દમણ અને ગુજરાતમાં રહેતો માછીમાર સમુદાય તેની સાહસિક માછીમારી માટે તો વિશ્વવિખ્યાત છે જ પરંતુ તેની સાથે આ સમાજ તેની વર્ષો જૂની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાનું પણ પુરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પાલન કરવા માટેની આગવી ઓળખ ધરાવે છે, આ માછીમારોની આજીવિકા કહો કે તેનો ભગવાન કહો તે બધું જ તેનું વહાણ અને ધરતીની ચારે તરફ ફેલાયેલો સમુદ્ર જ છે,
આ સમુદ્ર અને વહાણમાં માછી સમાજની આજ સુધીની બધી સંસ્કૃતિ અને પરંપરા સમાઈ જાય છે, ભારતીય સંસ્કૃતિમાં જયારે પણ આપણે કોઈ નવું ઘર ખરીદીએ અથવા કોઈ નવા મંદિરનું નિર્માણ કરીએ ત્યારે તેનું વાસ્તુ પૂજન અને પ્રાણ પ્રતિષ્ઠા અવશ્ય કરવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને સાંભળીને નવાઈ લાગશે કે ભારતનો દરિયા કાંઠે રહેતો કોઈ પણ માછીમાર જયારે નવું વહાણ કે નવી બોટ લાવે અથવા બનાવે ત્યારે તેની પણ પુરા વિધિ વિધાન સાથે વાસ્તુ પૂજન અને પ્રાણપ્રતિષ્ઠા કરે છે,
ચોમાસાની સીઝનની શરૂઆતમાં દમણના ઘણા માછીમાર ભાઈઓએ નવી બોટ બનાવીને તેની વાસ્તુ વિધિ સાથે પ્રાણપ્રતિષ્ઠા કરી હતી, દમણના દરિયા કાંઠે લાંગરેલી અનેક નવી બોટોને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી, અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવન યજ્ઞ તેમજ નાચગાન સાથે બોટમાં સોનાની ખીલ્લી અને નારિયેળ પધરાવવામાં આવ્યા હતા,
માછીમાર સમાજના અગ્રણીઓના જણાવ્યા મુજ્બ જયારે પણ કોઈ નવું વહાણ બનાવવામાં આવે ત્યારે તેને દરિયામાં માછીમારી માટે મોકલતા પહેલા તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે, જે બાદ આ નવા વહાણનું નામકરણ કરવામાં આવે છે, નામકરણની વિધિ પણ આપણા ઘરમાં જે નવજાત બાળક જન્મે અને હર્ષોલ્લાસ પૂર્વક તેના નામકરણની જેવી વિધિ કરીએ છીએ તેવી જ હોય છે, નામકરણ બાદ વહાણની પૂજા કરીને તેને વિધિવત રીતે દરિયામાં હંકારવામાં આવે છે, સ્થાનિક ભાષામાં આ સમગ્ર પ્રક્રિયાને વહાણના લગ્ન થયા એમ કહેવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોક્ત મતાનુસાર આ આખી પ્રક્રિયાને વહાણની પ્રાણપ્રતિષ્ઠા અથવા વહાણનું વાસ્તુ પૂજન જ કહેવામાં આવે છે, અને કોઈ પણ વહાણને દરિયામાં પધરાવતા પહેલા વાસ્તુ અને પ્રાણપ્રતિષ્ઠાની વિધિ ફરજીયાત કરવામાં આવે છે,
હાલ ચોમાસાની સીઝનમાં દરિયાઈ જીવ શ્રુષ્ટિનો પ્રજનન કાળ ચાલી રહ્યો હોય આ ત્રણ મહિના માટે માછીમાર સમુદાય માછીમારી બંધ કરીને તેમનું વહાણ કિનારા પર લાંગરી દે છે, ત્રણ મહિના બાદ કિનારે લાંગરવામાં આવેલા જુના વહાણો સાથે વિધિવત રીતે નામકરણ પામેલા નવા વહાણ પણ તેમના જુના ખલાસીઓ સાથે પુરા જોશ અને ઉન્માદ સાથે દરિયો ખૂંદવા નીકળી પડશે,