Saturday, December 21News That Matters

દાદરા નગર હવેલીના ખેડૂતે શિમલાથી લાવેલા 300 સફરજનના રોપાઓનું વાવેતર કરી સફરજનની સફળ ખેતી કરી, 3000ને બદલે 300 કલાકની ઠંડકમાં 3 દિવસે એક વાર પાણી આપ્યાં બાદ 40 ડિગ્રીના તાપમાને તૈયાર થયા ટેસ્ટી સફરજન

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મોરખલ ખાતે અદુમાર્યો ન્યુમ્સ નામના ખેડૂતે શિમલાથી લાવેલા 5 અલગ અલગ વેરાયટીના 300 સફરજનના રોપાઓનું વાવેતર કરી સફરજનની સફળ ખેતી કરી છે. આ ઝાડ પર હાલ સફરજનના ફળ આવ્યા છે જેનો ટેસ્ટ ખૂબ જ સારો છે. આ સફરજનની વેરાયટી શિમલાના હરિમન શર્માએ તૈયાર કરી છે. જે 3000 કલાકની ઠંડકને બદલે 300 કલાકની ઠંડકમાં અને 3 દિવસે એક વાર પાણી આપ્યાં બાદ પણ સારા ફળ આપે છે. દાદરા નગર હવેલીના ખેડૂત અદુમાર્યો ન્યુમ્સે તેમને રોપ્યા બાદ પ્રથમ વખત 40 ડિગ્રીના તાપમાન ધરાવતા પ્રદેશમાં આગામી મેં-જુનમાં પ્રથમ પાક લણશે.

સંઘપ્રદેશના દાદરા અને નગર હવેલીના ગરમ વાતાવરણમાં ઠંડા પ્રદેશના ફળોની ખેતી અત્યાર સુધી અસંભવિત ગણાતી હતી. પરંતુ હાલમાં જ શિમલાના હરિમન શર્માએ ખાસ રિસર્ચ હાથ ધરી સફરજનની 5 એવી વેરાયટી તૈયાર કરી છે. જે ઠંડા પ્રદેશને બદલે ગરમ પ્રદેશમાં પણ સારા ફળ નો પાક આપી શકે. આ રોપાઓ દાદરા નગર હવેલીના ખેડૂત અદુમાર્યો ન્યુમ્સ ઉર્ફે આદિત નામના પ્રગતિશીલ ખેડૂતે DNH ના મોરખલ ખાતે આવેલી તેની વાડીમાં વાવ્યા છે. 300 રોપાઓનું વાવેતર કર્યા બાદ હાલ આ ઝાડ પર ફળો તૈયાર થઈ રહ્યા છે. જેણે દાદરા નગર હવેલીના ખેડૂતોને સફરજનની ખેતી કરવા માટે પ્રેરિત કરતું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સફરજનની ખેતી અંગે અદુમાર્યો ન્યુમ્સે જણાવ્યું હતું કે દાદરા નગર હવેલીના મોરખલ સ્થિત ખડકીપાડા ખાતે પોતાના ફાર્મ પર અનેક પ્રકારના ફળો અને શાકભાજીની ખેતી કરતા રહે છે. આ વિસ્તારમાં જ્યા ગરમીની સિઝનમાં તાપમાન 40 ડિગ્રી કરતા પણ વધુ પહોંચતું હોય છે એવા સ્થળે તેઓએ સફરજનના 300 ઝાડો વાવીને અસંભવ ખેતીને સંભવ બનાવવાનો પ્રયાસ કર્યો છે. હાલ તેણે પ્રાયોગીક ધોરણે સફરજનની ખેતીની શરૂઆત કરી છે. અને તેમાં તેને સફળતા મળી છે. જો આ પ્રયોગ હજુ વધુ સફળ થશે તો અન્ય ખેડૂતોને પણ તેનો લાભ મળશે.

ખાસ કરીને સફરજનની ખેતી જમ્મુ કાશ્મીર અને હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થાય છે. જેને 3 હજાર કલાકની ઠંડીની જરૂર હોય છે. જો કે શિમલાના હરિમન શર્માએ ખાસ રિસર્ચ હાથ ધરી કેટલીક એવી જાતિના રોપા તૈયાર કર્યા છે જેને 300 કલાકની ઠંડી આપ્યા બાદ સફરજનનો પાક લઈ શકાય છે. સફરજનની ખેતીમાં ખેડૂતને એક સૌથી મોટો ફાયદો એ થાય છે કે તેની માવજત માટે દવાઓની વધુ જરૂર પડતી નથી. સપ્તાહમાં ત્રણ દિવસ જ પાણી આપવાનું હોય છે, અને માત્ર કુદરતી ખાતર આપી સારા ફળોનું ઉત્પાદન લઈ શકાય છે.

શિમલાના હરિમન શર્માએ તૈયાર કરેલા સફરજનના રોપાઓને માત્ર 300 કલાકની ઠંડક મળ્યા બાદ 40 ડિગ્રી કરતા વધુ ગરમીમાં પણ ફળ આવે છે. સેલવાસના ખેડૂત અદુમાર્યો ન્યુમ્સના જણાવ્યા મુજબ તે 15 દિવસ શિમલા ખાતે હરિમન શર્માને ત્યાં રોકાયા હતા અને ત્યાંથી 5 અલગ અલગ HRMN 99, અન્ના, ટ્રોપિકલ સ્વીટ જેવી વેરાયટીના સફરજનના 300 રોપાઓ લઇ આવ્યા હતા. જેનું વાવેતર કર્યું છે. આ ઝાડની નવેમ્બર ડિસેમ્બર મહિનામાં Pruning (કાપણી) કર્યું છે. જે બાદ 15 થી 30 દિવસમાં એના પર ફૂલો આવ્યા હતા. અને હાલમાં ફળો બેસવાનું શરૂ થયું છે. મેં-જૂન મહિનામાં સફરજનનો પાક તૈયાર થશે. હાલમાં ઝાડ પર બેસેલા ફળો નો ટેસ્ટ ઘણો સારો છે. જો આ પ્રયોગ ઉત્પાદનની અને આર્થિક દ્રષ્ટિએ સફળ રહ્યો તો દાદરા નગર હવેલીના ખેડૂતો માટે આવનારા દિવસમાં સફરજનની ખેતી ફાયદાકારક સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *