વલસાડ જિલ્લાના મરગામ તાલુકાના અનેક ગામોમાં 50થી વધુ આંગણવાડી કેન્દ્રના મકાનો જમીન નહીં હોવાના કારણે બન્યા નથી. બાળકો વૃક્ષ નીચે કે હંગામી વ્યવસ્થામાં ભણી રહ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકામાં કુલ 409 થી વધુ આંગણવાડી આવેલી છે. જે પૈકી અનેક આંગણવાડી કેન્દ્રનું મકાન જર્જરીત સ્થિતિમાં છે. તો કેટલીક આંગણવાડીના મકાન મંજૂર થયેલ હોવા છતાં જમીનની સમસ્યાને તથા અન્ય સામાન્ય કારણોસર બન્યા નથી
તાલુકામાં વર્ષોથી 50 થી વધુ આંગણવાડી કેન્દ્રો વૃક્ષ નીચે કે અન્ય હંગામી વ્યવસ્થા હેઠળ ચલાવવામાં આવી રહ્યા છે. અનેક આંગણવાડીના મકાન માટે ગ્રાન્ટ મંજૂર થવા છતાં જમીન ટાઇટલ અથવા સ્થાનિક કક્ષાએ સામાન્ય બાબતો સ્થાનિક ધારાસભ્ય સહિત રાજકીય નેતાઓ અને તંત્ર રસ નહીં દાખવતા આંગણવાડીના નિર્દોષ બાળકો દૈનિય પરિસ્થિતિમાં ભણી રહ્યા છે.
આંગણવાડી કેન્દ્રના મકાનના અભાવે આંગણવાડી કાર્યકર બહેનોને બાળકોને ભણાવવા માટે તેમજ આંગણવાડી આહાર બનાવી આપવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખુલ્લામાં ભણતા બાળકોને રખડતા ઢોરો, સ્વાન તથા ભયાનક જીવાતોનો ખતરો રહે છે.
સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ચાલતા આંગણવાડી કેન્દ્રમાં સગર્ભા અને ધાત્રી માતા થી લઇ નાના બાળકો સંબંધિત યોજનાની કામગીરી સહિત સરકારશ્રીની અન્ય યોજનાઓમાં પણ મુખ્ય સેવા આપતી આંગણવાડી કાર્યકર બહેનોની અનેક સમસ્યા છે. તેમના જર્જરિત આંગણવાડી કેન્દ્રની સમસ્યા હોય કે અન્ય સમસ્યા જ્યારે પણ રજૂ કરવાના પ્રયત્નો થતા હોય છે ત્યારે તેમના વડા અધિકારીઓ કે સ્થાનિક નેતાઓ તેમનો અવાજ દબાવી દેતા હોય છે.
તાજેતરમાં જ ઉમરગામ તાલુકામાં જર્જરીત આંગણવાડી અંગે એક ગામમાં આયોજીત વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ધારાસભ્ય રમણભાઈ પાડકર સમક્ષ રજૂઆત થતા સમસ્યાનું નિરાકરણ કરવાના બદલે ધારાસભ્યએ આંગણવાડી કાર્યકર બહેનોને સાચું ખોટું સંભળાવ્યું હતું જેને લઇ આંગણવાડી કાર્યકર બહેનોમાં ખાસ્સી નારાજગી જોવા મળી રહી છે.
ICDS વિભાગ તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તરફથી યોગ્ય સહયોગ ન આપતા સામાન્ય કારણોથી ઉમરગામ તાલુકામાં ગ્રાન્ટ હોવા છતાં આંગણવાડીના કેન્દ્રો બની શકતા નથી જે એક ચિંતા નો વિષય છે.
હાલે ઉમરગામ તાલુકામાં અને ગામોમાં મનરેગા યોજનામાં આંગણવાડીના મકાનો નિર્માણ પામી રહ્યા છે. આ યોજના અંતર્ગત નિર્માણ પામી રહેલા મકાનો નિર્માણ માટે ટેન્ડરથી કામો આપવામાં આવ્યા છે. આ કામની જવાબદારી સંભાળી રહેલી એજન્સીઓને સમયસર કામ ન કરવા બદલ બ્લેક લિસ્ટ પણ કરવામાં આવ્યા છે. રિ ટેન્ડરિંગ કરી પુનઃ આપવામાં આવેલી જવાબદારી બાદ પણ ઉમરગામ તાલુકામાં મનરેગા અંતર્ગત ચાલી રહેલી કામગીરી સ્થગિત અથવા તો ગોકુળ ગાયની ગતિએ જોવા મળી રહી છે. ગામોમાં સરપંચોની મદદે સ્થાનિક ઠેકેદારોને રોકી કામગીરી કરાવ્યા બાદ એજન્સી લાખોનું ફૂલેકું ફેરવી ગઈ હોવાની બાબત ચર્ચામાં છે.
ઉમરગામ તાલુકામાં 50થી વધુ આંગણવાડી કેન્દ્ર ના મકાનો જમીન વિવાદ કે અન્ય કારણસર નિર્માણ નહીં થઈ શકતા બાળકોને ખુલ્લામાં બેસાડીને નાસ્તો પીરસવામાં આવતો હોય છે. મકાન ના અભાવે કાર્યકર બહેનો પોતાના રીતે વૈકલ્પિક વ્યવસ્થા મુજબ સ્થળે નાસ્તો બનાવતા હોય છે ત્યારબાદ બાળકોને નાસ્તો વિતરણ કરતા હોય છે.
નાસ્તા માટેનો રો મટીરીયલ જેવી સામગ્રી મુકવા માટે આંગણવાડીની બહેનોને અનેક મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. આંગણવાડીને ફળવાયેલા રમકડા કે અન્ય સામગ્રી પણ ખોવાઈ જવાની કે ચોરી થવાની ભીતી રહે છે. મકાન વિના બાળકોને ચોખ્ખું પાણી નાસ્તો આપવામાં પડી રહેલી મુશ્કેલી બાળકોને પીરસાતા નાસ્તાની ગુણવત્તા નબળી રહેવાની શક્યતા રહે છે જે બાળકોના આરોગ્ય માટે જોખમ રૂપ સાબિત થઈ શકે.
વર્ષોથી જે પ્રકારની સમસ્યા ઉમરગામના આંગણવાડી વિભાગમાં ચાલી રહી હોવા છતાં આઇસીડીસ વિભાગના સીડીપીઓ દ્વારા તંત્રને ધારદાર રજૂઆત કરવી જરૂરી છે. તે જ પ્રકારની જવાબદારી સ્થાનિક નેતાઓ પદ અધિકારીઓની પણ છે. છતાં આંગણવાડી કેન્દ્રના મકાનની સમસ્યા દૂર કરવામાં કોઈને વધુ રસ નથી રજૂઆત કરનારા આંગણવાડી કાર્યકરોને અધિકારીઓ અને પદાધિકારીઓ દબાણમાં રાખતા હોય તેવું વાતાવરણ હાલે ઉમરગામ તાલુકામાં જોવામાં આવ્યું છે.