સંઘપ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલ શ્રી ગણેશ પેકેજીંગ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. કંપની થર્મોકોલ બોક્સ બનાવતી હોય તેમાં આગ લાગતા ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટના બાદ દમણ ફાયરે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલ જય જલારામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શુક્રવારે સવા એક વાગ્યા આસપાસ થર્મોકોલ ના બોક્સ બનાવતી શ્રી ગણેશ પેકેજીંગ નામની કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કંપનીમાં લાગેલી ભીષણ આગને બુજાવવા માટે દમણ ઉપરાંત સ્થાનિક કંપનીઓના અને વાપી નગરપાલિકા, વાપી નોટિફાઇડના ફાયર જવાનોને જાણ કરી ફાયર બ્રાઉઝર મંગાવી પાણીનો મારો ચલાવી બે કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો.
સંઘપ્રદેશ દમણમાં ડાભેલ વિસ્તારમાં મહાત્મા ગાંધી ઉદ્યોગ નગર નજીક આવેલ જય જલારામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શુક્રવારે બપોરે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ એસ્ટેટમાં આવેલ શ્રી ગણેશ પેકેજીંગ નામની કંપનીના પ્રથમ માળે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊઠી હતી. આગની ઘટના બનતા કંપની સંચાલકોએ તાત્કાલિક દમણ ફાયરને અને જાણ કરી હતી. દમણ ફાયર ના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગની ગંભીરતાને ધ્યાને લઈ નજીકમાં આવેલ સ્થાનિક કંપનીઓના ફાયર ટેન્ડરો બોલાવવા સાથે વાપી નગરપાલિકા અને વાપી નોટિફાઇડના ફાયર વિભાગને જાણ કરતા ફાયરના જવાનો ફાયર બ્રાઉઝર સાથે શ્રી ગણેશ પેકેજીંગ ખાતે પહોંચ્યા હતા.
ફાયરના જવાનોએ આગ પર પાણી અને ફૉમ નો મારો ચલાવી અંદાજિત બે કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટના અંગે દમણ ફાયર ઓફિસર એ. કે. વાળાએ જણાવ્યું હતું કે, કંપની તરફથી આગની જાણકારી મળ્યા બાદ તેમની ટીમ અને વાપી-દમણ મળી અંદાજિત 10 થી 12 જેટલા ફાયર ફાઈટર બોલાવી આગ પર કાબુ મેળવ્યો છે. કંપનીમાં લાગેલી આગ સૌપ્રથમ કંપનીના ઉપરના માળે લાગી હતી. કંપનીમાં થર્મોકોલના બોક્સ બનાવતા હોય તેમાં પેટ્રોકેમિકલ નું પ્રમાણ વધુ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ, કંપનીમાં રહેલ તૈયાર મટીરીયલ અને રો-મટીરીયલ બળીને ખાખ થયું છે. આગની આ ઘટનામાં ફાયર વિભાગે કંપની સંચાલકો પાસે ફાયર અંગે કેવી સુવિધા હતી તેની તપાસ પણ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે, કંપનીમાં ફાયર એક્સટિંગ્વિશર હતાં. જેના દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. જેથી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ ફાયર વિભાગ તે દિશામાં પણ તપાસ કરશે કે કંપનીમાં ફાયર સેફટી ને લઈને કેવી સુવિધા હતી.