Friday, January 31News That Matters

ઉમરગામના ડહેલી ગામે કંપની દ્વારા ખેતરોમાં દૂષિત પાણી છોડાતું હોવાના આક્ષેપ સામે કંપની સંચાલકનો ખુલાસો, સ્વહિતમા કંપનીને બદનામ કરવાના પ્રતિઆક્ષેપ

ઉમરગામ તાલુકાના ડહેલી ગામ ખાતે આવેલ ટેકસ્ટાઇલ્સ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી ખેતરોમાં છોડાતું હોવાના અને તેને કારણે જમીન ખરાબ થતી હોવાના આક્ષેપ સ્થાનિક ગામલોકોએ કર્યા છે. તેમજ તે અંગે GPCBમાં ફરિયાદ કરતા GPCB ની ટીમે પાણીના સેમ્પલ લઈ વડી કચેરીએ તપાસ માટે મોકલ્યા છે. જો કે, આ સમગ્ર આક્ષેપ અંગે સતલજ ટેકસ્ટાઇલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંચાલકોએ ખુલાસો કરવા સાથે પ્રતિ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કંપની 22 વર્ષથી ગામલોકોને રોજગારી આપવા સાથે ગામના વિકાસમાં પોતાનો સહયોગ આપી રહી છે. પરંતુ, ગામના જ કેટલાક લોકો પોતાના સ્વહિત સાધવા માટે કંપનીને બદનામ કરી રહ્યા છે.

કંપનીના મેનેજર પ્રદીપ શર્મા અને કંપનીમાં કર્મચારીઓના આરોગ્યની કાળજી લેતા મેડિકલ ઓફિસર ડૉ. કે. પી. સિન્હાએ જણાવ્યું હતું કે, 22 વર્ષથી કાર્યરત કંપની પર્યાવરણ બાબતે, કામદારોના કલ્યાણ બાબતે તેમજ ગામના વિકાસ માટે હંમેશા સતર્ક રહી છે. કંપનીમાં કામ કરતા કામદારોમાં 50 ટકા જેટલા કામદારો ગામના સ્થાનિક લોકો છે. કંપની ઝીરો ડિસ્ચાર્જ યુનિટ છે. કંપનીમાંથી કોઈપણ પ્રકારનું પાણી બહાર કાઢવામાં આવતું નથી. કંપનીમાં જ સંચાલકો, કામદારો માટે આવાસની સુવિધા છે. જે તમામ માટે કંપનીમાં જ બનાવેલ બોરનું પાણી વાપરવામાં આવે છે. એ ઉપરાંત કંપનીએ ગામલોકો માટે પણ RO પ્લાન્ટ લગાવી પાણીની સુવિધા પૂરી પાડી છે. એટલે આસપાસના વિસ્તારમાં પાણી છોડી પર્યાવરણને નુકસાન કરવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી. પરંતુ સ્થાનિક કેટલાક લોકો પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે. એટલે ગામલોકોને કંપની સામે ઉશ્કેરી પોતાની મેલી મુરાદ પુરી કરવા કાવતરા રચતા હોવાનો પ્રતિઆક્ષેપ કર્યો છે.

કંપની સંચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે, હાલના આક્ષેપ અને ફરિયાદ બાદ GPCB એ કંપની પરિસરમાંથી તેમજ કંપનીની બહારના વિસ્તારમાં નીકળતા લાલ પાણીના સેમ્પલ લીધા છે. જેની ચકાસણી બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી જશે. આ કંપની એક પ્રતિષ્ઠિત કંપની છે. જે પર્યાવરણને કે ગામલોકોને નુકસાન થાય તેવું કોઈ કાર્ય કરતી નથી. ઉલટાનું કંપનીએ સ્થાનિક ગામલોકો માટે રસ્તાની સુવિધા આપી છે. ગામલોકોના બાળકો માટે CSR હેઠળ શાળા બનાવી છે. સ્મશાન બનાવ્યું છે. ગ્રામ પંચાયતનું નવું ભવન બનાવવા જરૂરી ફન્ડ આપ્યું છે. જો કે, ગામના કેટલાક લોકો પોતાના ઇરાદાઓ બર લાવવા કંપની ને બદનામ કરી તે પાર પાડવા માંગે છે. જે ઇરાદાઓ આગળ કંપની ક્યારેય ઝુકશે નહિ

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ખાતે આવેલી કંપનીના સંચાલકો કેમિકલ યુક્ત પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર બોરિંગમાં નાખી આજુબાજુના વિસ્તારમાં આવેલા કુવા અને બોરના પાણી પ્રદુષિત કરતા હોવની રાવ ખેડૂતો અને સ્થાનિક લોકોએ કરી છે. GPCBના અધિકારીઓએ પણ આ આક્ષેપ બાદ લાલ કલર વાળા પાણીના સેમ્પલ લીધા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આખરે આ આક્ષેપ પ્રતિઆક્ષેપ માં કોણ પોતાના ઈરાદા બર લાવવાના પ્રયાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *