Friday, January 31News That Matters

નાણાંમંત્રી કનુ દેસાઈના હસ્તે ₹ 78 લાખના ખર્ચે નવનિર્મિત ફણસા ગ્રામ સચિવાલયનું લોકાર્પણ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ખાતે તા. 26 ઓગસ્ટના રોજ ગ્રામ પંચાયતની સુવર્ણ જયંતી નિમિત્તે નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઈના હસ્તે રૂ. 78 લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરાયું.

સરકારના 15મા નાણાપંચ (જિલ્લા અને તાલુકા), વિવિધ ગ્રાન્ટ મળી કુલ રૂ. 62 લાખ અને ગ્રામલોકોની લોકભાગીદારીથી રૂ. 16 લાખ એકઠા કરી આ ગ્રામ સચિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવનિર્મિત ગ્રામ સચિવાલયથી ગ્રામજનોની સુવિધામાં વધારો થશે.

મંત્રી કનુ દેસાઈએ ગ્રામ સચિવાલયના નિર્માણની શુભેચ્છા આપતા કહ્યું હતું કે, ગ્રામ સચિવાલયોથી દરેક વ્યક્તિના કાર્યો પૂરા કરવા, દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવું. કોઈ વક્તિએ બીજે કશે દૂર ન જવું પડે તેવી રીતે કાર્ય કરી નવા ગ્રામ સચિવાલયના ઉદ્દેશ્યને સાર્થક કરવો. ફણસા ગામ પોતાની આગવી ઓળખ ધરાવે છે. અહીના લોકો દેશપ્રેમી – વિકાસપ્રેમી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી માટી મારો દેશ અભિયાન દ્વારા શહીદોને નમન કર્યા છે. ચંદ્રયાન – 3 ની સફળતા ભારતની દરેક ક્ષેત્રે ક્ષમતા બતાવે છે. ઉમરગામ તાલુકામાં પણ વિકાસના અનેક કામો થઈ રહ્યા છે. જેમાં કલગામ ખાતે 66 કેવી સબ સ્ટેશનનું નિર્માણ કરાશે તેમજ અંદર-ગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી પૂર્ણતાને આરે છે.

ધારાસભ્ય રમણલાલ પાટકરે ગ્રામ સચિવાલયના ઉદ્દઘાટનના અભિનંદન આપતાં કહ્યું હતું કે ગુજરાતના 18000 ગામોને એક ગ્રામ યોજના હેઠળ તમામ સુવિધાઓથી સજ્જ કરવું એ સરકારનો ધ્યેય છે. સુવિધાયુક્ત ગ્રામ સચિવાલયોના નિર્માણમાં સરકાર દ્વારા આર્થિક સહાયની સાથે સાથે સૌનો સહયોગ મળી રહ્યો છે. નાગરિક સુવિધાને પ્રાધન્ય આપી કામ કરવામાં આવશે તો ‘મારું ગામ ગોકુળ ગામ’ની વ્યાખ્યા સાર્થક થશે. ગામ વિકસિત બનશે.

સંસદ સભ્ય ડો. કે.સી. પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહે પ્રસંગોપાત ઉદબોધન કરી સૌને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ફણસા ગામના અત્યાર સુધીના તમામ સરપંચોનું પ્રમાણપત્ર અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગામના વિકાસમાં વિશિષ્ટ ફાળો આપનારા સતત બે ટર્મ સુધી સરપંચ તરીકે સેવા આપનાર વયોવૃદ્ધ સ્વરૂપચંદ રાયચંદ શાહનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.પી.ગોહિલ, જિલ્લા પંચાયતના સભ્યો, ગામના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઊપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *