વલસાડના ગુલઝાર ટ્રાવેલ્સ દ્વારા સતત 15માં વર્ષે બાબા અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુસ્લિમ ઓપરેટર દર વર્ષે ઓછા ભાડામાં આ યાત્રા કરાવે છે. બુધવારે વલસાડથી પ્રસ્થાન થયેલી યાત્રામાં 48 ભોળાના ભક્તો જોડાયા હતાં. જેઓનું સ્વાગત કરી શુભ યાત્રાના અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. હિન્દૂ મુસ્લિમ એકતાના પ્રતીક સમી આ યાત્રાનું હર હર મહાદેવના નાદ સાથે ઉપસ્થિત હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું.
વલસાડના મુસ્લિમ ટુર ઓર્ગેનાઝર અને બસ માલીક દ્રારા છેલ્લા 14 વર્ષથી યાત્રાળુઓને ઓછા ભાડામાં બાબા અમરનાથના દર્શન કરાવવા લઈ જાય છે. પોતાની લકઝરી બસમાં ભક્તોને લઈ અમરનાથની યાત્રા સાથે વૈષ્ણદેવી તેમજ હરિદ્વાર ની પવિત્ર યાત્રા નો લાભ અપાવે છે. મુસ્લિમ બસ ચાલક તમામ ભોળાનાથના ભક્તોને બાબાના દર્શન કરાવી હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
આ મુસ્લિમ ટુર ઓપરેટર દ્વારા બુધવારે 15માં વર્ષે વલસાડથી અમરનાથના દર્શને જવા બસ રવાના કરવામાં આવી હતી. યાત્રા અંગે જણાવ્યું હતું કે વલસાડથી પ્રસ્થાન થયેલ બસ ઋષિકેશ, અંબાજી, પુષ્કર, રણુજા, અમૃતસર આગ્રા, જમ્મુ શ્રીનગર, સોનમર્ગ શ્રીનાથજી, બાલતાલ, કાંટરા, શિવખોડી, કુલ્લુ, મનાલી, સીમલા, કુરુક્ષેત્ર સહિતના યાત્રાધામની યાત્રા કરાવવા સાથે હરિદ્વાર ગંગા ઘાટ પર સ્નાનનો લ્હાવો પૂરો પાડશે. જે બાદ યાત્રાળુઓ સાથેની બસ વલસાડ પરત આવશે.
યાત્રામાં પ્રવાસીઓને સવારે ચા, નાસ્તો, તેમજ એક ટંક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. છેલ્લા 14 વર્ષથી બાબુભાઈ લક્ઝરીવાળા તેમજ તેમના પુત્ર ઇમરાનભાઈ, અશોકભાઈ કરાટે અને ઇલયાસ ભાઈ સાથે મળી આ યાત્રાનું સુંદર આયોજન કરે છે. આ 15માં વર્ષની યાત્રામાં વાપી, સેલવાસ, પારડી ,વલસાડ, ખેરગામ, બીલીમોરા, ચીખલી અને નોગામાં ગામના મળીને કુલ 48 યાત્રાળુઓ છે. જેઓ બાબાના દર્શન સહિત માર્ગમાં આવતા અન્ય યાત્રાધામના દર્શનનો લ્હાવો પ્રાપ્ત કરવાના હોય હર હર મહાદેવના નાદ સાથે બસમાં રવાના થયા હતાં.