રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ માં ઉદ્યોગપતિઓ, નેતાઓ પર ફાયરિંગ કરી કરોડોની ખંડણી ઉઘરાવતી લૉરેન્સ બીશ્નોઈ સોપુ ગેંગના એક શૂટરને વલસાડ SOG એ ઝડપી પાડ્યો છે. જેણે 2 દિવસ પહેલા પુનામાં એક વ્યક્તિ પર ફાયરિંગ કર્યા બાદ ટ્રાવેલ્સમાં રાજસ્થાન જવા નીકળ્યો હતો. પકડાયેલ શૂટર લૉરેન્સ બીશ્નોઈ ગેંગ માટે જે વ્યક્તિ પાસે ખંડણી લેવાની હોય તેના પર ફાયરિંગ કરી ચુક્યો છે. જેમાં 3 ગુન્હામાં પકડાયા બાદ 2 ગુન્હામાં વોન્ટેડ હતો.
રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ માં ઉદ્યોગપતિઓ, નેતાઓ પર ફાયરિંગ કરી કરોડોની ખંડણી ઉઘરાવતી લૉરેન્સ બીશ્નોઈ સોપુ ગેંગના શૂટર અભિષેક ઉર્ફે સોનુ દિલીપ કોળીની વલસાડ SOGની ટીમે મુંબઈથી રાજસ્થાન જતી ટ્રાવેલ્સમાં વાપીની પેપીલોન હોટેલ નજીકથી ધરપકડ કરી છે. પકડાયેલ શૂટર પાસેથી પોલીસે 1 પિસ્તોલ, 2 મેગેઝીન, 5 જીવતા કારતુસ કબ્જે કર્યા છે. જે અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી.
જિલ્લા પોલીસવડા એ આપેલ વિગતો મુજબ પકડાયેલ શૂટર અભિષેક ઉર્ફે સોનુ દિલીપ કોળી લૉરેન્સ બીશ્નોઈ સોપુ ગેંગનો શૂટર છે. જેઓ ખંડણી માટે ફાયરિંગ કરવા સહિતના ક્રાઈમ માટે કુખ્યાત છે. લૉરેન્સ બીશ્નોઈ ગેંગનું નેટવર્ક લૉરેન્સ બીશ્નોઈ, ગોલ્ડી બ્રાર, વીરેન્દ્ર પ્રતાપ ઉર્ફે કાલા રાણા નામના 3 કુખ્યાત આરોપીઓ ચલાવે છે. જેમાં લૉરેન્સ બીશ્નોઈ હાલ તિહાર જેલમાં સજા કાપી રહ્યો છે. ગોલ્ડી બ્રાર વોન્ટેડ હોય કેનેડામાં રહે છે. જ્યારે કાલા રાણા ઈન્ટરપોલ ની મદદથી થાઇલેન્ડની જેલમાં છે. જેઓ વર્ચ્યુલ કોલ નેટવર્ક દ્વારા ગેંગના અન્ય ત્રણ સભ્યો આશિષ બીશ્નોઈ, દિનેશ બીશ્નોઈ અને અમિત બવાનાને સુચના આપી તેેના ઈશારે આભિષેક જેવા શૂટરો પાસે મોટા ઉદ્યોગપતિઓ, નેતાઓ પર ફાયરિંગ કરાવી ડરાવી ધમકાવી કરોડોની ખંડણી ઉઘરાવે છે.
પકડાયેલ અભિષેક કોળી પર આવા અલગ અલગ ગુન્હા નોંધાયેલ છે. જેમાં 2020માં રાજસ્થાનના રાકેશ ખટિક અને શુભમ ગુપ્તા નામના ફાયનાન્સર પર ફાયરિંગ કરી 1-1 કરોડની ખંડણી માંગેલી, એ ઉપરાંત રાજસ્થાનના ઇન્દ્ર હિસારીયા નામના કાપડના વેપારી પર ફાયરિંગ કરી 20 કરોડની ખંડણી માંગેલી, ભાજપના નેતા અને ઉદ્યોગપતિ દિપક પારિક પાસે 50 લાખની ખંડણી માંગેલી જ્યારે 2 દિવસ પૂર્વે મહારાષ્ટ્રના પુનામાં એક વ્યક્તિ પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
જે બાદ ટ્રાવેલ્સમાં બેસી રાજસ્થાન તરફ ભાગવાની ફિરાકમાં હતો ત્યારે વલસાડ SOG પોલીસે તેને વાપી પેપીલોન હોટેલ નજીક ટ્રાવેલ્સમાંથી દબોચી લીધો હતો. પકડાયેલ શૂટર અભિષેક મૂળ મહારાષ્ટ્ર ના પુનાનો રહેવાસી છે. જેને પકડી પાડી તેમની પાસેથી એક પિસ્તોલ અને 5 જીવતા કારતુસ જપ્ત કરી GIDC પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે લૉરેન્સ બીશ્નોઈ ગેંગના લૉરેન્સ બીશ્નોઈ, ગોલ્ડી બ્રાર, વીરેન્દ્ર પ્રતાપ ઉર્ફે કાલા રાણા જુવેનાઇલ છોકરાઓને ગેંગમાં સામેલ કરી તેમની પાસે ફાયરિંગ સહિતના ગુન્હા કરાવી કરોડોની ખંડણી ઉઘરાવે છે. આવા શૂટરો જ્યારે ગુન્હામાં પકડાઈ જાય તો તેને જુવેનાઇલના કાયદાનો લાભ મળી જાય છે. પકડાયેલ અભિષેકે પણ હાલમાં જ 18 વર્ષ પૂર્ણ કર્યા છે. જેને લોરેન્સ બીશ્નોઈ સોપુ ગેંગ ફાયરિંગ બાદ પડાવેલ ખંડણીની કુલ રકમમાંથી 15 ટકા હિસ્સો આપતી હતી. અને વર્ચ્યુલ કોલ દ્વારા ખંડણી માટે ટારગેટ નું સૂચન કરતી હતી. આ ગેંગ દ્વારા ગુજરાતમાં એક પણ ક્રાઈમ કરવામાં આવ્યો નથી પરંતુ રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પંજાબમાં અનેક ક્રાઈમ કરી કરોડોની ખંડણી ઉઘરાવી છે.