વાપી GIDC માં 3rd Phase માં પ્લોટ નંબર 1702/A ખાતે કાર્યરત Galva Decoparts Pvt. Ltd નામની કંપનીને ભૂતિયા કનેક્શન મારફતે ગંદા પાણીના નિકાલ બદલ GPCB એ ક્લોઝર નોટિસ ફટકારી છે. GPCB એ વોટર સપ્લાય, CETP માં આવતું એફલ્યુઅન્ટ અને ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરવા જે તે વિભાગને સૂચના આપી. કંપનીને 1 લાખની બેન્ક ગેરેન્ટી સબમિટ કરતી નોટિસ પાઠવી કડક કાર્યવાહી હાથ ધરી છે.
વાપીમાં ABS પ્લાસ્ટિકના ભાગો પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરતી અને વાપી GIDC ના 3rd ફેઈઝમાં પ્લોટ નંબર 1702/A,માં કાર્યરત ગલવા ડેકોપાર્ટ્સ પ્રાઇવેટ લીમીટેડ કંપની ને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા ક્લોઝર નોટિસ પાઠવી છે. આ અંગે મળતી વિગતો મુજબ કંપનીના સંચાલકો GIDCની સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં ગંદા પાણીનો નિકાલ કરી રહ્યા હોવાનું કાવતરું ઝડપાયું હતું. સંચાલકો દ્વારા ETP માંથી ઔદ્યોગિક ગંદા પાણીના નિકાલ માટે પરિસરની અંદર સ્ટોર્મ વોટર ડ્રેઇન હેઠળ ભૂતિયા પાઇપલાઇન પાથરી હતી.
સ્ટ્રોમ વોટર ડ્રેઇનની નીચે પ્લાસ્ટિકની પાઇપલાઇન નાખી તેનો બીજો છેડો GIDC સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં ખોલી કંપનીનું ગંદુ પાણી તેમાં છોડતા હતા. જે ગંદુ પાણી બિલખાડી મારફતે કોલક નદીમાં ઠલવાતું હતું. જેથી કોલક નદીનું પાણી પ્રદુષિત થઈ રહ્યું હતું. જે અંગે GPCB ના પર્યાવરણ ઈજનેર આર. બી. ત્રિવેદીએ રૂબરૂ તપાસ કરી તેના સેમ્પલ લીધા હતાં. જે વડી કચેરીએ પરીક્ષણ માટે મોકલ્યા બાદ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ-1974 ની કલમ 33 (A) હેઠળ તાત્કાલિક અસરથી કંપનીને ક્લોઝર નોટિસ પાઠવી કામકાજ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.
GPCB એ એકત્રિત કરેલ ગંદા પાણીના નમૂનામાં વિશ્લેષણ અહેવાલ મુજબ GIDC સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં ભૂગર્ભ ભૂતિયા પાઇપલાઇન દ્વારા જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં pH : 8.89, સલ્ફેટ 3956 Mg/લીટર, COD : 463 Mg/લીટર. BOD : 119 મિલિગ્રામ/લિટર હોવાનું જણાયું છે. જેને લઈને કંપનીમાં કેપ્ટિવ પાવર પ્લાન્ટ અથવા D.G.સેટ્સ દ્વારા કોઈપણ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિઓને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરવામાં આવી છે. જે માટે વીજપુરવઠો, પાણી પુરવઠો બંધ કરવા સંબંધિત સત્તાધિકારીને નિર્દેશ આપવામાં આવ્યો છે.
GPCB ના અધિકારીઓના નિરીક્ષણ દરમિયાન જોવા મળેલી જગ્યાની અંદર સ્ટ્રોમ વોટર ડ્રેન હેઠળની ભૂતિયા પાઈપલાઈન દૂર કરવી અને તેના અધિકૃત પુરાવા તેમજ 1 લાખની બેન્ક ગેરેન્ટી સબમિટ કરવા સૂચના આપી છે. એ ઉપરાંત કંપની દ્વારા છોડાયેલ ગંદા પાણીને કારણે પર્યાવરણને કેટલું નુકસાન થયું છે. તે અંગેનું વળતર ચૂકવવા તાકીદ કરી છે.
ઉલ્લેખનીય છે કે જો ઉપરોક્ત નિર્દેશોનું પાલન કરવામાં નહી આવે, તો પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ – 1974 ની કલમ 41(2) હેઠળ કાર્યવાહી માટે GPCB કંપનીને જવાબદાર ઠેરવી શકે છે. જેમાં એક વર્ષ અને છ મહિના કરતાં ઓછી ન હોય તેવી સજાની જોગવાઈ છે જે નિયત કરેલા દંડની રકમ સાથે 6 વર્ષ સુધી લંબાવી શકે છે.