વાપીમાં 10 અને 11 જૂન બે દિવસ માટે વાપી સર્જન્સ એસોસિએશન અને એસોસિએશન ઓફ મિનિમલ એકસેસ સર્જન્સ ઓફ ઇન્ડિયા (AMASI) દ્વારા મેરિલ ઇન્ડો-સર્જરી ના સહયોગમાં ગ્લોબલ સર્જન્સ સમીટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશના 400 સર્જન્સ ની ઉપસ્થિતિમાં હર્નિયા, બેરિયાટ્રિક, કોલો-રેકટલ સર્જરીની લાઈવ સર્જરી સાથે નિષ્ણાંત તબીબોએ અન્ય તબીબોને ન્યુઅર ટ્રિક્સ અને ટ્રિક્સ શીખવાડી હતી.
આ 2 દિવસીય ગ્લોબલ સર્જન્સ સમીટ 2022 અંગે વાપી સર્જન્સ એસોસિએશનના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડૉ. રાજેશ શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે વાપી નજીક બલિઠા સ્થિત વાઇબ્રન્ટ હોસ્પિટલ માં 3 ઓપરેશન થિએટરમાં દેશના જાણીતા અને રિલાયન્સ ફાઉન્ડેશનમાં બેરિયાટ્રિક સર્જરીના નિષ્ણાંત ડૉ. મુફઝલ લાકડાવાલા, પોલેન્ડના હર્નિયા સર્જન્સ ડૉ. મેસીઝ સ્મિએટેનસ્કી અને તેમની ટીમ દ્વારા અલગ અલગ દર્દીઓના હર્નિયા અને બેરિયાટ્રિક સર્જરીના ઓપરેશન કરવામાં આવ્યા છે. જેનું લાઈવ પ્રસારણ વાપીની મેરિલ ઇન્ડો સર્જરીના ઓડિટોરિયમમાં દેશ અને વિદેશમાથી આવેલા 400 તજજ્ઞોએ લાઈવ નિહાળ્યું છે. આ પ્રકારની સર્જરીથી અન્ય તબીબો આવા જટિલ ઓપરેશન માં પડતી મુશ્કેલીઓને સમજી વધુ સારી સર્જરી કરવામાં સફળ થશે.
તો, મુંબઈના બેરિયાટ્રિક સર્જન્સ ડૉ. મુફઝલ લાકડાવાલાએ જણાવ્યું હતું કે, દરેક સર્જન્સ મેડિકલ અને સર્જરીના પુસ્તકો વાંચીને જેટલું જ્ઞાન મેળવી શકે છે. તેની સામે આ પ્રકારની લાઈવ સર્જરી નિહાળીને વધુ કુશળ સર્જન્સ બની શકે છે. તેમજ સર્જરી દરમ્યાન પડતી મુશ્કેલીઓનું સચોટ નિરાકરણ લાવી શકે છે. હાલમાં ડિજિટલ યુગમાં દેશ મેડિકલક્ષેત્રે ઘણી પ્રગતિ કરી રહ્યો છે. જાપાન, કોરિયા, અમેરિકા જેવા અન્ય દેશોમાં ઓપરેશનના અત્યાધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ હવે ભારતની હોસ્પિટલોમા છે. જો કે હાલમાં ભારતમાં ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આવનારા સમયમાં 30 વર્ષની વય સુધીના યુવાનોને તેના સંકજામાંથી દૂર રાખવાના પ્રયાસો કરવા અને નવી એડવાન્સ ટેકનોલોજી વિકસાવવી અનિવાર્ય છે.
આ પ્રકારની સમીટથી અન્ય દેશના તબીબોને તેમના દેશની તબીબી ટેક્નિકમાં સુધારો કરવાની તક મળે છે. તેમજ તેમની ટેકનીક અન્ય દેશોના તબીબોને મળે તેવો શુભ આશય હોવાનું જણાવતા પોલેન્ડના હર્નિયા સર્જન્સ ડૉ. મેસીઝ સ્મિએટેનસ્કીએ પણ પોતાને મળેલી તક બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અને હર્નિયાના રોગમાં થતા વધારા સામે જાગૃત બની એકબીજા પાસે રહેલી સર્જરીની કુશળતાથી આવા રોગ પર વધુ સારી રીતે કાબુ મેળવી શકાય છે તેવા પ્રતિભાવ રજૂ કર્યા હતાં.
ગ્લોબલ સમિટ ના પ્રથમ દિવસે હર્નિયા, બેરિયાટ્રિક, કોલો-રેકટલ સર્જરીના 7 જેટલા ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતાં. બીજા દિવસે 8 ઓપરેશન સાથે કુલ 15 ઓપરેશન કરવામાં આવશે. જેનું સીધું પ્રસારણ કોન્ફરન્સ સ્થળ મેરિલ એકેડેમી ખાતે દેશ વિદેશના 400 સર્જન્સે લાઈવ નિહાળ્યું હતું. તેમજ મૂંઝવતા પ્રશ્નોનું નિષ્ણાંત તબીબો પાસેથી નિરાકરણ મેળવ્યું હતું.
આ ગ્લોબલ સર્જન્સ સમીટમાં વિશ્વભરના 400 થી વધુ સર્જનોએ હાજરી આપી છે. જેમાં 120 જેટલા આંતરરાષ્ટ્રીય સર્જનો છે. જેઓ યુરોપ, અમેરિકા, જર્મની, ફ્રાન્સમાં ભારતની સરખામણીએ કેટલી એડવાન્સ ટેકનોલોજી થકી હર્નિયા, બેરિયાટ્રિક, કોલો-રેકટલની સર્જરી કરે છે તેની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગ્લોબલ સર્જન્સ સમીટ માટે લાઈવ સર્જરીને લઈને વાઇબ્રન્ટ હોસ્પિટલમાં ડૉ. સમીર વોરાએ પણ ઉત્તમ સગવડ પુરી પાડી પોતાનું યોગદાન આપ્યું હતું.