વલસાડ જિલ્લાના પારડી વિધાસભાના ધારાસભ્ય અને રાજ્યના નાણાં-ઉર્જા-પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુભાઈ દેસાઈએ ગાંધીનગરમાં વિવિધ વિકાસના કામોને લઈ તાકીદના સૂચનો કરતી બેઠક યોજી હતી તો, વાપીમાં સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના બાકીના ધારાસભ્યોએ અન્ય પદાધિકારીઓ સાથે બંધ બારણે બેઠક કરી ચાય-ભજિયાના નાસ્તા સાથે અંગત ચર્ચા કરી હતી.
વાપીમાં ગુરુવારે સાંજે 5 થી 6:30 વાગ્યા દરમ્યાન વલસાડ જિલ્લાના ધારાસભ્ય ભરત પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, કપરાડા ના ધારાસભ્ય જીતુ ચૌધરી, ઉમરગામ ના ધારાસભ્ય રમણલાલ પાટકર, જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, ભાજપ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી શિલ્પેશ દેસાઈ, તેમજ બાંધકામ સમિતિના મુકેશ પટેલ સહિતના આગેવાનોએ બંધ બારણે વિશેષ ચર્ચા કરી હતી.
ચાય અને ભજિયાના નાસ્તા સાથે બંધ બારણે થયેલ ચર્ચા અંગે દરેકે બહાર નીકળીને કંઈપણ કહેવાનું ટાળ્યું હતું. પરંતુ આ ગુપ્ત બેઠક દરમ્યાન જિલ્લાના કેટલાક નામચીન બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો ના આંટા ફેરા વધતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કે બાંધકામને લઈ કોઈ નવા નિયમો અંગે કે એકાદ મોટા નેતાની લગડી સમાન જમીન પર તેમજ જિલ્લામાં ચાલી રહેલા વિકાસના કામોમાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો ગરાસ લૂંટાતો હોય બધા હળીમળીને સમુસુતરું પાર પાડે એવી ચર્ચા થઈ હશે.
જો કે ખરેખર ક્યાં મહત્વના મુદ્દે ગુપ્ત બેઠક કરવી પડી અને તે પણ વાપીના સર્કિટ હાઉસમાં તે પ્રશ્ન અકળ હોય જિલ્લાના અન્ય રાજકીય અગેવાનોમાં પણ આ અંગત ચાય પે ચર્ચા અને કનુભાઈની ગાંધીનગરમાં અધિકારીઓ, પદાધિકારીઓ બોલાવી ખુલ્લી ચર્ચા પરની ચર્ચાએ જોર પકડ્યું છે.