Friday, January 31News That Matters

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, 1 અને 5 ડિસેમ્બર એમ 2 તબક્કામાં મતદાન, 4.90 કરોડ મતદારો 182 ધારાસભ્ય ચૂંટશે, 8મી ડિસેમ્બરના પરિણામ

ગુરુવાર 3 નવેમ્બરે ચૂંટણીપંચ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખ જાહેરાત કરી છે. જે સાથે જ તમામ 182 વિધાનસભા બેઠક પર ચૂંટણી આચારસંહિતા લાગુ પડી છે. ચૂંટણીપંચે પત્રકાર પરિષદમાં આપેલી વિગતો મુજબ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. 
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત ચૂંટણીપંચે જાહેર કરેલ વિગતો પર નજર કરીએ તો, આ વિધાનસભા ચૂંટણીમાં 27943 સર્વિસ વોટર્સ, 4,90,89,765 સામાન્ય મતદારો મળી કુલ 4,91,17,308 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી 182 ધારાસભ્યો ને ચૂંટશે. આ વર્ષે છેલ્લી મતદાર યાદી સુધારણા મુજબ 3,24,420 મતદારો 18 વર્ષ પૂર્ણ કરનારા નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં Persons with Disabillities (PwD) 4,04,802 મતદારો છે. 1417 થર્ડ ઝેન્ડર મતદારો છે. જ્યારે 9,87,999 મતદારો 80 વરસથી વધુ ઉંમરના સિનિયર સીટીઝન મતદારો છે. આ તમામ મતદારો માટે રાજ્યભરમાં 51782 પોલિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની 182 સીટ માટેની ચૂંટણીની જાહેર થયેલ તારીખ મુજબ કુલ 2 ફેઝમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં 1લી ડિસેમ્બરે 89 વિધાનસભા બેઠકનું તો, 5મી ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારો 5 નવેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકશે જેની છેલ્લી તારીખ 14 નવેમ્બર નક્કી કરાઈ છે. 15મી નવેમ્બરે ફોર્મ ચકાસણી થશે. 17 નવેમ્બરે ફોર્મ પરત ખેંચી શકશે. જ્યારે બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારો 10 નવેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકશે જેની છેલ્લી તારીખ 17 નવેમ્બર નક્કી કરાઈ છે. 18મી નવેમ્બરે ફોર્મ ચકાસણી થશે. 21મી નવેમ્બરે ફોર્મ પરત ખેંચી શકશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.
તમામ મતદાન મથકે પીવાના પાણી, રેમ્પ, ટોઈલેટ, વેઈટિંગ રૂમ જેવી સુવિધા અપાશે, તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. વિશેષ ઓબ્ઝર્વર દરેક મતદાન મથકે રહેશે અને સિનિયર સિટિઝનો, દિવ્યાંગો વગેરે માટે વિશેષ સુવિધાની દેખરેખ રાખશે.
આ વર્ષે 1274 વિશેષ મહિલા મતદાન મથકો હશે જ્યાં માત્ર મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા ચૂંટણી સ્ટાફ જ ફરજ બજાવશે.
182 મતદાન મથકનું સંચાલન દિવ્યાંગ ચૂંટણી સ્ટાફ દ્વારા કરાશે.
દરેક જિલ્લામાં એક એવા ગુજરાતમાં 33 મતદાન મથક એવાં હશે, જેમાં સૌથી યુવા સ્ટાફ, એટલે કે હાલમાં જ ભરતી કરાયેલા ચૂંટણી અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવશે.
તો, આ વખતે સાગર ખેડુ મતદારો માટે શિપિંગ કન્ટેઈનરમાં મતદાન મથક ઊભું કરાશે જેનો 283 મતદારો લાભ લેશે. ઝફરાબાદના શિયાળબેટના 457 મતદાર માટે બોટમાં વિશેષ વ્યવસ્થા કરાશે
માધવપુર-ગીર વિસ્તારમાં 200થી સિદી મતદારો છે. જેમના માટે વિશેષ મતદાન સુવિધા ઉભી કરાશે.
80 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝનો- દિવ્યાંગો- પીડબ્લ્યુડી- જે લોકો મતદાનમથકે આવી નથી શકતા તેમના માટે પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પડાશે
PwD (દિવ્યાંગ) મતદારો માટે વિશેષ સુવિધા- પાર્કિંગથી લઈને મતદાનમાં પ્રાથમિકતા સુધીની સુવિધા
1417 ટ્રાન્સજેન્ડર મતદારો અત્યારે છે, દેશમાં કુલ 44 હજારથી વધુ ટ્રાન્સજેન્ડર મતદારો છે
ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું હતું કે મતદારયાદી પ્રસિદ્ધિ થઈ ગઈ છે. નવા મતદારો ઉમેરાયા છે. ભૂલો સુધારવામાં આવી છે. શહેરોમાં મતદાન વધારવા  માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માગે છે, પરંતુ મતદાન બૂથ પર પણ ન આવી શકે, પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠક છે, તેમાં 40 બેઠક અનામત છે. 13 બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠક અનુસૂચિત જનજાતિ (ST) માટે રિઝર્વ છે. 2017માં 25 ઓક્ટોબર 2017ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી. પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠક માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠક માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું. વર્ષ 2017માં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે વિજય મેળવીને સરકાર બનાવી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી, BTPને 2 સીટ અને 4 સીટ પર અપક્ષ જીત્યા હતા. ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે માહિતી આપી હતી કે ગુજરાતમાં દર 1000 પુરુષની તુલનામાં 934 મહિલા છે. ગુજરાતમાં 11,800 મતદાતા 100 વર્ષની ઉંમર ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *