વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ ભક્તો દ્વારા સોસાયટી, મહોલ્લામા, સાર્વજનિક સ્થળો પર ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ગણેશ મહોત્સવનું ધામધૂમ પૂર્વકનું આયોજન કરે છે. ત્યારે વાપી તાલુકાના કોચરવા ગામે 37 વર્ષથી કાર્યરત હરિઓમ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ગણેશ ચતુર્થીના પૂજાવિધિ સાથે 5 દિવસની સ્થાપનાનો આરંભ કરવામાં આવ્યો છે.કોચરવા ખાતે પરિવાર સાથે રહેતા ધીરુભાઈ પટેલની ગણપતિ પ્રત્યે વિશેષ શ્રદ્ધા અને ભક્તિ છે. ધાર્મિક સ્વભાવના ધીરુભાઈ પટેલ હરિઓમ મિત્ર મંડળના નેજા હેઠળ છેલ્લા 37 વર્ષથી ગણેશ પ્રતિમાની સ્થાપના કરી 5 દિવસ સુધી તેનું પૂજન અર્ચન કરી ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરે છે. 5 દિવસના આ ગણેશ મહોત્સવનું તમામ આયોજન સ્વખર્ચે કરે છે. 5 દિવસ સુધી બાપ્પા ની આરાધના સાથે દરરોજ સાંજે ભજન આરતી, ચોથા દિવસે મહાપ્રસાદ અને 5માં દિવસે વિસર્જન કરે છે.હરિઓમ મિત્ર મંડળ દ્વારા આયોજિત 5 દિવસીય ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશ ચતુર્થીના આજના પ્રથમ દિવસે શ્રીજીની સ્થાપના કરી હતી. ધીરુભાઇ પટેલના પુત્ર નીતિન પટેલ અને પુત્રવધુના હસ્તે પ્રથમ પૂજન અર્ચન કરી વિધિવત સ્થાપન કર્યું હતું. આ પ્રસંગે તેમના પરિવારજનો, સંબંધીઓ અને આસપાસના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં. તમામે ગોર મહારાજના હસ્તે પૂજાવિધિ સંપન્ન કરી બાપાની આરતી ઉતારી હતી. જે બાદ બાપાના દર્શન કર્યા હતા. શ્રીજીની કૃપા હંમેશા દરેક ભક્ત પર વરસતી રહે તેવા આશીર્વાદ માંગ્યા હતાં.