જુલાઈ, 2023ના મહિનામાં એકત્રિત કરવામાં આવેલી ગ્રોસ GST આવક ₹ 1,65,105 કરોડ છે. જેમાંથી CGST ₹ 29,773 કરોડ છે, SGST ₹ 37,623 કરોડ છે , IGST ₹ 85,930 કરોડ છે (માલની આયાત પર એકઠા થયેલા ₹ 41,239 કરોડ સહિત) અને સેસ ₹ 11,779 કરોડ (માલની આયાત પર એકઠા થયેલા ₹ 840 કરોડ સહિત) છે.
સરકારે IGSTમાંથી CGST ને ₹ 39,785 કરોડ અને SGST ને ₹ 33,188 કરોડની પતાવટ કરી છે. નિયમિત સેટલમેન્ટ બાદ જુલાઈ 2023માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે ₹ 69,558 કરોડ અને SGST માટે ₹ 70,811 કરોડ છે.
જુલાઈ મહિના દરમ્યાન ગુજરાતમાં 9787 કરોડનું કુલ GST કલેક્શન થયું છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં જુલાઈ મહિનામાં 354 કરોડનું કલેક્શન થયું છે. જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં 26,064 કરોડનું GST કલેક્શન થયું છે.
જો કે, ગત જૂન મહિનામાં ગુજરાતમાં GST ની કુલ આવક 10,119.71 કરોડ હતી. જેની સરખામણી એ ગુજરાતમાં જુલાઈ મહિનામાં થયેલ કુલ કલેક્શનને જોતા 332.71 કરોડની ઘટ નોંધાઇ છે. જ્યારે દાદરા અને નગર હેવલી અને દમણ-દીવમાં જૂન મહિનામાં 339.31 કરોડનું કલેક્શન થયું હતુઁ. જે જોતા જુલાઈ મહિનામાં 14 કરોડ આસપાસની વૃદ્ધિ થઈ છે. મહારાષ્ટ્રમાં જૂન મહિનામાં કુલ GST કલેક્શન 26,098.78 કરોડ હતું. જે જોતા મહારાષ્ટ્રમાં પણ જુલાઈ મહિનામાં ઘટ પડી છે.
જુલાઈ 2023 મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનામાં જીએસટીની આવક કરતા 11 ટકા વધારે છે. મહિના દરમિયાન, ઘરેલુ વ્યવહારો (સેવાઓની આયાત સહિત)ની આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી થતી આવક કરતા 15% વધુ છે. પાંચમી વખત ગ્રોસ જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.
ઉલ્લેખનીય છે કે, જુલાઈ ‘2023માં IGSTમાંથી SGST હિસ્સાની રકમ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરભર કરવામાં આવતી હોય છે. જે મુજબ ગુજરાતનો SGST 3293 કરોડ, IGSTનો SGST ભાગ 1917 કરોડ મળી કુલ હિસ્સો 5210 કરોડ છે. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ પ્રદેશનો હિસ્સો 85 કરોડ રહ્યો છે. જ્યારે મહારાષ્ટ્રમાં SGST 7958 કરોડ, IGSTનો SGST ભાગ 4167 કરોડ મળી કુલ 12,124 કરોડનો હિસ્સો રહ્યો છે.