વલસાડ જીલ્લામાં કપરાડા વિધાનસભા વિસ્તાર જિલ્લાનો સૌથી મોટો વિસ્તાર છે. સૌથી વધુ ગામ, સૌથી વધુ મતદારો, અને સૌથી વધુ ક્વોરી ધરાવતો વિસ્તાર પણ કપરાડા છે. જિલ્લાના અન્ય માર્ગો, રેલવે લાઇન માટે સૌથી વધુ કોન્ક્રીટ આ વિસ્તારમાંથી જ પુરી પાડવામાં આવે છે. તેમ છતાં આ વિસ્તારમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 848 જાનમાલનું નુકસાન કરાવતો બિસ્માર માર્ગ છે. જેની મરામત કરવાની સ્થાનિક લોકોની માંગ બાદ આ રસ્તાને લઈ હવે રાજનીતિ શરૂ થઈ છે.
હાલમાં આ બિસ્માર માર્ગની વહેલી તકે મરામત થાય, વિકાસના બૂમ બરાડા પાડતા સ્થાનિક ધારાસભ્ય, સાંસદ ના પેટનું પાણી હલે તેવા ઉદેશથી એક બેનર લગાવવામાં આવ્યું છે. બેનર કોઈ અજ્ઞાત વ્યક્તિએ લગાવ્યું છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, આ રસ્તો નેશનલ હાઇવે 848 છે. જેની સંપૂર્ણ જવાબદારી વલસાડના સાંસદ સભ્ય ડૉ. કે. સી. પટેલની છે. જો કે આ બેનરને લઈ ફરી એક વાર સ્થાનિક લોકોમાં પ્રશ્ન જાગ્યો છે. કે, જો આ વિધાનસભા શ્રેત્ર ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીનું છે. તો, રસ્તાની બાબતે તેમની જવાબદારી કેમ ના બને?
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જીતુ ચૌધરી 2007 થી અહીં સક્રિય રાજકારણમાં રહી જીતતા રહ્યા છે. કપરાડા તાલુકો મહારાષ્ટ્રની સરહદને જોડતો તાલુકો છે. આ તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 848 હાલ એટલો બિસ્માર બન્યો છે કે, અહીં રોજિંદા એકાદ બે ભારે વાહનો ગોથા ખાઈ રહ્યા છે. ચૂંટણી ટાણે સાંસદ ડૉ. કે. સી. પટેલની જેમ ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી પણ અહીંના રસ્તે અને જંગલમાં ભટકી ચૂંટણી પ્રચાર કરે છે. તો, આજે કપરાડાનો આ રઝળતા રસ્તાની જવાબદારીમાંથી કેમ છટકી શકે?
નેશનલ હાઇવે નંબર 848 આ વિસ્તારમાંથી પસાર થઈ નાસિક તરફ જતો મુખ્ય માર્ગ છે. હાઇવે ખાડાઓમાં અટવાયેલો હોય અકસ્માત માટે તેમજ જાનમાલની નુકસાની માટે સદાય બદનામ રહ્યો છે. રસ્તા પર પડેલા મસમોટા ખાડા અનેક ટ્રક ને ઊંધે માથે પલ્ટી મરાવી રહ્યા છે. ધૂળની ડમરીઓ વચ્ચે વાહન ચાલકો પોતાની અને મુસાફરોની જાન હાથમાં લઈ પસાર થઈ રહ્યા છે. ત્યારે તેઓની વેદનાને સાંભળી રસ્તાની મરામત કરવાની જવાબદારી ઉઠાવવાને બદલે તેમાંથી છટકવાની રાજનીતિ થઈ રહી હોવાનું અને એક બીજાને ખો ખો આપવા બેનર પ્રકરણ ઉભું કર્યું હોવાની ચર્ચા સ્થાનિક લોકોમાં ઉઠી છે.