Friday, October 18News That Matters

બિહારના પૂર્વ રાજ્યમંત્રી સંતોષ સુમનનું વાપીમાં બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા કરાયું સન્માન

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જિતન રામ માંઝી ના પુત્ર અને હિન્દુસ્તાન આવામ મોરચાના નેતા, બિહારના પૂર્વ રાજ્યમંત્રી અને વર્તમાન ધારાસભ્ય સંતોષ સુમન દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા હતાં. ત્યારે, વાપીમાં બિહાર વેલ્ફેર એસોસિએશન ના અધ્યક્ષ વિપુલ સિંઘ સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓએ વાપીમાં સંતોષ સુમનનું સ્વાગત -સન્માન કર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય સંતોષ સુમને મીડિયા સાથે વાતચીત કરી બિહારની રાજનીતિ અને નીતીશ કુમાર દ્વારા કરાયેલ દરભંગા એરપોર્ટ, એઇમ્સ પરની બયાનબાજી, મણિપુર ઘટના, કોંગ્રેસ પાર્ટી સાથે અન્ય પાર્ટીઓએ કરેલ ગઠબંધન સહિતના વિવિધ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી NDA અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુણગાન ગાયા હતાં.

વાપી-સેલવાસની મુલાકાત અંગે તેમણે જણાવ્યું હતું કે, વાપીમાં અને દાદરા નગર હવેલીના વિસ્તારમાં બિહારના ઘણા લોકો વસવાટ કરે છે. જેમાં ઘણા લોકો અહીં રોજગારી મેળવે છે. તો બિહારના કામદારોને બિહારના પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો અહીં રોજગારી પણ આપી રહ્યા છે. જેમાં ઘણા લોકો તેમની પાર્ટીના કાર્યકર છે. જેઓનો ઉત્સાહ વધે બિહાર સિવાયના રાજ્યમાં પણ પાર્ટીનો પ્રચાર પ્રસાર થાય તેવા ઉદેશથી તેમને અહીં આવવાનું આમંત્રણ મળ્યું હતું. જે આમંત્રણ સહર્ષ સ્વીકારી તેઓ અહીં મુલાકાતે આવ્યા હતાં.

પૂર્વ મંત્રી સંતોષ સુમનનું વાપીમાં અને બિહારમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બિહાર વેલ્ફેર એસોસિએશન ના અધ્યક્ષ વિપુલ સિંઘે ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે બિહારના અસંખ્ય લોકો વાપીમાં રોજગારી મેળવતા હોય તે અંગેની વિસ્તૃત માહિતી મંત્રીને પુરી પાડી હતી. તેમજ બિહાર વેલ્ફેર એસોસિએશન જે સેવાકીય પ્રવૃતિઓ કરી રહી છે. તેની વિગતોથી અવગત કરાવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, બિહારના ધારાસભ્ય સંતોષ સુમનને અવકારવા બિહાર વેલ્ફેર એસોસિએશન ના અધ્યક્ષ વિપુલ સિંઘ, કે. પી. સિન્હા, એન. કે. સિંગ સહિત સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *