક્શન પસી જોવા મલહે ઇ પાકું છે. આમેય આજકાલ બધાને પાક્કો વલહાડી થવાના ને કેવાના બોવ અભરખા જાઈગા સે.

જો કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના આ અંતરંગ જીવનની વાત કરીએ તો જેમ વલહાડના પનોતાપૂત્ર અને દેશના માજી વડાપ્રધાન ભારત રત્ન સ્વ.મોરારજીભાઇ દેસાઇએ વલસાડની આવાબાઇ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. એ વલહાડ જિલ્લાની જાણીતી નિશાળમાં ભુપેન્દ્ર પટેલે પણ ધોરણ 5 થી 10 સુધી અભ્યાસ કર્યો હોવાની વાત ખુદ CM પટેલે કરતાં વલસાડનું નામ ફરીથી ગુજરાતમાં ગુંજતું થઇ ગયું છે.

ગુજરાતના 17માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ રજનીકાંત પટેલનું બાળપણ વલસાડ શહેરમાં પણ વિત્યું છે. તેમના પિતા રજનીકાંતભાઇ વલસાડની સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. ભુપેન્દ્રભાઇ તે સમયે “બાઇ આવાંબાઇ હાઇસ્કુલ”માં ધોરણ 5 થી 10 સુધી ભણ્યા હતા. આ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભુપેન્દ્રભાઇ ડિપ્લોમા સિવિલ એન્જિનીયરિંગનો અભ્યાસ કરવા અમદાવાદ ગયા હતા.જ્યાં તેમણે એન્જિનીયરિંગ કર્યા બાદ રિઅલ અસ્ટેટમાં ઝંપલાવી તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.
બિલ્ડરમાંથી રાજકારણી બનેલા ભુપેન્દ્ર પટેલ સરળ સ્વભાવના છે. તે 2017 માં પહેલી જ વાર વિધાનસભા ચૂંટણી લડ્યા અને 1લી ટર્મમાં જ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણી તે આનંદી બેન પટેલની ફેવરિટ સીટ ઘાટલોડિયામાંથી લડ્યા અને પહેલી જ ચૂંટણીમાં 1,17,000 જેટલા જંગી મતોની સરસાઈથી જીત્યા હતા.

ગુજરાતના નવા મુખ્યમંત્રી બનેલા Bhupendra Patel એ મેમનગર નગરપાલિકાના ચેરમેનથી રાજકીય સફર શરૂ કરી હતી. Bhupendra Patel અમદાવાદ મ્યુનિસિપાલટીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે.
Bhupendra Patel 2017માં વિધાનસભા ચૂંટણી લડ્યા તે સમયે ફાઈલ કરવામાં આવેલ એફિડેવિટ મુજબ 5.20 કરોડની મિલકત અને બેંક બેલેન્સ ધરાવે છે. વાહનમાં i-20 કાર અને Activa 2-વ્હીલર છે. તેમની પત્નીનું નામ હેતલબેન છે. જે એક ગૃહિણી છે. સંતાનોમાં એક પુત્ર છે જે એન્જીનીયર છે. એક દીકરી છે જે ડેન્ટિસ્ટ છે. 59 વર્ષના ભુપેન્દ્ર પટેલ કડવા પાટીદાર પટેલ છે. સમાજમાં સારો મોભો ધરાવે છે. હવે આશા રાખીએ કે વલસાડ સાથે નાતો ધરાવતા આ કડવા પાટીદાર મુખ્યમંત્રી તરીકે પણ સફળ થાય. અને વલસાડ જિલ્લામાં રૂંધાયેલા વિકાસના કામોને ગતિ આપી વલસાડનો વિકાસ કરવામાં નિમિત્ત બન્ને.