ચોમાસાની મોટી ભરતીના કારણે ઉમરગામ તાલુકાના નારગોલ, સરોન્ડા, તડગામ જેવા ગામોમાં વ્યાપક પ્રમાણમાં દરિયાઈ ધોવાણ થવા પામ્યું છે જેમાં કેટલાક રહેણાંક વિસ્તાર તેમજ વન વિભાગ હસ્તકની જમીનમાં વાવેલા વૃક્ષોને ભારે નુકસાની થવા પામી છે.
આ અંગે મળતી વિગતો મુજબ છેલ્લા એક અઠવાડિયાથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસતા સમગ્ર ઉમરગામ તાલુકામાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી. આજ સમયે દરિયાની ભરતી પણ મોટી હોવાના કારણે દરિયાઈ પટ્ટી પર આવેલ નારગોલ, સરોડા, તડગામ જેવા ગામોમાં કાંઠાનું ધોવાણ વ્યાપક બન્યું છે. નારગોલની ગામની વાત કરીએ તો નારગોલ માછીવાડ વિસ્તારમાં દરિયાઈ ધોવાણના કારણે ખૂબ મોટી નુકસાની સ્થાનિક લોકોને વેઠવી પડી છે.
માછીમારી પ્રવૃત્તિ માટે વપરાતી જમીન દરિયાની અંદર ગરકાવ થઈ ચૂકી છે. નારગોલથી લઈ તડગામ સુધી આવેલ વન વિભાગની જમીન ઉપર દરિયાઈ મોજાએ સામ્રાજ્ય સ્થાપિત કરતા સેકડોની સંખ્યામાં શરૂના વૃક્ષો ભોંયગ્રસ્ત થયા છે. જેને લઇ વન વિભાગને પણ ખૂબ નુકસાની થઈ છે. ભોંયગ્રસ્ત થયેલા વૃક્ષોની બેફામ ચોરી થઈ રહી છે વન વિભાગની મિલકતને બચાવવા માટે સ્થાનિક વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ઉદાસીન નીતિ અને ઢેલી કામગીરી સામે આવી રહી છે.
ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારોમાં જે પ્રમાણથી દરિયો આગળ વધી રહ્યો છે તેને ધ્યાનમાં રાખી સરકારે તાત્કાલિક દરિયાઈ સુરક્ષા દિવાલ મંજૂર કરવી જરૂરી બન્યું છે. અન્યથા આ વિસ્તારમાં દરિયો રહેણાંક વિસ્તારમાં ખૂબ મોટી ખાના ખરાબી સર્જે તે દિવસ વધુ દૂર નથી.