કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લામાં હિન્દૂ સમાજે ઉમળકાભેર ગણેશ વિસર્જનની યાત્રામાં જોડાઈ દમણગંગા નદી કિનારે, દરિયા કિનારે અશ્રુભીની આંખે શ્રીજીને વિદાય આપી હતી. તો, આજના અનંત ચૌદશના દિવસે જ મુસ્લિમોનું પર્વ ઈદ એ મિલાદ હોય, વાપીમાં કોમી એખલાસ સાથે મુસ્લિમ સમાજે ધાર્મિક નિશાન અને પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ શહેરના માર્ગો પર ફરેલા ઝુલુસમાં જોડાઇ ઈદ પર્વની ઉજવણી કરી હતી.
સમગ્ર વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં ગણેશ મહોત્સવના અંતિમ દિને બાપ્પાને ભાવભીની વિદાઇ આપી હતી. ગણપતિ વિસર્જનના અંતિમ દિવસે ગણેશ પંડાલો, સોસાયટીઓમાં સ્થાપિત ગણેશ પ્રતિમાઓની વિવિધ સાજશણગાર સાથે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નિકળી હતી. ગણપતિ બાપા મોરિયા પૂંઢચ્યા વર્ષી લવકર્યા, એક દો તિન ચાર ગણપતિનો જય જયકાર, જેવા ગગનભેદી નારા તેમજ ડીજેના તાલે નિકળેલી શોભાયાત્રા દમણગંગા નદી, કોલક નદી, અંબીકા નદી, નારગોલ, તિથલના દરિયા કિનારે, દમણ દરિયા કિનારે અને સેલવાસમાં દમણગંગા રીવરફ્રન્ટ પર બાપ્પાની પ્રતિમાઓનું વિસર્જન કરાયુ હતુ.
વાપી, દમણ, સેલવાસમા વિસર્જનયાત્રામાં બાપ્પાના છેલ્લા દર્શન કરવા શહેરના તમામ મુખ્ય માર્ગો પર માનવ મહેરામણ ઉમટ્યો હતો. રેલીમાં આદિવાસી નૃત્ય, રાસ ગરબા, મરાઠી નૃત્ય, સમાજ જાગૃતિના બેનરોએ લોકોમાં આકર્ષણ ઉભુ કર્યુ હતુ. વાપીમાં વિસર્જનયાત્રાનું દમણગંગા નદી ખાતે, દમણમાં દરિયા કિનારે સમાપન થયુ હતુ. વિસર્જન સ્થળે અને વિસર્જન યાત્રામાં ચાંપતા બંદોબસ્ત વચ્ચે એક ફૂટની મૂર્તીથી લઇ 15 ફૂટની 600 જેટલી મુર્તિઓનું વિસર્જન કરાયુ હતુ. વિસર્જન દરમ્યાન ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા વચ્ચે કેટલાય ગણેશ ભક્તોની આંખોના ખૂણા ભીના થયા હતા અને આવતા વર્ષે જલ્દી પધારવા આજીજી કરી કરી પરિવારની, સમાજની, દેશની સુખાકારી માટે આશિર્વાદ માંગ્યા હતા. બાપાએ પણ જાણે તેમની મનોકામના સાંભળી આશિર્વાદ આપતા હોય તે રીતે પાણીના પ્રવાહમાં વિસર્જીત થતા હોવાનો એહસાસ પોતાના ભક્તજનોને કરાવ્યો હતો.
તો, આજના દિવસે જ મુસ્લિમ સમાજનો ઈદ એ મિલાદ તહેવાર હતો. જે પર્વને લઈને મુસ્લિમ સમાજમાં પણ હરખની હેલી જોવા મળી હતી. વાપીમાં અગાઉ જિલ્લા પોલીસ વડા સાથે સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠકમાં ગણેશ વિસર્જનના દિવસે જ ઝુલુસ કાઢવાનું નક્કી કરાયું હતું. જે મુજબ સવારના 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વાપી-ઉમરગામના વિવિધ વિસ્તારના મુખ્ય માર્ગ પર 15 જેટલા ઝુલુસ આયોજકો દ્વારા ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના નાના બાળકોથી માંડીને યુવાનો, વડીલો તેમના પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ હાથમાં ધર્મના નિશાન વાળી ધજા સાથે ઝુલુસમાં જોડાયા હતાં. બને પર્વ દરમ્યાન કોમી એખલાશનું વાતાવરણ બની રહે તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે, મોડી સાંજ સુધી કોઈ અનિચ્છનીય બનાવ ના બનતા બંને સમાજના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા હતાં.
ઉલ્લેખનીય છે કે,ગણેશજીની વિસર્જન યાત્રા અને મુસ્લિમ સમાજના ઝુલુસ દરમ્યાન શહેરના મોટાભાગના માર્ગ પર ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી કેટલાક રૂટ ડાયવર્ટ કરાયા હતા. ગણેશ પ્રતિમા નું વિસર્જન દરમ્યાન નદી કે દરિયા કિનારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચાંપતા પોલીસ બંદોબસ્ત અને ફાયરની ટીમખડેપગે રહી હતી. પાણીના પ્રવાહમાં પણ દરેક પ્રતિમાનું ફાયરના જવાનો દ્વારા જ વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી પ્રતિમાઓને ક્રેનની મદદથી પાણીમાં વિસર્જિત કરવામાં આવી હતી.