કરમબેલા ગામે નેશનલ હાઇવે નંબર 48 ટચ 24 ગુંઠા જમીનને લઈને ઉભો થયેલો વિવાદ આખરે લોહિયાળ સાબિત થયો છે. જેમાં જમીન પર કબજો કરી બેસેલા બિશ્ર્નોઈ સમાજના ગુરુ જમ્ભેશ્વર સેવા સંસ્થાનના 5 સભ્યો પર જમીનનો હક્ક દાવો કરનાર પીનલ પટેલે તેમના સાગરીતો સાથે ધસી આવી ઘાતક હથિયારો સાથે હુમલો કરી મારામારી કરતા સંસ્થાના 5 સભ્યો ઘાયલ થયા છે. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ આ ઘટના અંગે 9 લોકો સામે ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ઘટના અંગે બિશ્ર્નોઈ સમાજના ગુરુ જમ્ભેશ્વર સેવા સંસ્થાનના માજી ડાયરેકટર ગંગારામ બીશ્નોઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, કરમબેલામાં રહેતા પીનલ ઈશ્વર પટેલે કરમબેલા-વલવાડામાં રહેતા હિતેશ પટેલ, પંકજ પટેલ, હિરેન પટેલ, પ્રકાશ પટેલ, મુકેશ પટેલ, હિતેશ ડી પટેલ, હસમુખ પટેલ, અનિલ પટેલ નામના સાગરીતો સાથે એક સંપ થઈ તલવાર, લોખંડના સળિયા, કુહાડી, દાતરડું, લાકડા ના હાથાવાળો ઘન તથા લાકડાના ફટકા જેવા જીવલેણ હથિયારો સાથે તેમની જગ્યા ઉપર આવી હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી જીવલેણ હુમલો કરી સંસ્થાના પાંચ જેટલા સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચાડી છે.
આ 9 જેટલા ઈસમોએ સમાજની જગ્યામાં ધસી આવી ચીજ વસ્તુઓ તથા બાંધકામને નુકસાન પહોંચાડ્યું છે. પીનલ પટેલ નામના ઈસમ સાથે જમીનને લઈ વિવાદ ચાલે છે. અને હાલ આ વિવાદ કોર્ટ મેટરમાં તબદીલ થઈ છે. એવામાં પીનલ પટેલ તેના માણસો સાથે જમીન પર ધસી આવ્યો હતો. જેઓએ CCTV ના વાયર કાપી, જમીનમાં બનાવેલ મંડપ, કેબીન, જમીન ફરતેની બાઉન્ડરી તોડી સંસ્થામાં ઉપસ્થિત સભ્યો પર હુમલો કર્યો હતો. જેમાં ગંગારામ બીશ્નોઈને માથાના અને કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચાડી છે. શંકરલાલ ને માથાના ભાગે સળિયાના ફટકાર વડે ગંભીર પ્રકારની જીવલેણ ઇજા પહોંચાડતા તેને વાપીની હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવેલ છે. કિશનલાલ ને હોઠ તથા નાકના ભાગે પીનલ પટેલે દાતરડા વડે ઘા કરી ઇજા પહોંચાડી છે. સુરેશ બિશનોઈને જમણા હાથે ઇજા પહોંચાડી ઘાયલ કર્યા છે.
ઘટના અંગે તાત્કાલિક જાણકારી મળ્યા બાદ વાપી ડિવિઝનના DYSP બી. એન. દવે, ભિલાડ પોલીસ મથકના PSI સુસલાદે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ભોગ બનનાર બીશ્નોઈ સમાજના સભ્યો સાથે ચર્ચા કરી વિગત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, જમીનના સાચા માલિક હોવાના દાવા સાથે ચાલતા આ વિવાદમાં બીશ્નોઈ સમાજના સભ્યો પર હુમલો કરનાર પીનલ પટેલના સાગરીતોમાં પણ 2 સાગરીત ઘાયલ થયા હોય તેમને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હોવાની વિગતો મળી છે. હાલમાં આ ઘટનાને લઈ પોલીસે બીશ્નોઈ સમાજના ઘાયલ ફરિયાદી ગંગારામ બીશ્નોઈની ફરિયાદ નોંધી દોષિત સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.