સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તથા વલસાડ જિલ્લામાં રોજગારી માટે સ્થાઇ થયેલો બંગાળી સમાજ વર્ષોથી સેલવાસમાં દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરે છે. જે અંતર્ગત આ વર્ષે પણ ભવ્ય આયોજન સાથે દુર્ગા મહોત્સવનો શુભારંભ કર્યો છે. 4 દિવસના આ સાર્વજનિક મહોત્સવ બાદ દુર્ગા માતાની પ્રતિમાનું દમણગંગા નદીમાં વિસર્જન કરશે.
ગુજરાતની નવરાત્રી જેમ જગ વિખ્યાત છે, એ રીતે બંગાળની દુર્ગાપૂજા પણ જગ પ્રખ્યાત છે. યુનેસ્કો દ્વારા તેનો હેરિટેજ કલચર માં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે, બંગાળના આ મહાઉત્સવને જાળવવા અને બાળકોમાં સંસ્કૃતિનું સિંચન અકબંધ રાખવા દાદરા નગર હવેલીમાં વર્ષોથી રહેતા બંગાળી સમાજના લોકો દ્વારા છેલ્લા દસ વર્ષથી ભારે હર્ષોલ્લાસભેર દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે.

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વસેલા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા કમિટી સેલવાસના નેજા હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવ નું આયોજન કર્યું છે. આ પ્રસંગે બંગાળી સમાજે ગુજરાતી સમાજને નવરાત્રી પર્વની હાર્દિક શુભકામના આપતા જણાવ્યું હતું કે, દુર્ગાપૂજા એ બંગાળનો સૌથી મોટો તહેવાર છે મા દુર્ગાએ મહિસાસુર નામના રાક્ષસનો વધ કરી વિજય મેળવ્યો હતો. આ વિજયને બંગાળી સમાજ શારદોત્સવ તરીકે મનાવે છે. આ પર્વને ગુજરાતની નવરાત્રી મુજબ શક્તિ આરાધના પર્વ રૂપે મનાવવામાં આવે છે.

વર્ષો જૂના આ પર્વનો નવરાત્રિના નવ દિવસ દરમિયાન છેલ્લા 4 દિવસ એટલે કે સપ્તમી શુભારંભ કરી વિજયા દશમી સુધી ભક્તિ ભાવપૂર્વક ઉજવવામાં આવે છે. દાદરા નગર હવેલીમાં રહેતા બંગાળી સમાજ કલકત્તાના કારીગરે બનાવેલી માં દુર્ગાની મૂર્તિને દમણથી સેલવાસ લાવે છે. જેની સાથે રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન ગણેશની પણ સ્થાપના કરવામાં આવે છે. ચાર દિવસના આ ઉત્સવમા માતાજીની આરાધના માટે છેક બંગાળથી મહારાજને બોલાવવામાં આવે છે. તો મહાપ્રસાદ માટે રસોઈયાઓને પણ કલકત્તાથી બોલાવવામાં આવે છે. જે તમામ રસોઈ બંગાળી ટેસ્ટ સાથે તૈયાર કરે છે.

સામાન્ય રીતે દુર્ગાપૂજા એ નવરાત્રીના નવ દિવસ દરમિયાન સાતમથી દશમ એમ ચાર દિવસ મનાવવામાં આવે છે. જેમાં માં દુર્ગાની ભક્તિભાવ સાથે આરાધના કરવામાં આવે છે. પરંપરાગત વાજિંત્રો સાથે નૃત્ય મહોત્સવ, મહાપ્રસાદ, મહાપુજાનું આયોજન કરવામાં આવે છે. સાતમના દિવસે માં દુર્ગા માતાની પ્રતિમાની સ્થાપના કરે છે. અષ્ટમીના સંધિ પૂજા અને બલિપૂજાનું આયોજન કરાય છે. નવમીના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જ્યારે દશમીના દિવસે પરંપરાગત નૃત્ય સાથે ભવ્ય વિસર્જન યાત્રા કાઢી નદીમાં વિસર્જન કરવામાં આવે છે. એક સમયે બંગાળમાં દુર્ગાપૂજા વખતે પશુની બલિ પણ ચડાવાતી હતી. હવે એ પ્રથા બંધ થઈ ચૂકી છે. તેના સ્થાને શેરડી અને દૂધીની બલી પૂજા કરાય છે.

જેમ ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ દરમ્યાન ગરબાનું અનેરું મહત્વ છે. તે જ રીતે દુર્ગા પૂજામાં કેળા નું અને કેળનું મહત્વ છે. કેળાના પાન ને ભગવાન ગણેશના પત્ની સ્વરૂપે શણગારી સૌ પ્રથમ તેની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગા એ અષ્ટમીના દિવસે મહિસાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો તો આ ચાર દિવસ માં પાર્વતીજી કૈલાશ પર્વતથી તેમના માવતરે આવે છે જેને વધાવવા આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. બંગાળમાં આ ઉત્સવના અંતિમ દિવસે વિજયા દશમીએ માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવા સાથે નીલકંઠ નામના પક્ષીને આકાશમાં મુક્ત કરી મહાદેવને સંદેશ આપવામાં આવે છે કે માતા પાર્વતી માવતરે થી પિયર જવા નીકળ્યા છે.

ચાર દિવસના આ ઉત્સવમાં બંગાળી સમાજના લોકો નવા કપડા પહેરી ભક્તિ ભાવપૂર્વક માતાજીની ઉપાસના કરે છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં આયોજિત દુર્ગા પૂજા મહોત્સવમાં મહિલાઓ પર ભક્તિ ભાવ સાથે માતાજીની આરાધનામાં ઉત્સાહભેર ભાગ લે છે. તેમની વર્ષો જૂની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે માતાજી પાસે પ્રાર્થના કરે છે. પોતાના પરિવારમાં દેશમાં અને સમાજમાં બધા ખુશ રહે, સુરક્ષિત રહે તેવા આશીર્વાદ માંગે છે. બંગાળી મહિલાઓ દુર્ગાપૂજાના આખરી દિવસે ખાસ પ્રકારની સફેદ અને લાલ કલરનું પ્રભુત્વ ધરાવતી સાડી પહેરે છે.

ઉલ્લેખનીય છે કે સેલવાસમાં આદિવાસી ભવન ખાતે આયોજિત દુર્ગા પૂજા મહોત્સવમાં દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. આ સાર્વજનિક મહોત્સવમાં કલકત્તાથી રસોઈયાઓ બોલાવવામાં આવ્યા છે. કલકત્તાની શુદ્ધ સ્વાદિષ્ટ વાનગીઓ મહોત્સવમાં આવનાર તમામ ભક્તને પીરસવામાં આવે છે. દશમીના દિવસે ભક્તિભાવ પૂર્વક માતાજીની પ્રતિમાનું દમણગંગા નદીમાં વિસર્જન કરવામાં આવે છે.