Friday, October 18News That Matters

વાપીની જનસેવા હોસ્પિટલમાં 15મી માર્ચ સુધી થશે બ્રેસ્ટ કેન્સરનું નિઃશુલ્ક નિદાન, હુબર ગ્રુપે આપી મેમોગ્રાફી મશીનની ભેટ

વલસાડ જિલ્લાની મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનું નિદાન કરી વહેલી સારવાર મેળવી શકે તે માટે હુબર ગ્રુપ દ્વારા વાપીની જનસેવા હોસ્પિટલને અદ્યતન મેમોગ્રાફી મશીનની ભેટ આપી છે. જેનું જનસેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, હુબર ગ્રુપના મેનેજીંગ ડિરેકટર, વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત જનસેવા હોસ્પિટલ ના તબીબો, સ્ટાફની ઉપસ્થિતિમાં મેમોગ્રાફી વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં 1 માર્ચ થી 15 માર્ચ સુધી નિઃશુલ્ક નિદાન કરી આપવામાં આવશે.

વાપીમાં શ્રેયસ મેડીકેર સંચાલિત એમ. એન. મહેતા જનસેવા હોસ્પિટલમાં મમોગ્રાફી વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાપીની જાણીતી કંપની હુબર ગ્રુપ દ્વારા આ હોસ્પિટલને મેમોગ્રાફી મશીનની ભેટ આપવામાં આવી છે. આ મશીન મહિલાઓને થતા બ્રેસ્ટ કેન્સરનું નિદાન કરવા અતિ ઉપયોગી છે. આ અંગે જનસેવા હોસ્પિટલના ટ્રસ્ટી નિમેશ વશીએ જણાવ્યું હતું કે, મેમોગ્રાફી મશીન બેસ્ટ કેન્સરના નિદાન માટે વહેલી સારવાર શરૂ કરી શકાય તે માટે મહત્વનું ઉપકરણ છે. આ ઉપકરણ લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે. હુબર ગ્રુપ દ્વારા આ ઉપકરણ હોસ્પિટલને ડોનેટ કરવામાં આવ્યું છે. જેના દ્વારા વર્ષમાં એક વાર માત્ર ₹ 600 ચૂકવી બેસ્ટ કેન્સર અંગે મહિલાઓ નિદાન કરાવી શકે છે. બ્રેસ્ટ કેન્સરને લઈને કરાતા સ્કેનિંગમાં એક્સ્ટ્રા રેડીએશનથી થતું નુકસાન ટાળી શકાય તે પ્રકારનું આ અધ્યતન ઉપકરણ છે.

મેમોગ્રાફી મશીન ભેટ આપનાર હુબર ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ભારત અને પ્રેસિડેન્ટ એશિયાના સુરેશ કાલરાએ જણાવ્યું હતું કે હુબર ગ્રુપ CSR હેઠળ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પોતાનું સામાજિક યોગદાન આપે છે. જ્યાં પણ આરોગ્યને લગતી સેવાઓની જરૂરિયાત હોય છે. ત્યાં ગ્રુપ તેમની પડખે ઊભું રહે છે અને જરૂરી સાધન સામગ્રીની મદદ કરે છે. જનસેવા હોસ્પિટલે કોવિડના સમયે ઉત્તમ કામગીરી બજાવી હતી. જે ધ્યાને લઈ આ મેમોગ્રાફી મશીન ભેટ આપવામાં આવી છે. હુબર ગ્રુપ આ પ્રકારની સેવા અવિરત કરતું રહેશે. જનસેવા હોસ્પિટલને અપાયેલા મેમોગ્રાફી મશીનથી વલસાડ જિલ્લાની મહિલાઓ બ્રેસ્ટ કેન્સરમાં વહેલી તકે નિદાન કરાવી તેની સારવાર કરાવી શકશે.

બ્રેસ્ટ કેન્સરના સમયસર નિદાન કરવામાં આવે તે માટે વર્લ્ડ વૂમન્સ ડે નિમિતે 1લી માર્ચ થી 15 મી માર્ચ સુધી મફત મૅમોગ્રાફી તપાસનુ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ 600 રૂ. ના નજીવા શુલ્ક સાથે બ્રેસ્ટ કેન્સરના નિદાનની સુવિધા ઉપલબ્ધ કરવામા આવશે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે પી પટેલે બ્રેસ્ટ કૅન્સરની આ મૅમોગ્રાફી તપાસને આયુષ્માન ભારત યોજનામા શામેલ કરવાની પહેલ કરવાની ખાતરી આપી છે. તથા ESIC ના સુપ્રિટેન્ડન્ટ ડૉ. સંજય વંશ દ્વારા હોસ્પિટલ ની સુવિધા તથા આરોગ્ય ક્ષેત્રની કામગીરીને બિરદાવતા તેમના અનુભવનુ વર્ણન કર્યુ હતું. વધુમા ડૉ . લોકેશ ઠક્કર (મેડિકલ સુપ્રિટેન્ડન્ટ- શ્રેયસ મેડીકેર જનસેવા હોસ્પિટલ) એ જણાવ્યુ કે બ્રેસ્ટ કૅન્સર મહિલાઑમા થતી અસામાન્ય બિમારી છે જેનુ સમયસર નિદાન જરૂરી છે.


જનસેવા ખાતે હુબર ગ્રુપ દ્વારા અપાયેલ મેમોગ્રાફી મશીન બાદ મેમોગ્રાફી વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલના તબીબો, પેરામેડીકલ સ્ટાફ, ટ્રસ્ટીઓ સહિત અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *