મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેકટ અંતર્ગત MAHSR કોરિડોર પર આવતી 24 નદીઓ પૈકીની વલસાડ જિલ્લાની પાર નદી પરનો પ્રથમ પુલ તૈયાર કરી લેવામાં આવ્યો છે. 7 પીલ્લર પર તૈયાર કરેલ આ પુલ 320 મીટર ની લંબાઈનો છે. તો, એ જ રીતે વાપી નજીકની દમણગંગા નદીમાં 8 પીલ્લર તૈયાર થઈ ચૂક્યા છે. આગામી દિવસમાં દમણગંગા નદી પર પર પુલ તૈયાર કરી લેવામાં આવશે.
NHSRCL દ્વારા ચાલી રહેલા મુંબઈ અમદાવાદ વચ્ચેના હાઈ સ્પીડ રેલ પ્રોજેકટ હેઠળ હાલમાં થયેલી કામગીરી અંગે વિગતો આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે,
MAHSR કોરિડોર પર કુલ 24 નદી આવે છે. જેના પર પુલ બનાવવાની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે. મુંબઈ અમદાવાદ વચ્ચે ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીથી અમદાવાદ સાબરમતી સ્ટેશન વચ્ચે આવતી નદીઓમાં વલસાડ જિલ્લામાં વાપી નજીક દમણગંગા, પારડી નજીક પાર નદી, નવસારી જિલ્લામાં ઔરંગા નદી પર, સુરત જિલ્લામાં તાપી નદી પર, ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પર અને વડોદરા નજીક મહીં નદી પરના પુલ બનાવવાની કામગીરી થઈ રહી છે.
હાલમાં વલસાડ જિલ્લાના પારડી નજીક આવેલ પાર નદી પરનો પુલ તૈયાર કરી લેવામાં આવ્યો છે. વાપી નજીક દમણગંગા નદી પર પુલ બનાવવા 8 પીલ્લર ઉભા થઇ ગયા છે. આગામી દિવસોમાં તેના પર પુલની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે. બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ આવતી નદીઓ પરના પુલમાં ભરૂચ જિલ્લાની નર્મદા નદી પર 1200 મીટર લાંબો પુલ બનશે. જે ગુજરાતનો સૌથી લાંબો પુલ હશે. વલસાડ જિલ્લાની પાર નદી પર બનેલો પુલ 320 મીટર લાંબો છે. એ ઉપરાંત હાલમાં ગુજરાતની અન્ય જિલ્લાની નદીઓ જેવી કે, સાબરમતી, મહીં, નર્મદા, તાપી જેવી નદીઓ પર પુલ બનાવવા ફાઉન્ડેશન વર્ક, પિયર વર્ક, બ્રિજ વર્ક પ્રગતિમાં છે.
અદ્યતન મશીનરી અને સ્કીલ્ડ સ્ટાફ દ્વારા 508 કિલોમીટર લાંબા બુલેટ ટ્રેનના રૂટ પર તેજગતિથી કામગીરી આગળ વધી રહી છે. જેમાં નદી પર પુલ બનાવવા, પહાડમાં સુરંગ બનાવવી, જમીનમાં બોગદુ બનાવવું, દરિયામાં ટનલ બનાવવી, જમીન ઉપર 9 મીટરથી 16 મીટર ઊંચાઈના વાયડકટ તૈયાર કરવા સહિતના કામ પુરજોશમાં હાથ ધરાઈ રહ્યા છે.