વાપી GIDC માં આવેલ મોદીસન કંપનીમાં કન્સ્ટ્રકશન કામે આવેલા 1 સગીર સહિત 3 મજૂરો પૈકી 2 મજૂરની GIDC પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ બંને મજૂરોએ કંપનીમાંથી 10.500 KG નું 7.77 લાખની કિંમતનું ચાંદીના વાયરનું બન્ડલ ચોરી કર્યું છે. જે અંગે કંપનીના મેનેજરે GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 2 મજૂરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાપી GIDC પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વાપી GIDC વિસ્તારમાં આવેલ મોદીસન કંપનીના મેનેજર યોગેશ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે, કંપનીમાં ડ્રો-ડિપાર્ટમેન્ટના લો-વોલ્ટેજ પ્લાન્ટમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. આ કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાકટ શશીજીત ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ ના કોન્ટ્રાક્ટરને સોંપ્યું છે. જેમણે આ કન્સ્ટ્રક્શનનું કામ સબ-કોન્ટ્રાક્ટર રાજેશ ભુરસીંગ મેઢાને સોપ્યું છે. રાજેશ મેઢા એ કન્સ્ટ્રક્શનના કામ માટે કંપની નજીક મજૂરોની રહેવાની વ્યવસ્થા કરી કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કર્યું હતું.
ત્યારે 26 સપ્ટેમ્બરે સવારે કંપનીના સુપરવાઇઝરે જણાવેલ કે ડ્રો-ડિપાર્ટમેન્ટમાં લૉ-વોલ્ટેજ પ્લાન્ટના સ્ટોરેજ રેક પર રાખવામાં આવેલ સાડા દસ કિલોગ્રામ નું અંદાજિત 7,77,000 ની કિંમત નું ચાંદીના વાયરનું ગૂંચળું ચોરાયેલ છે. જે અંગે CCTVની મદદથી તપાસ કરતા સબ કોન્ટ્રાક્ટર ના નેજા હેઠળ કંપનીમાં કામ કરવા આવેલા એક સગીર અને મુનશી વેલસી ભુરીયા, કાલુ દિવાન ડામોર લોખંડની ટ્રોલીમાં તે ચાંદીના વાયરનું બન્ડલ લઈને જતા જોવા મળ્યા હતા.
જે આધારે કોન્ટ્રાક્ટરને બોલાવી મજુરને તે અંગે પૂછપરછ કરી હતી. પરંતુ તેઓએ ચોરીની કબુલાત નહીં કરતા વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ વાપી GIDC પોલીસે મધ્યપ્રદેશના મુનશી વેલસી ભુરીયા અને કાલુ દિવાન ડામોર ની ધરપકડ કરી તેમની પૂછપરછ કરતા તેમની પાસેથી ચોરાયેલ 7.77 લાખની કિંમતનું 10.500 KG ચાંદીના વાયરનું બન્ડલ મળી આવ્યું હતું. જીઆઇડીસી પોલીસે ચાંદીના વાયરનું બન્ડલ કબ્જે કરી બંને આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.