વાપી GIDC માં આવેલ ધ સ્ટાન્ડર્ડ કેમિકલ નામની કંપનીમાં 25મી જુલાઈના સાંજે સલ્ફરના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેને કારણે આસપાસના વિસ્તારમાં લોકોને શ્વાસ લેવાની તેમજ આંખોમાં બળતરા થવાની ફરિયાદ ઉઠી હતી. જેના પર કાબુ મેળવવા 10થી વધુ ફાયર ફાઈટરોએ મોડી રાત સુધી પાણી અને ફોમનો મારો ચલાવ્યો હતો. જો કે સલ્ફરના ગોડાઉનમાં બનેલી ઘટના બાદ DISHના ફેકટરી ઇન્સ્પેકટર દ્વારા પ્રોહીબીટરી ઓર્ડર અપાયો છે તો, GPCB એ રિપોર્ટ તૈયાર કરી વડી કચેરીએ સુપ્રત કર્યો છે. અને રિપોર્ટ ના આવે ત્યાં સુધી ઉત્પાદન પ્રક્રિયા પર રોક લગાવી છે.
વાપી GIDC ના 3rd ફેઈઝ વિસ્તારમાં આવેલ ધ સ્ટાન્ડર્ડ કેમિકલ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં સોમવારે સલ્ફર ના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા લોકોને શ્વાસ લેવામાં અને આખોમાં બળતરા થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. જે ગંભીર મામલાને ધ્યાને રાખી Directorate of Industrial Safety & Health (DISH), Gujarat Pollution Control Board (GPCB) દ્વારા તપાસ હાથ ધરી રિપોર્ટ તૈયાર કર્યો છે. જેનો યોગ્ય પ્રત્યત્તર ના મળે ત્યાં સુધી કંપનીમાં પ્રોડક્શન કામગીરી બંધ રાખવા આદેશ કર્યો છે.
વાપી GIDC ના 3rd ફેઈઝ વિસ્તારમાં આવેલ ધ સ્ટાન્ડર્ડ કેમિકલ નામની કંપનીમાં સોમવારે સાંજના સમયે અચાનક સલ્ફરના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના અંગે કંપનીના કેમીસ્ટ યશ પાટીલે વિગતો આપી હતી કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેને બુઝાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સલ્ફર પાવડરમાં આગ લાગ્યા બાદ તેનું સલ્ફર સાયોક્સાઇડમાં રૂપાંતર થતા ફાયરને બોલાવી 10 કલાકની મહેનત બાદ કાબુ મેળવ્યો હતો.
સામાન્ય રીતે સલ્ફરમાં આગ લાગે એટલે તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ નામનો ગેસ ઉત્પન્ન થતો હોય આગની ઘટના બાદ આસપાસની કપનીઓમાંથી કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતાં. તેમજ આગ પર કાબુ મેળવવા વાપી નોટિફાઇડ, વાપી GIDC ના ફાયરને બોલાવવામાં આવ્યા હતા. તો વાપી ઇમર્જન્સી સેન્ટરની ટીમ અને પોલીસ જવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જેઓએ કંપની આસપાસના વિસ્તારને કોર્ડન કરી આગ ને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. ઘટના દરમ્યાન આસપાસના લોકોમાં શ્વાસ લેવાની અને આંખોમાં બળતરા થવાની ફરિયાદ ઉઠી છે. સલ્ફરના પ્રોડક્શન દરમ્યાન તમામ તકેદારીના પગલાં સાથે કામદારોને સેફટી સૂઝ, ગોગલ્સ, માસ્ક, હેલ્મેટ જેવા સુરક્ષાના સાધનો અપાય છે. તેવું કંપની ના કેમીસ્ટે જણાવ્યું હતું.
તો, ઘટના બાદ વલસાડના ફેકટરી ઇન્સ્પેકટર ડી. કે. વસાવાએ ટેલિફોનિક વિગતો આપી હતી કે હાલ કંપનીને પ્રોહીબીટરી ઓર્ડર આપ્યો છે. જે અનુસંધાને કંપની સંચાલકોએ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટની સર્ટિફિકેશનનું ઓડિટ, આગથી ગોડાઉનમાં અને આસપાસમાં થયેલ નુકસાનને સુરક્ષાના નિયમો હેઠળ દૂર કરવું, બાંધકામમાં જે નુકસાન થયું છે. તેને તૈયાર કર્યા બાદ મજબૂતાઈનું સર્ટિફિકેટ વગેરે રિપોર્ટ જ્યાં સુધી આપવામાં ના આવે અને આગ પાછળના ચોક્કસ કારણો જાણવામાં ના આવે ત્યાં સુધી પ્લાન્ટમાં પ્રોડક્શન કામગીરી બંધ રાખવાનો ઓર્ડર આપ્યો છે. જ્યારે GPCB ના અધિકારી એ. જી. પટેલે જણાવ્યું હતું કે ઘટના બાદ તેનો રિપોર્ટ તૈયાર કરી વડી કચેરી ગાંધીનગર ને સુપ્રત કરવામાં આવ્યો છે. જે બાદ ક્લોઝર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે કંપનીમાં આગ લાગી ત્યારે તેની નજીકના છીરી ગામ તેમજ આસપાસની અન્ય મોટી કંપનીઓમાં કામ કરતા કામદારોના જીવ પડીકે બંધાયા હતાં. લોકોએ શ્વાસ લેવામાં તકલીફનો સામનો કર્યો હતો. રબ્બર જેવી પ્રોડકટ બનાવવામાં વપરાતા સલ્ફરના મોટા ટુકડાઓને અહીં ગ્રાઇન્ડિંગ કરી તેનો પાવડર બનાવવામાં આવતો હતો. આગની ઘટનામાં કંપનીમાં રહેલ 20 થી 30 ટન સલ્ફર સ્વાહા થયું હતું. ત્યારે, આ ઘટના બાદ હવે DISH અને GPCB કડક પગલાં ભરે તેવી માંગ આસપાસના લોકોએ કરી છે.