વાપીમાં ચલા ખાતે 720 પરિવારો વચ્ચે હંમેશા દરેક તહેવારોમાં એકતાની ભાવના પ્રગટ કરતી પ્રમુખ ગ્રીન્સ સોસાયટીમાં આવેલ પ્રમુખ મંદિરનો સોમવારે પ્રથમ પાટોત્સવ હતો. આ નિમિત્તે મંદિર પ્રાંગણમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમ-હવન અને ભજન-ભોજન સાથેના કાર્યક્રમમાં સોસાયટીના રહેવાસીઓએ ઉમળકાભેર ભાગ લઈ યજ્ઞમાં આહુતિ આપી આરતી ઉતારી અનેકતામાં એકતાના દર્શન કરાવ્યા હતા.
કાર્યક્રમ અંગે પ્રમુખ ગ્રીન્સ સોસાયટીના મેમ્બર જીગ્નેશ દેસાઈ સહિતનાં મેમ્બરોએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં નિર્માણ કરેલ ભગવાન શિવ, શ્રીકૃષ્ણ અને માતાજીની મૂર્તિની આજથી એક વર્ષ પહેલાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જે બાદ આજે પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સોસાયટીની જૂની નવી દરેક કમિટીના સભ્યોએ સહકાર આપી સોસાયટીના વિકાસમાં યથાયોગ્ય સિંહફાળો આપ્યો છે.
પ્રમુખ ગ્રીન્સ સોસાયટીના મંદિરના પ્રથમ પાટોત્સવ માં ખાસ ઉપસ્થિત રહેલા અને સોસાયટીમાં જ રહેતા જ્યોતિષાચાર્ય નરેશ શાસ્ત્રી, વિશેષ ઉપસ્થિત રહેલા કથાકાર ભરત વ્યાસ, પ્રમુખની જ બીજી સોસાયટીમાં રહેતા હીરાભાઈ પટેલ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, સોસાયટીના મંદિરમાં બિરાજમાન દેવી દેવતાઓની કૃપા દ્રષ્ટિ કાયમ આ સોસાયટીના લોકો પર વરસતી રહે છે. દરરોજ સોસાયટીના લોકો તેના દર્શને આવે છે. સોસાયટીમાં આયોજિત મંદિરના પ્રથમ પાટોત્સવમાં પણ સોસાયટી ના તમામ સભ્યોએ હાજરી આપી છે.
પ્રથમ પાટોત્સવ નિમિતે સોસાયટીમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર અને સાંજે મહાપ્રસાદ નું આયોજન તેમજ રાત્રે ભજન-રાસગરબાનું અયોજન કરવામાં આવ્યું છે. સોસાયટીમાં હંમેશા એકતા જળવાઈ રહી છે. પાટોત્સવ નિમિતે પંડિતથી માંડીને યજ્ઞમાં આહુતિ આપનાર તમામ આ સોસાયટીમાં જ રહેતા હોય તમામે પોતાનો યથાયોગ્ય સહયોગ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બિલ્ડર જગદીશ ભાટૂ દ્વારા નિર્માણ કરાયેલ પ્રમુખ ગ્રીન્સ સોસાયટીમાં 720 પરિવારો રહે છે. આ સોસાયટીમાં પંડિત, પોલીસ જજ, વકીલ, બિલ્ડર, ચાર્ટડ એકાઉન્ટ થી માંડીને દરેક વ્યવસાય સાથે સંકળાયેલ પરિવારો રહે છે. જેઓ તમામ આ મંદિરમાં બિરાજમાન ભગવાન શિવ, ભગવાન શ્રી કૃષ્ણ, અંબામાતા, ગણેશજી પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે. મંદિરમાં બિરાજમાન દેવી દેવતાઓ દરેકની મોનાકામના પૂર્ણ કરે છે. ત્યારે આજના પ્રથમ પાટોત્સવ નિમિતે તમામે યજ્ઞમાં આહુતિ આપી સોસાયટીમાં રહેલી એકતાની ભાવના કાયમ જળવાય રહે તેવા આશીર્વાદ સાથે સમૂહ આરતી કરતી હતી.