નારગોલ ગામે સરપંચ સ્વીટી ભંડારી અને પંચાયત ના સભ્યોએ સરીગામ GIDC માં આવેલ કેલીબર કંપનીના સહયોગમાં સુંદર કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામમાં વર્ષો જૂની કન્યા છાત્રાલયમાં શૌચાલય, કમ્પાઉન્ડ વૉલ સહિત જરૂરી સુવિધા CSR ફન્ડ હેઠળ ઉપલબ્ધ કરાવી આદિવાસી વિદ્યાર્થીઓને સુરક્ષા-સલામતી પૂરી પાડી છે.
નારગોલ ગામની અંદર અનેક શૈક્ષણિક સંસ્થા આવેલી છે, જે પૈકીની ભક્ત શ્રી જલારામ ન્યુ હાઇસ્કુલ સંસ્થાની એક કન્યા છાત્રાલય આવેલ છે. જેમાં વર્ષોથી ધરમપુર, કપરાડા તેમજ ઉમરગામ તાલુકાના અંતરિયાળ વિસ્તારની આદિવાસી દીકરીઓ છાત્રાલયમાં રહીને ભણે છે. નારગોલ ગામના સરપંચ સ્વીટી યતીન ભંડારીના ધ્યાન ઉપર એક એવી બાબત આવી જેમાં આ છાત્રાલયની દીકરીઓ જ્યાં રહે છે એ હોસ્ટેલ માં કેટલીક પાયાની સુવિધા ની અગવડતા હતી. હોસ્ટેલના તાર ખૂંટા નું કમ્પાઉન્ડ પણ સંપૂર્ણ રીતે તૂટેલું હતું. જેને લઇ હોસ્ટેલમાં કોઈપણ વ્યક્તિ સરળતાથી અંદર પ્રવેશી શકે તેવી સ્થિતિ હતી.

છાત્રલયની અંદર વર્ષો જૂના શૌચાલયો જર્જરિત હતા. જે પણ છાત્રાલય સંકુલના એક છેડે હોવાથી વિદ્યાર્થીઓ અગવડતા અનુભવી રહ્યા હતા. આ બાબત ધ્યાને આવતાની સાથે જ નારગોલ ગામના સરપંચ સ્વીટી યતીન ભંડારીએ જલારામ ન્યુ હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા વિચારણા કરી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓની સુરક્ષા અને સવલત માટે આ કામ તાત્કાલિક ધોરણે કોઈપણ પ્રકારથી કરવા માટે સંકલ્પ કરી પ્રયાસો શરૂ કર્યા હતા.

જેમાં સરીગામ સ્થિત કેલિબર કંપની સાથે સંકલનમાં રહી કંપની તરફથી મળતું CSR ફંડનો ઉપયોગ કરવા માટે કેલિબર કંપનીના અધિકારીઓ એચ.આર ટીમ સાથે રૂબરૂ સર્વેક્ષણ કરી યોગ્ય પ્લાન, એસ્ટીમેટ તૈયાર કરાવી લાખોના ખર્ચે સુંદર કામગીરી કરવામાં સફળતા મળી છે. કેલિબર કંપની દ્વારા જલારામ સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલને સરસ મજાના શૌચાલય, કમ્પાઉન્ડ વોલ, પેવર બ્લોક, સેનિટેશન સગવડ, પાણીની ટાંકી જેવી કામગીરી કરી આપવામાં આવી છે. આ બદલ ગ્રામ પંચાયત નારગોલના સરપંચે કેલિબર કંપનીનો આભાર વ્યક્ત કર્યો છે.

સરપંચ સ્વીટી યતીન ભંડારીના જણાવ્યા મુજબ આ પ્રકારની કામગીરી ગામના કોઈ મહોલ્લામાં લોકોને ખુશ કરવા માટે પોતાના મત વિસ્તારમાં કરાવી શકતા હતાં. પરંતુ જર્જરીત કમ્પાઉન્ડ વાળી હોસ્ટેલમાં ભણતી છેવાડાના ગામડાની ગરીબ પરિવારની દીકરીઓની સલામતીને ધ્યાનમાં રાખી કન્યા છાત્રાલયની કામગીરીને મહત્વતા આપી છે. ગામને મળેલ સીએસઆર ફંડ છાત્રાલયમાં ઉપયોગ કરવા માટેનો પ્રયાસ કર્યો છે. પરિણામ સ્વરૂપે ખૂબ જ સરસ કામગીરી કેલીબર કંપની દ્વારા કરી આપવામાં આવી છે જેમનું સમગ્ર નારગોલ ગામ આભારી છે.