વાપી નગરપાલિકા વિસ્તારમાં સોમવારે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. બપોર સુધીમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસતા વાપીના કેટલાક નિચાણવાળા વિસ્તારમાં તેમજ ઇસ્ટ-વેસ્ટને જોડતા નવા અને જૂના ગરનાળા માં પાણી ભરાયા છે. વરસાદમાં મુખ્ય માર્ગો પર અને નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશો મુલાકાતે નીકળ્યા હતાં. જેમાં જે વિસ્તારમાં પાણી ભરાયા છે તેનો વહેલી તકે નિકાલ કરવાની કામગીરી આરંભી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી પાલિકાના ઇસ્ટ-વેસ્ટને જોડતા જુના અને નવા ગરનાળા માં પાણી ભરાયા છે. જો કે આ વર્ષે 5 પમ્પ મૂકી ગરનાળામાં ભરાતા પાણીનો નિકાલ કરવાની પાલિકાની યોજના છે. આ પમ્પ સેન્સર સિસ્ટમ સાથે જ્યારે પાણીનું લેવલ વધશે ત્યારે શરૂ થશે અને ગરનાળા માં ભરાયેલ પાણીનો તાત્કાલિક સ્ટ્રોમ વોટર ડ્રેઇન માં નિકાલ કરશે.
વરસાદ ની સિઝનનો આ પ્રથમ વરસાદ હોય હજી પાલિકા વિસ્તારમાં વધુ પાણી ભરાયા નથી. તેમ છતાં જે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે તેવા રેલવે ગરનાળા, ચલા, ડુંગરા વિસ્તારની નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશોએ મુલાકાત લઇ સમીક્ષા કરી હતી. તેમજ કર્મચારીઓને જરૂરી સૂચના આપી હતી.