Friday, October 18News That Matters

હૈદરાબાદ-રાજસ્થાન વચ્ચે ચાલતા ગાંજા ના નેટવર્કનો પર્દાફાશ, વલસાડ રૂરલ પોલીસે 20.96 લાખના 178 કિલો ગાંજા સાથે 1ની ધરપકડ કરી

વલસાડ રૂરલ પોલીસની ટીમે મુંબઈ સુરત તરફના હાઇવે ઉપરથી 20,96,800ની કિંમતનો 178.180 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો લઈને RJ-30-CA-7070 નંબરની કારમાં 2 ઈસમો હૈદરાબાદ થી રાજસ્થાન તરફ જતા હતાં. રૂરલ પોલીસે હાઇવે ઉપર ટ્રાફિક જામ કરી નાકા બાંધી કરી કારને અટકાવી ગાંજાના જથ્થા સાથે કારમાં સવાર એક ઇસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક ઇસમ ફરાર થઇ ગયો હતો. જેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાએ વિગતો આપી હતી કે, તેમની સૂચના મુજબ વલસાડ રૂરલ પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.પવાર પોલીસ સ્ટાફ સાથે મિલકત સંબંધી તથા પ્રોહીબિશન ગુનાઓ અટકાવવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન નેશનલ હાઇવે નંબર 48 પર પારનેરા, ચણવઇ ઓવર બ્રીજના છેડે મુંબઇ તરફથી સફેદ કલરની કાર નંબર RJ30-CA-7070 આવતા કારને રોકવા ઇશારો કર્યો હતો. જો કે, કાર ચાલક કનૈયાલાલ ઉર્ફે કાના જગદિશચન્દ્ર જાટ (ચૌધરી)એ કારને પુર ઝડપે હંકારી ભાગી છૂટ્યો હતો. જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો. જેમાં બાલાજી વેફર્સ કંપની આગળ ચાલક કારને રોડ ઉપર મુકી નાસી ગયો હતો. જ્યારે કારમાં સવાર ગોવિંદસીંગ દેવીસીંગ બન્ના (રાજપુત)નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.

પકડાયેલ ઇસમ મૂળ રાજસ્થાનના ગોવિંદસીંગ દેવીસીંગ બન્નાને રાખી કારમાં તપાસ કરતા વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ભરેલ નાના મોટા 83 પાર્સલ મળી આવેલ. જેથી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી NDPS Act 1985 ની કલમ 8 (C) , 20 (B), (II) (C).29 મુજબનો ગુન્હો દાખલ કર્યો છે. રૂરલ પોલીસે ગેરકાયદેસર ગાંજાની હેરાફેરી કરતા 1 ઇસમને પકડી પાડવા ઉપરાંત કાર મૂકીને ભાગી જનાર ચાલક કનૈયાલાલ ઉર્ફે કાના જગદિશચન્દ્ર જાટ (ચૌધરી), માલ ભરાવનાર રાજુ નામના ઇસમને તેમજ માલ મંગાવનાર સરગાવ જી.ભીલવાડા રાજસ્થાનના મેઘરાજ ચૌધરીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, વલસાડ રૂરલ પોલીસે જપ્ત કરેલ વનસ્પતિજન્ય ગાંજાના નાના મોટા 83 નંગ પાર્સલનું કુલ વજન 178.180 કિલોગ્રામ છે. જેની બજાર કિંમત 17,81,800 જેટલી છે. એ ઉપરાંત 3 લાખની કાર, 15 હજારના મોબાઈલ, એક છરો મળી કુલ 20,96,800નો મુદ્દામાલ ઝડપી હૈદ્રાબાદથી રાજસ્થાન તરફ ચાલતા ગાંજાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી મહત્વની સફળતા મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *