Sunday, December 22News That Matters

ધરાસણાના મીઠા સત્‍યાગ્રહમાં વલસાડ જિલ્લાના લડવૈયાઓએ પણ સહ્યા હતા પોલીસના અમાનુષી અત્‍યાચાર

વલસાડ : દેશની આઝાદીને 2022માં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, વલસાડના સંયુકત ઉપક્રમે ‘‘વલસાડ જિલ્‍લાનું આઝાદીના લડતમાં યોગદાન” વિષય પર સંસ્‍કાર કેન્‍દ્ર હોલ, કોલેજ કેમ્‍પસ ખાતે પ્રેસ સેમિનાર યોજાયો હતો. જેમાં ઉપસ્થિત કેળવણીકાર અને લેખક એવા ડૉ. જે. એમ. નાયક અને ડૉ. નરેશભાઇ ભટ્ટે જણાવ્‍યું હતું કે, દેશની આઝાદીની લડતમાં વલસાડ જિલ્લો કે દક્ષિણ ગુજરાત પણ બાકાત નથી. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે આ વિસ્તારના આઝાદીના લડવૈયાઓએ કેટકેટલા જુલમો, અત્‍યાચારો અને યાતનાઓ વેઠી હતી ત્યારે આપણે આ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. 
પ્રેસ સેમિનારમાં કેળવણીકાર અને લેખક એવા વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજના પૂર્વ આચાર્ય ડૉ. જે. એમ. નાયકે તેમના ઉદ્‌બોધનમાં જણાવ્‍યું હતું કે, દેશની આઝાદીને વર્ષ 2022 માં 75 વર્ષ પૂરાં થશે એ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દેશભરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહયા છે. વલસાડ જિલ્લો કે દક્ષિણ ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે આઝાદીના લડવૈયાઓએ કેટકેટલા જુલમો, અત્‍યાચારો અને યાતનાઓ વેઠી હતી.
વલસાડ જિલ્‍લાએ પણ આઝાદીની લડતમાં ધરાસણાના મીઠા સત્‍યાગ્રહોની યાદો તાજી કરી હતી. 21 મી મે 1930 ના રોજ અંદાજે બે હજાર જેટલા સત્‍યાગ્રહીઓએ ધરાસણાના મીઠાના અગરો પર સામૂહિક દરોડો પાડયો હતો. પોલીસના અમાનુષી અત્‍યાચારથી 1329 જેટલા સત્‍યાગ્રહીઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં ભાઇલાલભાઇ પટેલ, નરોત્તમભાઇ પટેલ અને ભાણ હુલ્લા નામના સત્‍યાગ્રહીઓ શહીદ થયા હતા. જિલ્‍લાના દામુભાઇ રાવજી, ઘેલાભાઇ દેસાઇ, દોલતરામ દેસાઇ, દિલખુશ દિવાનજી, ડૉ. અમૂલભાઇ દેસાઇ, કુસુમબેન દેસાઇ વગેરે લડવૈયાઓએ તેમનું યોગદાન આપ્‍યું હતું.
આ સત્‍યાગ્રહમાં સત્‍યાગ્રહીઓના અંગ્રેજોએ જેમ લાઠીથી માટલા ફોડે તેમ તેમના માથા ફોડયા હતા. આ સત્‍યાગ્રહ વિશે પંડિત મોતીલાલજીએ નોંધ્‍યું હતું કે, ધરાસણાનો કિસ્‍સો તવારીખમાં આપણા માટે ચિરંતન યશગાથાનો રહેશે અને નોકરશાહી માટે તે કદી ન ભૂંસાય એવી કાળી ટીલીની જેમ રહેશે. આ જિલ્લામાં મહાત્‍મા ગાંધીએ 26/04/1930 ના રોજ છરવાડા ગામે લોકોને ઉદ્દેશીને સંબોધન કરેલું કે, એમને મીઠા ચોરનો મોંઘેરો ઇલ્‍કાબ પણ મળેલો તેની યાદ કરી જિલ્‍લામાં મહાત્‍મા ગાંધીજીએ વખતોવખત પ્રવાસ કરી જિલ્લાના વિવિધ સ્‍થળોએ દેશની આઝાદી માટે લોકોને જાગૃત કર્યા હતા.
વલસાડના સંસ્‍કૃતના વિદ્વાન, વેદોના જાણકાર, કેળવણીકાર, ચિંતક અને લેખક તરીકે જાણીતા ડૉ. નરેશભાઇ ભટ્ટે દેશની આઝાદીના લડતમાં બલિદાન આપનાર સ્‍વાતંત્‍યવીરોની શહાદતનો ઉલ્લેખ કરી આજના સમયમાં દેશના લોકોએ આઝાદીનું જતન જાળવાય રહે તે જોવું  જોઇએ અને સ્‍વાતંત્ર્યવીરોના દેશની આઝાદીની લડતમાં પ્રદાનને આજની નવી પેઢીએ જાણવું જોઇએ અને તે મુજબ નાગરિક તરીકેનો પોતાનો રાષ્‍ટ્રધર્મ બજાવવા માટે અનુરોધ કર્યો હતો. વલસાડ જિલ્લાના લોકોનું આઝાદીની લડતમાં યોગદાન બાબતે તેમણે વિસ્‍તૃત જાણકારી આપી હતી.
આ અવસરે જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ દીપ પ્રગટાવીને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં સેમિનારને ખુલ્લો મૂકયો હતો. જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દેશભરમાં કાર્યક્રમો યોજાઇ રહયા છે તેની જાણકારી આપીને દેશના સ્‍વાતંત્ર્યવીરોની કુરબાનીની યાદો તાજી કરીને આઝાદીના લડવૈયા મહાત્‍મા ગાંધી અને લોકમાન્‍ય ટિળક વગેરે દેશ નેતાઓએ દેશની આઝાદી માટે વેઠેલા સંઘર્ષો અને યાતનાઓ ધ્‍યાને રાખી આજના નાગરિકોને આઝાદીનું જતન કરવા માટે અનુરોધ કર્યો હતો.
કલેકટર આગ્રેએ અંગ્રેજોએ આઝાદીના લડતમાં યોગદાન આપનારા પત્રકારોનું ગળું ઘોંટવાના કરેલા નાપાક પ્રયાસને લોકમાન્‍ય ટિળકના કેસરી મુખપત્ર દ્વારા અંગ્રેજોના અત્‍યાચાર બાબતે પ્રજાને જાણકારી આપી આઝાદી પ્રત્‍યે અભિમુખ કરીને તેમને આઝાદીની લડતમાં જોડાવવા માટે પ્રેરક બન્‍યા હતા. આવા લડવૈયાઓને ધ્‍યાને રાખી આઝાદીનું જતન કરવાની પ્રત્‍યેક નાગરિકની ફરજ છે એમ જણાવ્‍યું હતું. આજના ઝડપી સંદેશાવ્‍યવહારના સાંપ્રત સમયમાં ઇલેકટ્રોનીક માધ્‍યમો તથા સોશીયલ મીડિયામાં સમાચારોની ખરાઇ કરીને જ પત્રકારોએ તેમના સમાચારો પ્રજાને પહોંચાડવાની તેમની નૈતિક જવાબદારી નિભાવવા જણાવ્‍યું હતું.
સેમિનારમાં પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત માહિતી નિયામક રાજેન્‍દ્રભાઇ આર. રાઠોડે સ્‍વાગત પ્રવચનમાં કાર્યક્રમની પૂર્વભૂમિકા આપી કાર્યક્રમનો ઉદેશ જણાવ્‍યો હતો. અને વલસાડ જિલ્‍લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક અનિલભાઇ બારોટે આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના પ્રિન્‍ટ, ઇલેકટ્રોનીક મીડિયા, ડિજિટલ મીડિયાના મીડિયાકર્મીઓ, જિલ્લા માહિતી કચેરી, વલસાડના કર્મીઓ હાજર રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *