વાપી નગરપાલિકા દ્વારા પાલિકા સભા ખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં વિપક્ષી નેતા ખંડું ભાઈ પટેલ, ડુંગરા વોર્ડના નગરસેવકે રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ, ગંદકી જેવા મુદ્દે પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. જ્યારે પ્રમુખે આગામી દિવસોમાં હાથ ધરાનારા વિકાસના કામોની રૂપરેખા આપી ગત સભાના વિકાસના કામોને બહાલી આપી હતી.
વાપી નગરપાલિકામાં દિવાળી પર્વ પહેલા અને ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે વિકાસના કામોને બહાલી આપવા 10 દિવસ વહેલી સામાન્ય સભા બોલાવી હતી. સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ અને ચીફ ઓફિસર શૈલેષ પટેલે સૌ નગરસેવકોને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, વાપી પાલિકા વિસ્તારમાં આગામી દિવસોમાં હાથ ધરાનાર વિવિધ વિકાસના કામોને તાંત્રિક મંજૂરી મળી ગઈ છે.
વાપીમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી આગામી દિવસોમાં જુના રેલવે ગરનાળાનું બ્યુટીફીકેશન કરવું, સ્ટ્રોમ વોટર ડ્રેઇન ના કામ હાથ ધરવા, ચલામાં નવું ફાયર સ્ટેશન ઉભું કરવું, ડુંગરામાં STP પ્લાન્ટ અને સંપ માટે 4 એકર જમીન સંપાદન કરી 5.75 કરોડની જમીન પૈકી 4.6 કરોડનું ચુકવણું કરી દીધું હોવાનું તેમજ પડેસ્ટ્રીયન બ્રિજ, J ટાઈપ ROB સહિતના વિવિધ વિકાસના કામોની તાંત્રિક મજૂરી મેળવી આગામી દિવસોમાં તમામ કામો હાથ ધરી વાપીના નગરજનોને વધુ સારી સુવિધાઓ આપવાની ખાતરી આપી હતી.
પાલિકા સામાન્ય સભામાં વિપક્ષી નેતા ખંડું ભાઈ પટેલ અને ડુંગરા વિસ્તારના કોંગ્રેસી નગરસેવકોએ પ્રમુખ વ્હાલા દવલાની નીતિ અપનાવી માત્ર તેમના જ વોર્ડના કામ કરતા હોવાના આક્ષેપ કર્યા હતાં. ડુંગરા અને અન્ય વિસ્તારમાં રસ્તાના, પાણીના, સ્વચ્છતાના અને સ્ટ્રીટ લાઇન સહિતના અનેક પ્રશ્નો હોય પ્રજા પરેશાની ભોગવતી હોય તેવી રજુઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા 2022ની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલાં વિકાસના કામોને બહાલી આપી શકાય તેવા ઉદેશયથી આયોજિત સામાન્ય સભામાં પાછલી સભાના વિવિધ કામોને બહાલી આપવામાં આવી હતી. તેમજ વિકાસના કામોની નગરસેવકોની રજૂઆતો ધ્યાને લઇ આગામી દિવસોમાં તે કામ પૂર્ણ કરવા ખાતરી આપી હતી. સામાન્ય સભામાં ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, તમામ સમિતિ ના હોદ્દેદારો, નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતાં.