Thursday, December 26News That Matters

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી અને પારડી તાલુકામાં રૂ. 50 કરોડના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત, બલિઠાથી છરવાડાને જોડતો રસ્તો વાપીના બાયપાસ રોડ તરીકે ઉપયોગી થશે

રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં વિકાસ કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે, જેને પગલે 6 ડિસેમ્બરના રોજ સાંજે મંત્રીના હસ્તે પારડી અને વાપી તાલુકામાં એક સાથે ચાર ગામ બલિઠા, ટુકવાડા, બાલદા અને ઉમરસાડીમાં અંદાજે રૂ. 50 કરોડ 40 લાખના ખર્ચે નવીનીકરણ થનારા 27.58 કિમીના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 

આ રસ્તા અંદાજે 2,35000ની વસ્તીને સીધા ઉપયોગી બનશે. જેને પગલે ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી હતી. રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે કેબિનેટ પ્રધાન કનુભાઈ દેસાઈએ ગ્રામજનોને સંબોધી જણાવ્યું કે, છરવાડાથી NH848 બલિઠાને જોડતો 4.70 કિમીનો રસ્તો રૂ. 11 કરોડ 25 લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે.

છીરી પોલીસ ચોકી કેનાલથી 2.90 કિમીનો છરવાડા રોડ 6 કરોડ 25 લાખ અને છીરી પોલીસ ચોકીથી ને.હા.નં. 48 બલિઠાને જોડતો 7.60 કિમીનો રસ્તો 7 કરોડ 50 લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે. નવા રસ્તા બનવાથી ટ્રાફિકના પ્રશ્નો હલ થશે. છરવાડાથી બલિઠાને જોડતો રસ્તો વાપી તાલુકાને બાયપાસ રોડ તરીકે ઉપયોગી થશે.

આ રસ્તો છીરી પોલીસ ચોકી એટલે કે વાપી કોપરલી રોડ પરથી ડાયરેક્ટ બલિઠા ને.હા.નં. 48 પર જવા માટે અગત્યનો રસ્તો બનશે. 4.95 કિમીનો ટૂકવાડા પરીયા રોડ બનવાથી આજુબાજુના ગામોને બારમાસી રસ્તો મળશે. એક બાજુ પારડી પરીયા અંબાચ ચીભડકચ્છ રોડને જોડે છે અને બીજી બાજુ ને.હા.નં. 8 ને જોડે છે.

આ સિવાય ટુકવાડા પરિયા મેઈન રોડથી ટુકવાડા ઓવર ફળિયા થઈ ક્રિકેટ ગ્રાઉન્ડ થઈ પરિયા છતરીયાથી પારડી અંબાચને જોડતો 2.20 કિમીનો રસ્તો રૂ. 1 કરોડ 80 લાખના ખર્ચે બનશે. ટુકવાડા બરવાડી ફળિયાથી ભવાની માતા મંદિરને જોડતો 5.20 કિમીનો રસ્તો 2 કરોડ 50 લાખના ખર્ચે બનશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, બાલદા કમઠી ફળિયા સ્કૂલથી બાલદા સાયન્સ કોલેજને જોડતો 2.23 કિમીનો રસ્તો ૧ કરોડ ૪૫ લાખના ખર્ચે બનશે. આ રસ્તો વિદ્યાર્થીઓ માટે અવર જવરનો ટૂંકો રસ્તો છે. જે ને.હા.નં. 48ને જોડતો અગત્યનો રસ્તો છે. 2 કિમીની લંબાઈ ધરાવતો બાલદા એપ્રોચ રોડ રૂ. 2 કરોડના ખર્ચે બનશે.

આ રસ્તો બાલદા ગામથી બાલદા જીઆઈડીસીમાંથી પસાર થઈ ને.હા.નં. 848ને જોડે છે અને બીજી બાજુ પારડી ચીવલ રોડને જોડતો રસ્તો છે. ઉમરસાડી મસાલા ફેકટરી થી વાડી ફળિયા થઈ વ્હારી ફળિયા થઈ તળાવ થઈ પટેલ ફળિયાને જોડતો 3.40 કિમીનો રસ્તો રૂ. 6 કરોડ 50 લાખના ખર્ચે બનશે. આ રસ્તો પલસાણા ગંગાજી યાત્રાધામને જોડતો મહત્વનો રસ્તો છે.

આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને માજી સાંસદ ડો. કે.સી.પટેલે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. ખાતમુહૂર્ત વેળા પારડી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય મુકેશ પટેલ, બલિઠા ગામના સરપંચ સુમિતભાઈ, ટુકવાડા ગામના સરપંચ તેજલબેન, બાલદા ગામના સરપંચ રાહુલભાઈ, વાપી તાલુકા સંગઠનના પ્રમુખ સુરેશ પટેલ, પારડી તાલુકા સંગઠનના પ્રમુખ મહેશ દેસાઈ, વાપી શહેર સંગઠનના પ્રમુખ સતિષ પટેલ, વાપી નોટીફાઈડ સંગઠનના પ્રમુખ હેમંત પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *